Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / મતદાર, મેરેજ અને મોતઃ મતદાન વખતે લોકતંત્રનાં રક્ષકોનાં કંઈક આવા હતાં દ્રશ્યો

મતદાર, મેરેજ અને મોતઃ મતદાન વખતે લોકતંત્રનાં રક્ષકોનાં કંઈક આવા હતાં દ્રશ્યો

સમગ્ર દેશ સાથે રાજ્યમાં લોકતંત્રનાં પર્વનો ત્રીજો તબકકો યોજાઈ ગયો. રાજ્યમાં યોજાયેલી આ ચૂંટણીમાં મતદારોનાં અનેક રંગો જોવાં મળ્યાં. ક્યાંક પ્રથમ વાર મતદાન કરી રહેલાં નવા મતદારોનો રોમાંચ જોવાં મળ્યો તો ક્યાંક તેમને મતદાન માટે પ્રેરતા ઢોલનગારનો નાદ સંભળાયો.

આ બધાં વચ્ચે પીળી પીઠી ચોળીને પરણતા પહેલાં મતદાનને મહત્વ આપનારા નાગરિકોની સૂઝનાં પણ દર્શન થયાં તો ક્યાંક ઘરમાં છવાયેલાં માતમને થોડીવાર ભૂલીને મતદાનની જવાબદારી પૂરી કરતાં નાગરિકો પણ જોવાં મળ્યાં. ત્યારે આપણે જોઇશું આ લોકતંત્રનાં રક્ષકોનો વિશેષ અહેવાલ.

દેશમાં ચાલી રહેલાં લોકતંત્રનાં મહાપર્વનો આજે ત્રીજો તબક્કો હતો. આ ત્રીજા તબક્કામાં રાજ્યની છવ્વીસે છવ્વીસ બેઠકો પર મતદાન યોજાયું હતું. રાજ્યનાં આંગણે આવેલાં ત્રીજા તબક્કાનાં મતદાન માટે નાગરિકોએ મક્કમ ગતિએ પણ ઉત્તમ મતદાન કર્યું. આ મતદાન દરમિયાન વિવિધ મતદારોનાં અનેક રંગો જોવાં મળ્યાં. જેમાં રાજ્યમાં નવા નોંધાયેલાં અને  પ્રથમ વખત જ મતદાન કરવા જતાં યુવા મતદારોમાં અનેરો રોમાંચ જોવાં મળ્યો હતો.
 
 

લોકતંત્રનાં આ યુવા ભાગીદારો જ્યારે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે રાજ્યમાં અનેક ઠેકાણે લોકોએ ઢોલ અને નગારા વગાડીને તેમને મતદાન મથક સુધી  પહોંચાડવા ગયાં હતાં. ખેડાનાં ગલતેશ્વર તાલુકાનાં સેવાલિયા ગામમાં 100 કરતાં વધારે યુવાનોએ પ્રથમ વખત મત આપવા ગયા હતાં. આ ઘટનાને ગામલોકોએ ઢોલ અને નગારાનાં સથવારે યાદગાર બનાવી હતી. ગામ લોકોએ પ્રથમવાર મતદાન કરવા જતાં યુવાઓનો ઉત્સાહ વધાર્યો હતો. કેટલી જગ્યાએ પ્રથમ વાર મતદાન કરવા જનાર યુવાનોને ફૂલ આપીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

કેટલાંક યુવાનોએ તો પ્રથમ વાર મતદાન કર્યું જ સાથે સાથે કેટલાંક નવદંપતિઓએ તો કેટલાંકે પોતે સાત ફેરા ફરે તે પહેલાં જ મતદાન કરવામાં ઉત્સાહ દાખવ્યો. શરીર પર પીઠી ચોળેલી આ યુવતી ભરૂચની છે જેણે સાત ફેરા ફરતા પહેલાં પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરીને અન્ય મતદારોને પણ પ્રેરણા આપી છે. તો જૂનાગઢમાં એક વરરાજાએ જાન લઈને જતાં પહેલા પોતાનાં મતદાન કેન્દ્ર પર પહોંચીને મતદાનને પહેલું મહત્વ આપ્યું હતું.

પોતાનાં મતાધિકાનો ઉપયોગ કરવા માટે વરરાજા જાન સાથે મતદાન મથકે પહોંચ્યાં હતાં. આ પ્રકારનાં દ્રશ્યો સમગ્ર રાજ્યમાં જોવાં મળ્યાં છે. અરવલ્લીનાં બાટડના ખાંડા ગામે પણ પરણવા જતાં પહેલાં વરરાજાએ મતદાન કરીને પહેલો ધર્મ બજાવ્યો હતો અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. તો રાજકોટમાં પણ વર અને વધૂએ મતદાન મથકે પહોંચીને મતદાન કરીને અન્ય નાગરિકોને પણ મતદાન કરવાની પ્રેરણા આપી હતી. 

માત્ર, લગ્ન પ્રસંગને જ થોડી વાર વિરામ આપીને મતદાન કરવા નાગરિકો આવ્યાં હતાં તેવું નહીં પરંતુ કેટલાંક ઘરમાં શોકનો માહોલ હોવાં છતાં અને વિધિ પણ બાકી હોવાં છતાં નાગરિકોએ મતદાને પહેલી ફરજ ગણી હતી. ઉપલેટા તાલુકાનાં ડુમિયાણી ગામમાં કોઠડિયા પરિવારમાં કુટુંબનાં મોભી એવાં હિનાબેનનું આકસ્મિક અવસાન થયું હતું. સમગ્ર પરિવારમાં શોકનો માહોલ હતો.

છતાં શોકસંતપ્ત પરિવારે મૃત્યુબાદની કેટલીક વિધિને થોડીવાર વિરામ આપીને મતદાનની ફરજને પોતાનો રાષ્ટ્રીય ધર્મ ગણીને મતદાન કરવાને  પ્રાધાન્ય આપ્યું હતું. આ કુટુંબનાં અંદાજે 45 જેટલાં સભ્યોએ શોકમગ્ને હાલત છતાં મતદાનનની પવિત્ર ફરજ પૂરી કરી હતી. જે રીતે દેશની સરહદ પર આકરી પરિસ્થિતિમાં પણ આપણા જવાનો દેશની રક્ષા કરે છે તે રીતે દેશની અંદર પર લોકતંત્રની રક્ષા કરવા માટે દેશનાં નાગરિકો પણ તૈયાર હોય છે. અનેક વિષમ પરિસ્થિતિ અને સામાજિક વિટંબણામાં પણ મતદાનની ફરજને નહીં ચૂકવાની માનસિકતા નાગરિકોમાં રહેશે ત્યાં સુધી હિંદુસ્તાનનાં લોકતંત્રને ઊની આંચ નહીં આવે તે નક્કી છે.

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ