Team VTV04:06 PM, 16 Feb 22
| Updated: 06:12 PM, 16 Feb 22
વેજલપુરની વૈજનાથ શાળા અને જીવરાજપાર્કની શારદા સ્કૂલને ફાયર સેફટીના અભાવે તંત્રએ સીલ કરી હતી જે બાદ સંચાલકો સફાળા જાગી સ્કૂલમાં ફાયર સુવિધાઑ પર કામગીરી કરી રહ્યા છે.
ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટમાં સરકારનો સ્વીકાર
રાજ્યની 229 શાળામાં ફાયર સેફ્ટી નહીં
અમદાવાદની 15 શાળાને ફટકારાઈ નોટિસ
ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટમાં રાજ્યની 229 શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા નહીં મામલે સરકારે કરેલા સ્વીકાર બાદ VTV ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું છે. મહત્વનું છે કે અમદાવાદમાં ફાયર સેફ્ટી વિનાની 15 શાળાઓને નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી વેજલપુરની વૈજનાથ શાળાને પણ સીલ કરાઈ હતી.
સંચાલકોને હવે ફાયર સેફટીનું આવ્યું જ્ઞાન
ફાયર સેફ્ટી મામેલે શાળાને સીલ કરી દેવામાં આવતા સંચાલકો તરત જ જાગ્યા હતા. અને તાત્કાલિક ફાયર સેફ્ટી પર કામગીરી ચાલુ કરી દીધી હતી. હાલ શાળામાં ફાયર સેફ્ટી લગાવવાની કામગીરી ચાલુ છે. આવી રીતે 30 વર્ષ જૂની જીવરાજપાર્કની શારદા સ્કૂલમાં પણ ફાયર સેફ્ટીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ શારદા સ્કૂલની ઓફિસ સપ્તાહ પહેલા મનપાએ ફાયર સેફ્ટી મુદ્દે સીલ મારી દીધી હતી. મનપાની કામગીરી અનેકોર્ટની લાલ આંખ બાદ શાળા સંચાલકો ફાયર સેફટીને પરાણે પ્રાધાન્ય આપતા જોવા મળ્યા છે. તો હવે સરકારે રજૂ કરેલા 229 શાળાઓમાં પણ જો આ મુજબની કાર્યવાહી કરવામાં આવે તો તમામ શાળા સંચાલકો આળસ મરડી જાગી શકે છે. અને બાળકોના જીવ સાથે ચેડાં કરતાં અટકી શકે છે.
ગુજરાતમાં ફાયર સેફટી વગરના એકમો ધમધમી રહ્યા છે. સુરતમાં તક્ષશીલા અગ્નીકાંડ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના સહિત ગુજરાત હાઈકોર્ટે આ અગાઉ પણ તંત્રને લાલઆંખ દેખાડી હતી અને કહ્યું હતું કે સોગંધનામાં રજૂ કર્યા બાદ ફાયરસેફ્ટી NOC વગરના એકમો સામે કાર્યવાહી કરવા તંત્રએ કોર્ટને બાહેંધરી આપી હતી. પણ યોગ્ય કાર્યવાહી ન કરતાં હવે હાઈકોર્ટે તંત્ર અને સરકારને લાલ આંખ દેખાડી છે. ફાયર NOC વગરની સ્કૂલો અને હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા આદેશ આપી આપ્યા છે.
NOC વગરની સ્કૂલ ફિઝિકલ ફંકશન માટે ઓપરેટ નહીં કરી શકાય
રાજ્યમાં ઘણી એવી શાળાઑ છે જ્યાં ગાઈડલાઇન અનુસાર ફાયર સેફટી તેમજ તેને લગતી પરમીશનનો અભાવ છે. ત્યારે હવે હાઈકોર્ટના આજના આદેશ મુજબ NOC વગરની સ્કૂલ ફિઝિકલ ફંકશન માટે ઓપરેટ નહીં કરી શકાય. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કાર્યવાહી કરી રહ્યા છો નહીં કાર્યવાહી કરો. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ગાંધીનગર વડોદરા રાજકોટ સહીત ફાયર સેફટીના ન હોય ત્યાં કાર્યવાહી ચાલી રહી છે. પણ કોર્ટે સામે વેધક સવાલ કરતાં કહ્યું હતું કે કાર્યવાહીની વાત માત્ર કાગળ પર જોવા મળે છે
NOC વગરની હોસ્પિટલોમાં OPD જ ચાલી શકશે: હાઇકોર્ટ
ફાયર NOC વગરની સ્કૂલો અને હોસ્પિટલો સામે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે ત્યારે સ્કૂલ બાદ હોસ્પિટલો પર પણ તવાઈ બોલાવવામાં આવી છે. હાઈકોર્ટના નિર્દેશ મુજબ NOC વગરની હોસ્પિટલ્સમાં ઓપરેશન, ઇન્ડોર પેશન્ટ બંધ કરાવામાં આવશે એટલે કે હવે ફાયર NOC વગરની હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટસ નહીં તેમજ ઓપરેશન પણ થઈ શકશે નહીં. હાલની સ્થિતિ મુજબ 71 હોસ્પિટલ અને 229 સ્કૂલ પાસે ફાયર સેફ્ટીની વેલીડ NOC નથી.જેથી ફાયર NOC વગરની હોસ્પિટલમાં માત્ર ઓપીડી ચાલુ રાખવા તાકીદ કરવામાં આવી છે.