રશિયાના હવાઇ ક્ષેત્રમાં મંડરાતા જોખમને ધ્યાનમાં રાખી Air Indiaએ દિલ્હીથી મોસ્કોની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
રશિયાના હવાઇ ક્ષેત્રમાં મંડરાતું જોખમ
Air Indiaએ લીધો મોટો નિર્ણય
દિલ્હીથી મોસ્કોની ફ્લાઇટ પર મૂક્યો પ્રતિબંધ
Air India એ પોતાની દિલ્હીથી મોસ્કોની ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. પહેલેથી જ નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરી દેવાઇ છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાએ રશિયન દૂતાવાસને કહ્યું છે કે, તે રદ કરાયેલી ફ્લાઈટ્સના મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપશે. રશિયાના આકાશમાં અને તેની આસપાસમાં થઈ રહેલી ગતિવિધિઓના કારણે ત્યાંના પ્રવાસીઓ પર ખતરો મંડરાયેલો છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આ ખતરો તો છેલ્લાં એક મહિનાથી મંડરાયેલો હતો પરંતુ હવે અચાનક ફ્લાઈટ કેમ બંધ કરી દેવામાં આવી? તો તેનું કારણ છે આંતરરાષ્ટ્રીય વીમા એજન્સીઓનું મૂલ્યાંકન.
ઇન્શ્યોરન્સ ન મળવાના કારણે ફ્લાઇટ રોકી દેવાઇ
રશિયાના હવાઇ ક્ષેત્રમાં જોખમના કારણે આંતરરાષ્ટ્રીય વીમા એજન્સીઓને મોસ્કો જતી અથવા તો ત્યાંથી આવતી ફ્લાઇટ્સ પર વીમો આપવાનો ઇનકાર કરી દીધો છે, આથી એર ઇન્ડિયાએ પોતાની મોસ્કો ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે.
મોસ્કો માટે એર ઈન્ડિયા અઠવાડિયામાં બે ફ્લાઈટ ચલાવે છે
અત્યાર સુધી એર ઈન્ડિયાની એક સપ્તાહમાં દિલ્હીથી મોસ્કો જતી બે ફ્લાઈટ હતી. એર ઈન્ડિયાએ રશિયન એમ્બેસીને જાણ કરી છે કે, તે તમામ મુસાફરોને તેમની ટિકિટનું રિફંડ આપશે.
મોસ્કો જવા માટે ઉપલબ્ધ પરિવહન માર્ગો
વર્તમાન સ્થિતિમાં મોસ્કો જવા માટે ટ્રાન્ઝિટ રૂટનો ઉપયોગ કરી શકાય છે, જેની માટે મુસાફરોએ તાશ્કંદ, ઈસ્તંબુલ, દુબઈ, અબુ ધાબી, દોહા અને અન્ય દેશો પરથી પસાર થઈને મોસ્કો અને દિલ્હી વચ્ચે મુસાફરી કરવી પડશે.
યુક્રેનમાં યુદ્ધના કારણે સ્થિતિ ભયજનક
યુદ્ધ વચ્ચે યુક્રેનમાં સામાન્ય લોકોમાં ભારે ગભરાટનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. યુક્રેનના લોકો બચવા માટે બંકરોમાં ઘૂસી ગયા છે. રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ચારે તરફ બરબાદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન યુક્રેનની સરકારે રશિયા પર નરસંહારનો આરોપ લગાવ્યો છે. આ સાથે ક્રેમલિને આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું કે, રશિયન સેના ક્યારેય નાગરિકોને નિશાન નથી બનાવતી. રશિયાના યુએન એમ્બેસેડર વસિલી નેબેન્ઝિયાએ મંગળવારે સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે, દુર્વ્યવહારનાં આરોપો ખોટા છે. તેઓએ કહ્યું કે, જ્યારે બુકા રશિયન નિયંત્રણ હેઠળ હતું ત્યારે એક પણ નાગરિક હિંસાનો ભોગ બન્યો ન હતો.