પાંચ દિવસ બાદ એટલે કે 1 ઓક્ટોબરથી તમને ઘણાં ફેરફાર જોવા મળશે. હવે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થવામાં ફક્ત 5 દિવસ બાકી રહ્યાં છે અને ત્યારબાદ ઓક્ટોબર મહિનાની શરૂઆત થશે. આ મહિનાની શરૂઆત થતાં તમારા બેંક અને પગાર સાથે જોડાયેલા ઘણાં નિયમોમાં ફેરફાર થવાનો છે.
આવતા મહિનાથી જીવનમાં ઉપયોગી એવી ઘણી ચીજ વસ્તુઓમાં ફેરફાર થવાનો છે. જેમાં બેન્કિંગના નિયમો, LPG સહિત ઘણાં ફેરફાર સામેલ છે. આવો જાણીએ કયા-કયા ફેરફાર થશે.
1. પેન્શનના નિયમોમાં થશે ફેરફાર
1 ઓક્ટોબરથી ડીજીટલ લાઈફ સર્ટીફિકેટ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. હવે દેશના દરેક વૃદ્ધ પેન્શનધારક કે જેની ઉંમર 80 વર્ષ અથવા તેનાથી વધારે છે, તેઓ દેશની દરેક મુખ્ય પોસ્ટ ઓફિસના જીવન પ્રમાણ કેન્દ્રમાં ડીજીટલ લાઈફ સર્ટીફિકેટ જમા કરાવી શકશે. જેના માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું કામ પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ થવા જઇ રહ્યું છે. તેથી ભારતીય પોસ્ટ વિભાગે આ નક્કી કરવા માટે કહ્યું છે કે જીવન પ્રમાણ સેન્ટરની આઈડી પહેલાંથી બંધ હોય તો તે સમયસર એક્ટિવેટ કરાવી લેજો.
2. 1 ઓક્ટોબરથી નહીં ચાલે જૂની ચેકબુક
1 ઓક્ટોબરથી ત્રણ બેંકોની ચેકબુક અને MICR કોડ ચાલશે નહીં. આ બેંક છે, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને અલાહાબાદ બેંક. ઉલ્લેખનીય છે કે, આ એવી બેંકો છે, જે બેંકોનું હાલમાં બીજી બેંકોમાં મર્જર કરવામાં આવ્યું છે. બેંકોનું મર્જર કરવાથી એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટ નંબરો, આઈએફએસસી અને એમઆઈસીઆર કોડમાં ફેરફાર થવાથી 1 ઓક્ટોબર 2021થી બેન્કિંગ સિસ્ટમ જૂના ચેકને રિઝેક્ટ કરી દેશે. આ દરેક બેંકોની બધી ચેકબુક ચાલશે નહીં.
3. ઓટો ડેબિટ કાર્ડના નિયમો બદલાશે
1 ઓક્ટોબરથી તમારા ક્રેડિટ-ડેબિટ કાર્ડથી થતાં ઓટો ડેબિટ માટે RBIનો નવો નિયમ લાગુ થઇ રહ્યો છે. જે હેઠળ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા મોબાઈલ વોલેટ દ્વારા થતાં કેટલાંક ગ્રાહકો પોતાની મંજૂરી ના આપે ત્યાં સુધી ઓટો ડેબિટ નહીં થાય. 1 ઓક્ટોબર, 2021થી લાગુ થતાં નવા Additional Factor Authentication નિયમ મુજબ બેંકને કોઈ પણ ઓટો ડેબિટ પેમેન્ટ દ્વારા ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી માટે ગ્રાહકને 24 કલાક પહેલાં એક નોટીફિકેશન મોકલવુ પડશે. ગ્રાહકના ખાતામાંથી પૈસા ત્યારે જ ઉપડશે જ્યારે ગ્રાહક તેને કન્ફર્મ કરશે. આ નોટીફિકેશન તમને એસએમએસ અથવા ઈ-મેઈલ દ્વારા મળી શકે છે.
4. રોકાણ સંબંધિત નિયમોમાં કરાશે ફેરફાર
માર્કેટ રેગ્યુલર સેબી હવે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને એક નવો નિયમ લઇને આવી રહ્યું છે. આ નિયમ એસેટ અન્ડર મેનેજમેન્ટ એટલેકે મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં કામ કરતા જૂનિયર કર્મચારીઓ પર લાગુ થશે. એસેટ અન્ડર મેનેજમેન્ટ કંપનીઓના જૂનિયર કર્મચારીઓને 1 ઓક્ટોબર 2021થી પોતાની કુલ આવકનો 10 ટકા ભાગ એવા મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સમાં રોકવો પડશે. જ્યારે 2023 સુધી તબક્કાવાર આ પગારનો 20 ટકા થઇ જશે. સેબીએ સ્કિન ઈન ધ ગેમ નિયમ બતાવ્યો છે. રોકાણમાં લોક ઈન પીરિયડ પણ હશે.
5. LPG સિલિન્ડરની કિંમતોમાં થશે ફેરફાર
1 ઓક્ટોબરથી LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે. મહત્વનું છે કે, દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ રાંધણ ગેસ અને કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમતો નક્કી કરવામાં આવે છે.
6. ખાનગી દારુની દુકાનો બંધ
1 ઓક્ટોબરથી દિલ્હીમાં ખાનગી દારૂની દુકાનો બંધ થઇ જશે. 16 નવેમ્બર સુધી સરકારી દુકાનો અને મંદિરનું વેચાણ થશે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ કહ્યું કે, નવી આબકારી નીતિ હેઠળ રાજધાનીને 32 ઝોનમાં વહેંચીને લાયસન્સ ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવી છે. હવે 17 નવેમ્બરથી નવી નીતિ હેઠળ દુકાનો ખુલશે.