પૈસા પાણીમાં /
અમદાવાદ મનપાનો અણઘડ વહીવટ કે આળસ? ઝાંઝવાના જળ સમાન બન્યો વોટર ATM મશીન પ્રોજેક્ટ
Team VTV02:01 PM, 23 May 22
| Updated: 10:26 PM, 23 May 22
અમદાવાદમાં ઉનાળામાં લોકોને પાણી આપવાના ઉમદા ભાવથી શરૂ કરાયેલો વોટર એટીએમ પ્રોજેક્ટ ધૂળધાણી થયો છે.
AMC ના પાયલોટ પ્રોજેકટના પૈસા ડૂબ્યા પાણીમાં
અમદાવાદના વોટર ATMમાં પીવા માટે નથી રહ્યું પાણી
અમદાવાદના 17માંથી 10 જેટલા વોટર ATM બંધ
અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રારંભની સાથે લોકોને રાહત આપવાના ભાવને લઈને મનપા દ્વારા વોટર એટીએમ મશીન લગાવવામાં આવ્યા હતા. જે તે સમયે શાસકોના ફોટો સેશની ભૂખ ભાંગ્યા બાદ મશીનની જાળવણી કરવામાં ન આવતા હાલ મશીન ધૂળ ખાઈ રહ્યા છે. બીજી તફર વોટર પ્રોજેક્ટ પછાળ કરાયેલા કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો પ્રજાના પરસેવાની કમાણીનો આડેધડ દુર્વ્યય થયો હોવાથી શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના 17માંથી 10 જેટલા વોટર ATM બંધ
અમદાવાદ મહાનગરપાલિકા તંત્રના અણધડ આયોજન અને અળશું વહીવટના પાપે મનપાનો વધુ એક પ્રોજેક્ટ અલ્પજીવી સાબિત થયો છે. આરંભે સૂરા અને અંતે અધૂરા તેવી જ સ્થિતિ મનપાના વોટર એટીએમના પાયલોટ પ્રોજેક્ટ સર્જાઇ છે. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે. ઉનાળાની ગરમીમાં રાહદારીઓને પાણી માટે રઝળવું ન પડે તે માટે પાણી માટેના આવા મશીનો લગાવવામાં આવ્યા હતા. પ્રારંભના સમયે આ વોટર એટીએમ મશીન શહેરીજનો માટે આશીર્વાદરૂપ બન્યા હતા. શહેરના અંદાજિત 17 વિસ્તારમાં પાણીના એટીએમ મશીન ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પીવાના શુદ્ધ પાણીનો લાભ લેતા હતા. પરંતુ સમય જતા 17માંથી હાલ 10 જેટલા વોટર ATM બંધ હાલતમાં હાલ ધૂળ ખાઈ રહ્યા છે.
જનતાને શુદ્ધ પાણી મળે તેવા વાયદા રહ્યા કાગળ પર
બીજી તરફ તંત્ર દ્વારા સમયસર વીજ બિલ પણ ન ભરવામાં આવતા વીજ કનેક્શન કાપી દેવાયું છે. આથી વસ્ત્રાપુર લેક ,સાબરમતી ,શાહીબાગ સહિતના વિસ્તારોમાં પાણીના એટીએમ મશીનની હાલત ધૂળધાણી થઇ છે. એટલું જ નહી કાળઝાળ ગરમીમાં વોટર એટીએમ જોઈ પાણી પીવા માટે દોટ મૂકતાં શહેરીજનોને પાણી ન મળતા વિલા મોઢે પરત ફરવું પડે છે. ત્યારે મનપાનું આ પાણી ઝાંઝવાના જળ સમાન સાબિત થયું છે અને જનતાને શુદ્ધ પાણી મળે તેવા વાયદા માત્ર કાગળ પર જ રહ્યા છે. સવાલ એ પણ છે કે ઉનાળો શરૂ થતા જ પાણીના એટીએમનો લાભ લોકોને મળતો હતો એ લાભ ફરી ક્યારે મળશે?