Ahmedabad RTO Agent Ranip Police Viral videos Driving test
ડ્રાઇવિંગ ટેસ્ટ /
અમદાવાદ RTOમાં એજન્ટે કહ્યું રૂ. 5500 આપો તો ફેલ છો તો પણ પાસ કરાવી દઉં, વીડિયો વાયરલ થતાં ફરિયાદ નોંધાઈ
Team VTV10:59 PM, 20 Jan 22
| Updated: 11:03 PM, 20 Jan 22
રાણીપ પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે નોંઘાઈ ફરિયાદ, ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેલને રૂ. 5500 લઈને પાસ કરવાની આપી હતી ખાતરી
અમદાવાદ RTOએ બે લોકો સામે નોંધાવી ફરિયાદ
ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ છતાં કેમ પાસ દેખાડ્યા ?
આ પ્રકારની પોલંપોલ માટે કોણ જવાબદાર ?
લાયસન્સ વિના વાહન ચલાવું ગુનો છે,પરંતુ લાયસન્સ માટે ટુ વહીલર હોય કે ફોર વહીલર ટેસ્ટ આપવો જરૂરી છે.. જો કે ડ્રાયવિગ ટેસ્ટ નજીવી ભૂલના કારણે ફરી ટેસ્ટ આપવાની નોબત આવે છે. આ નોબતને અમદાવાદ RTOમાં ઘર કરીને બેસી ગયેલા એજન્ટો ફાયદો ઉઠાવે છે. હાલમાં જ રૂપિયા લઈ પાસ કરવાની ખાતરી આપતો હોય તેવો વીડિયો વાયરલ થતાં હડકંપ મચ્યો છે.
RTOએ જ નોંધાવી રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
અમદાવાદમાં RTOના વાયરલ વીડિયોનો મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ RTOએ જ નોંધાવી છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા રૂ. 5500 લઈને પાસ કરવાની ખાતરી આપતો વીડીયો વાયરલ થયો હતો. જે બાદ વીડિયોમાં રહેલી વ્યક્તિ અને વીડિયો ઉતારનાર સામે ફરિયાદ કરવામાં આવી છે.
રૂ. 5500 લઈને ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલને પણ પાસ કરાવી દેવાનો દાવો
ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ હોવા છતાં પાસ કરવાની વીડિયોમાં ખાતરી અપાઈ હતી રૂ. 5500 લઈને સમગ્ર સેટિંગ થતું હોવાનું ખૂલ્યું હતું. વીડિયોમાં રહેલી વ્યક્તિ એજન્ટ હોવાની ચર્ચા છે. RTOમાં એજન્ટ પ્રથા બંધ છતાં આ પ્રવૃતિ કેમ ચાલી રહી છે તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે. પણ સમગ્ર ઘટના અનેક સવાલ ઊભા કરી રહી છે.
અમદાવાદ RTO આવી પ્રવૃતિથી અજાણ છે?
વીડિયો વાયરલ થાય પછી જ આ અંગે ખબર પડી હશે?
RTOમાં એજન્ટ પ્રથા બંધ છતાં કેમ આવી પ્રવૃતિઓ ધમધમી રહી છે ?
આ વાયરલ વીડિયો પહેલા કેટલા લોકો આ રીતે પાસ થયા હશે ?
અમદાવાદ RTO વિભાગમાં એજન્ટનું રાજ ચાલે છે ?
RTOમાં બહારની વ્યક્તિઓ કઇ રીતે વહીવટ કરી જાય?
શું RTOના અધિકારીઓની આમાં સંડોવણી છે?
અમદાવાદ RTOમાં ચાલતા ભ્રષ્ટાચારનો આ બોલતો પુરાવો સામે આવ્યો છે. એજન્ટ રાજમાં અરજદારો પાસેથી નાણા ઉઘરાવીને જ કર્મચારીઓ દ્વારા ગેરકાનૂની રીતે કામ કઢાવવામાં આવી રહ્યું હોય તેવુ વીડીયો પર સ્પષ્ટ લાગી રહ્યું છે. નહિ તો કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ વ્યકિત પાસ થઈ જાય તે મોટો સવાલ છે. RTOમાં એજન્ટ રાજ સાવ નાબૂત કરી દેવામાં આવ્યું છે પણ અમદાવાદમાં સ્થિતિ જૈસે થે..! નાનુ કામ હોય કે મોટુ તમામ કામ માટે એજન્ટો મારફતે લાંચના સેટિંગ કરી ખિસ્સા ગરમ કરતાં હોય તેવુ દેખાઈ રહ્યું છે.