Team VTV06:40 PM, 10 Jan 21
| Updated: 06:43 PM, 10 Jan 21
કેટલીક વખત હોમગાર્ડ કોઇને રોકે તો તે 100 રૂપિયા કે વધીને 500 રૂપિયાનો તોડ કરતા હોવાના દાખલા સામે આવી ચૂક્યા છે. પરંતુ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં 3 હોમગાર્ડ જવાનોએ 100, 200 નહીં 9 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન યુવક તેમના જીજાજીને રેલવે સ્ટેશન પર લેવા જઇ રહ્યો હતો. આ દરમિયાન ગોવિંદવાડી નજીકે હોમગાર્ડના જવાનોએ આ તોડબાજી કરી હતી.
અમદાવાદના ઈસનપુરમાં ત્રણ હોમગાર્ડના જવાનો કરી તોડબાજી
કર્ફ્યૂના સમયમાં તોડબાજી કરતા ઝડપાયા હોમગાર્ડના જવાનો
ત્રણેય તોડબાજ હોમગાર્ડના જવાનોની કરાઈ ધરપકડ
મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વટવા વિસ્તારમાં રહેતા અનુપભાઈ ૮ જાન્યુઆરીએ તેમના જીજાજીને લેવા માટે અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે ગયા હતા. આ દરમિયાન ઇસનપુર રોડ ઉપર આવેલા ગોવિંદવાડી સર્કલ નજીક ખાખી કપડામાં હાજર 3 લોકોએ તેમને રોક્યા હતા. તેમણે વધુ પૂછપરછ કરી હતી. બાદમાં તેમણે માર માર્યો હતો અને તેમની પાસેથી 9,000 રુપિયા ATMમાંથી કઢાવી બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. જોકે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં 9 હજાર પડાવી લેનાર તોડબાજી કરતા ત્રણેય જવાનોને ઝડપી લેવાયા છે.
તેઓ કરફ્યુમાં બહાર નિકળનારને રોકી તેની પાસે બળજબરી તોડ કરતા હતાં. આ આરોપીઓએ ખાખી કપડાંની આડમાં પોલીસ તરીકેનો રોફ મારી પૈસા પડાવ્યા હતા. ત્રણ શખસોના નામ છે - સુનિલ વાઘેલા, આકાશ મોરે અને અક્ષય. આ શખ્સો હોમગાર્ડ જવાન છે. પરંતુ નાઈટ ડ્યુટી દરમિયાન તેઓ તોડબાજી કરે છે. વટવાનો એક યુવક વહેલી સવારે ચાર વાગ્યે તેના બનેવીને લેવા રીક્ષા કે કેબ ન મળતા લેવા ગયો હતો. પરત આવ્યો ત્યારે હોમગાર્ડ જવાનોએ યુવકને રોક્યો અને વાતચીત કરી તેને માર પણ માર્યો હતો. તેમણે નવ હજાર રૂપિયા પડાવી લીધા હતાં. તેમજ ખોટા કેસમાં ફસાવી જેલ કરાવવાની પણ ધમકી આપી હતી.
શું હતી સમગ્ર ઘટના?
આ અંગે તેઓએ પોલીસને જાણ પણ કરી હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ 8મી તારીખના રોજ તેમના જીજાજી ને લેવા કાલુપુર રેલવે સ્ટેશન જતા હતા અને અમદાવાદમાં રાત્રીનો કરફ્યુ હોવાથી અનુપભાઈના જીજાજી ને કોઈ રિક્ષા ભાડે થી મળી ન હતી. જેથી અનુપભાઈ તેમનું બાઇક લઈને ગયા હતા. કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ અનુપ ભાઈ એ તેમના જીજાજી સત્યેન્દ્ર કુમાર ને લીધા હતા અને બાદમાં તેઓ વટવા આવતા હતા, ત્યારે વહેલી સવારે ચાર વાગ્યે ગોવિંદ વાડી સર્કલ પર ત્રણ લોકો ખાખી યુનિફોર્મમાં હતા. જેઓએ અનુપભાઈ ને રોક્યા હતા અને બાદમાં બાઈક સાઈડ માં રાખી અને તેમની પૂછપરછ કરી હતી.
લાયસન્સ જમા થઇ જશે અને કેસ થશે તેવો ડર બતાવ્યો હતો
આ ત્રણેય ખાખી કપડાં પહેરેલા લોકોએ યુવક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ માગ્યું હતું. બાદમાં તેમણે લાયસન્સ જમા થઈ જશે અને તમારી પર કેસ થશે તેવો ડર બતાવ્યો હતો. જેને લઇને અનુપભાઈ ગભરાઇ ગયા હતા અને બાદમાં તેમના મિત્રનું લાઇસન્સ તેઓને પુરાવા માટે બતાવ્યું હતું. બાદમાં આ ખાખી વર્દીમાં રહેલા લોકોએ આ અનુપભાઈને કહ્યું હતું કે તમે ખોટી ઓળખ આપી છે તમને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જઇ કેસ કરી દેવો પડશે. ત્રણ મહિના જેલમાં રહેવું પડશે. જેથી તેમના જીજાજીએ ખાખી કપડા પહેરેલા લોકોને દંડ ભરીને જવા દેવા માટે વિનંતી કરી હતી.
તારા મિત્રો પાસેથી ગુગલ-પેમાં મંગાવી લે, નહીં તો ATMમાંથી કાઢીને આપ
હોમગાર્ડે કહ્યું, આ કેસ પતાવવાના 10,000 થશે. જેથી અનુભાઈએ કહ્યું હતું કે તેમની પાસે આટલા રૂપિયા હાલ ઉપલબ્ધ નથી. બાદમાં આ ત્રણેય શખ્સોએ અનુપભાઈને મિત્રો પાસેથી ફોન-પે કે ગૂગલ-પે કરાવવા દબાણ કર્યું હતું. બાદમાં આ અનુપભાઈએ એમના મિત્ર પાસેથી પૈસા પણ માંગ્યા હતા. આ દરમિયાન ખાનગી કપડામાં હાજર લોકોએ કોન્ફરન્સ કોલમાં વાત કરી હતી. જેમાં અનુપભાઈ પોલીસના સ્વાંગમાં રહેલા વ્યક્તિઓ અને અનુપભાઈનો મિત્ર હતો અને કોન્ફરન્સ કોલમાં પૈસા બાબતની વાત કરી હતી. જોકે તમે અમને ઉલ્લું બનાવો છો તેમ કહી અનુપભાઈને ખાનગી કપડામાં હાજર લોકોએ માર માર્યો હતો. જેથી અનુપભાઈએ તેમના જીજાજીના એકાઉન્ટમાં કેટલા રૂપિયા પડ્યા છે તેમ પૂછતાં તેમના એકાઉન્ટમાં 9300 રૂપિયા હોવાથી ખાનગી કપડામાં હાજર આ શખ્સો ATM સેન્ટર ઉપર ગયા હતા. બાદમાં 9000 રુપિયા પડાવી લીધા હતા.
ત્રણેયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ
આ ઘટનાના પગલે અનુપભાઈએ સમગ્ર બાબતે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેથી ઇસનપુર પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે આ ત્રણ શખ્સો અન્ય કોઈ નહીં પરંતુ હોમગાર્ડ જવાન હતા. જેમણે 9 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. હાલ તો ત્રણેય તોડબાજ હોમગાર્ડ જવાનોની ધરપકડ કરી અગાઉ અન્ય લોકોને લૂંટ્યા છે કે કેમ તે બાબતે રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરાશે.