કામનું ભારણ અને કામો અટવાતા હોવાથી ગુજરાતની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે.
હવેથી તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ બે શિફ્ટમાં કામ કરશે
દરેક ઓફીસમાં અરજીકર્તાઓને બે શિફ્ટના ટોકન અપાશે
અગાઉ ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીને લઇ મહત્વનો નિર્ણય લેવાયો હતો
ગુજરાતમાં હવેથી તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ બે શિફ્ટમાં કામ કરશે. હવેથી દરેક ઓફીસમાં અરજીકર્તાઓને બે શિફ્ટના ટોકન અપાશે. જેમનો નંબર એ જ દિવસે ન આવે તો તેઓને આગળના દિવસે કેરી ફોરવર્ડ કરાશે.
કામનું ભારણ અને કામો અટવાતા હોવાથી મહત્વનો નિર્ણય લેવાયો
આ અંગે સ્ટેમ્પના અધિક્ષક અને નોંધણીના મહાનિરીક્ષક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. તમને જણાવી દઇએ કે, કામનું ભારણ અને કામો અટવાતા હોવાથી આ મહત્વનો નિર્ણય લેવાયો છે. પરિપત્ર અનુસાર, હવેથી તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સવારના 10:30થી બપોરના 2 વાગ્યા સુધી એક શિફ્ટ શરૂ રહેશે અને બપોરના 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી બીજી શિફ્ટ રહેશે. પહેલી શિફ્ટમાં ઇશ્યુ કરેલા ટોકનનું કામ હવેથી બીજી શિફ્ટમાં નહીં લેવાય. જે શિફ્ટમાં ટોકન ઇશ્યુ થયું હોય તે જ શિફ્ટમાં હવેથી બીજા દિવસે કામ લેવાશે.
અગાઉ ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીને 12 કલાક સુધી શરૂ રાખવાનો નિર્ણય લેવાયો હતો
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીને લઇને મહત્વનો નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકારે થોડાક દિવસો અગાઉ જ ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીને 12 કલાક સુધી શરૂ રાખવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો કે, હવેથી ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી 2 શિફ્ટમાં કામ કરશે. વેચાણખત રજિસ્ટ્રેશનમાં વધારો થતા ઓફિસ 12 કલાક સુધી ચાલુ રહેશે. કારણ કે વેચાણખત રજિસ્ટ્રેશનમાં વધારો થતા સરકારે આ નિર્ણય લીધો હતો.
પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો બીજી શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે
ગાંધીનગરમાં અગાઉ અલગ-અલગ ત્રણ સ્લોટમાં દસ્તાવેજો નોંધાતા હતા ત્યારે બંને શિફ્ટમાં ત્રણેય સ્લોટમાં અલગ-અલગ કર્મચારીઓ કામ કરે તેવી વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી હતી. આથી, ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો હવેથી બીજી શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે.