બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / જલારામ બાપાના વિવિધ સ્વરૂપના કરો દર્શન! અનોખું છે પાલડીનું મંદિર, ભક્તિ સાથે સેવા
Last Updated: 06:16 AM, 9 November 2024
અમદાવાદના પાલડી વિસ્તારમાં જલારામબાપાનું મંદિર આવેલુ છે. મંદિરમાં અનેક દેવીદેવતાને બિરાજમાન કરવામાં આવ્યા છે. જલારામ બાપાના જાણીતા સૂત્ર, ટુકડો ત્યાં મારો હરી ઢુકડોને આ મંદિર પોતાના સેવાકાર્યોથી સાર્થક કરે છે. પાલડીમાં આવેલું જલારામબાપાનું આ મંદિર એટલે ભક્તિ સાથે સેવાનો અનોખો સંગમ. અમદાવાદના પાલડી વિસ્તારમાં જલારામ બાપાનું મંદિર આવેલું છે. મંદિરની સ્થાપના 1995માં કરવામાં આવી હતી. આ મંદિરમાં અનેક દેવી-દેવતાઓ બિરાજમાન કરવામાં આવ્યા છે. જલારામ બાપાના મંદિરે દર ગુરવારે અને રવિવારે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટે છે. અને નવા વર્ષે ભાવિકો ખાસ જલારામબાપાના દર્શન કરી પોતાનું નવું વર્ષ સુખદાયી રહેવાની ઇચ્છા વ્યક્ત કરે છે.
ADVERTISEMENT
અમદાવાદના પાલડીમાં જલારામબાપાનું મંદિર
ADVERTISEMENT
મંદિરમાં જલારામ બાપા, વીરબાઈ માં, દરિયાઈલાલ દાદા, મા અંબા, રામ દરબાર, સાંઈબાબા, ગણપતિ બાપા, હનુમાન દાદા, સૂર્યનારાયણ દાદા, અને ભગવાન શિવનું શિવાલય તેમજ ભગવાન શ્રી કૃષ્ણની હવેલી પણ બનાવવામાં આવી છે. મંદિરમાં રાખવામાં આવેલા બાર જ્યોતિર્લિંગની છબીઓ ભોળેનાથના બારે જ્યોતિર્લિંગના એક જ જગ્યાએ દર્શન કરાવે છે. ભાવિક ભક્તો બારે જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્ય થાય છે. મંદિરમાં શ્રીનાથજીની સુંદર હવેલી બનાવવામાં આવી છે. સાથે રાધાકૃષ્ણ બિરાજમાન કરવામાં આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની ગોવર્ધન પર્વત ઉપાડતી સુંદર કલાકૃતિ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. જલારામ મંદિરે આવતા ભક્તો અચૂક અહીંયા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. જૂની પેઢી નવી પેઢીને જલારામ મંદિરે અચૂક દર્શને લાવવાની પણ પરંપરા છે. અને તે પરંપરા નિભાવી નવી પેઢીમાં સારા સંસ્કારોનું સિંચન થાય છે. મંદિરમાં જલારામ બાપાના વિવિધ સ્વરૂપના દર્શન થાય છે. મંદિરની દરેક દિવાલને કાચના આભલાથી વિશેષ ડીઝાઇન કરી શણગારવામાં આવી છે. જે મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મંદિરની સ્થાપના થઈ ત્યારથી જ બનાવવામાં આવેલી આ કલાકૃતિઓ આજે પણ મંદિરની શોભામાં વધારો તો કરે જ છે. સાથે સાથે મંદિરમાં આવતા ભાવિકોને આકર્ષિત કરી તેમનું મન મોહી લે છે.
આ પણ વાંચો: ઝાઝી ખમ્મા! રાયણના વૃક્ષમાંથી પ્રગટ થયા કળિયુગના જાગતા દેવી, ભક્તને સ્વપ્નમાં કરી હતી જાણ
જલારામ બાપાના વિવિધ સ્વરૂપના દર્શન
મંદિરમાં જલારામ બાપાના જીવન ચરિત્રને દર્શાવતા સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે. મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો જલારામ બાપાના જીવન ચરિત્રના દર્શન કરી ધન્યતા અનુભવે છે.. વર્ષ દરમ્યાન આવતા દરેક ઉત્સવોની જલારામ મંદિરમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. રામનવમી, ચૈત્ર સુદ પૂનમ, શ્રાવણ માસના હિંડોળા, અષાઢી બીજ, મંદિરનો સ્થાપનાના દિવસ, આસો સુદ પૂનમ, દિવાળી અને પરમ વંદનીય જલારામ બાપાની પુણ્યતિથિની મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જલારામ જયંતીમાં હજારો ભક્તો આ મંદિરમાં જલારામ બાપાના દર્શન કરવા અચૂક આવે છે અને તે દિવસે વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવે છે.. જે પ્રસાદનો હજારો ભાવિક ભક્તો લાભ લે છે. વારે તહેવારે અને ધાર્મિક કાર્યક્રમ સમયે તેમજ દર ગુરુવારે, રવિવારે જલારામ બાપાનો મંડપ ધૂન-કીર્તનથી છલકાઈ જાય છે. વડીલો સાથે યુવાનો પણ આ ભજન-કીર્તનમાં જોડાઈ ભક્તિમાં લીન થઈ પોતાના દુખદર્દ ભૂલી ભક્તિમય બની જાય છે. શ્રી જલારામ સદાવ્રત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ પાલડી દ્વારા વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ અન્નકૂટ મહોત્સવનું પણ આયોજન મંદિર તરફથી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. ભક્તિ સાથે સેવાના કાર્યો કરી મંદિર ટ્રસ્ટ જલારામ બાપાના સૂત્ર ટુકડો ત્યાં મારો હરી ઢુકડોને સાર્થક કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.