બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Municipal Corporation heritage city mahatma gandhi
Last Updated: 07:41 PM, 6 March 2020
ADVERTISEMENT
કોચરબ આશ્રમ, ગૂજરાત વિદ્યાપીઠ, વી.એસ. હોસ્પિટલ વગેરે ઐતિહાસિક વારસો ધરાવતી અને ગાંધીજી સાથે સંકળાયેલી શહેરની અમૂલ્ય ધરોહરનો પણ મ્યુનિ. તંત્ર દ્વારા હેરિટેજ મિલકત તરીકે સમાવેશ કરાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાયે પણ બે વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે.
ADVERTISEMENT
કોચરબ આશ્રમ પણ હેરિટેજ જાહેર કરાયો નથી
સાબરમતી આશ્રમમાં રહેતાં પહેલાં ગાંધીજીએ જીવણલાલ દેસાઇ નામના બેરિસ્ટરના આશ્રમરોડ પર આવેલા કોચરબ બંગલાને પોતાનો આશ્રમ બનાવ્યો હતો. કોચરબ આશ્રમ ગાંધીજીની અન્ય પ્રવૃત્તિ માટે નાનો પડતાં ગત ૧૭ જૂન, ૧૯૧૭એ વાડજ સ્મશાનગૃહ અને સાબરમતી સેન્ટ્રલ જેલ વચ્ચેની ૩૬ એકર જમીનમાં નવા સાબરમતી આશ્રમની સ્થાપના કરાઇ હતી. આ સાબરમતી આશ્રમમાં કસ્તૂરબા ગાંધી, વિનોબા ભાવે વગેરે રહી ચૂક્યાં હતાં. ૧ર માર્ચ, ૧૯૩૦એ વિશ્વ પ્રસિદ્ધ દાંડીકૂચનો આરંભ ગાંધીજીએ સાબરમતી આશ્રમથી કર્યો હતો, જોકે કોચરબ આશ્રમ પણ હેરિટેજ જાહેર કરાયો નથી.
વિદ્યાપીઠને પણ હેરિટેજ મિલકતનું ગૌરવ પ્રાપ્ત થયું નથી
શહેરમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીના હસ્તે ૧૮ ઓકટોબર, ૧૯ર૦ના રોજ કરાઇ હતી. વી.એસ. હોસ્પિટલ સાથે પણ ગાંધીજીની યાદ સંકળાયેલી છે. ગૂજરાત વિદ્યાપીઠ ઉપરાંત નવજીવન પ્રેસ, બહેરા-મૂંગાની શાળા, કોર્પોરેશનની પ્રથમ ગર્લ્સ હાઇસ્કૂલ, ગુજરાત કલબ જેવી જગ્યા પણ રાષ્ટ્રપિતા ગાંધીજીની સ્મૃતિ સાથે સંકળાયેલી છે. ગુજરાત ક્લબમાં સરદાર વલ્લભભાઇ પટેલ અને મહાત્મા ગાંધી પ્રથમ વખત મળ્યા હતા. ગૂજરાત વિદ્યાપીઠને આગામી વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં થશે પણ હજુ સુધી તેને કે આ તમામ સ્થળોને હેરિટેજ મિલકતનો દરજ્જો મળ્યો નથી. દાંડીબ્રિજ, દાંડીચોક, ગાંધીજીએ વસાવેલ ગાંધીઆશ્રમ સામેની વસાહત વગેરે લગભગ ૧૦૦થી વધુ સ્થળોએ ગાંધીજીની યાદોનાં સંભારણાં હોવા છતાં તેને હેરિટેજ મિલકતનું ગૌરવ પ્રાપ્ત થયું નથી.
ગાંધીજી સાથે સંકળાયેલી ઐતિહાસિક સ્મૃતિઓનો હેરિટેજ દરજ્જો પણ અટવાયો
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ ર૦૧૪-૧પમાં આઉટર વોલ સિટી (કોટ વિસ્તાર બહાર)નો સર્વે કરીને ૩૭૬ હેરિટેજ મહત્ત્વ ધરાવતાં બિલ્ડિંગની ટેન્ટિટવ યાદી તૈયાર કરાઇ હતી. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ નામની દિલ્હીની સંસ્થાને આ સર્વે કરવા માટે રૂ.૧૪ લાખ ફી ચૂકવાઇ હતી, જોકે આ ટેન્ટિટવ યાદીને હજુ ફાઇનલ યાદીનું સ્વરૂપ મળ્યું નથી. આ યાદીમાં અનેક ખાનગી મિલકત હોઇ આવા મિલકતધારક દ્વારા કરાયેલાં વાંધા-સૂચનના કારણે ગાંધીજી સાથે સંકળાયેલી ઐતિહાસિક સ્મૃતિઓનો હેરિટેજ દરજ્જો પણ અટવાયો છે.
દરમ્યાન તંત્રએ ગાંધીજી જેવી મહાન વ્યક્તિઓનાં સંભારણાં ધરાવતી ગાંધીઆશ્રમ જેવી મિલકતની અલગ યાદી તારવીને તેને હેરિટેજ કન્ઝર્વેશન કમિટી મારફતે મ્યુનિ. કમિશનરની મંજૂરી માટે મોકલવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે. મ્યુનિ. કમિશનરની મંજૂરી મળ્યા બાદ ગાંધીજીની સ્મૃતિ ધરાવતી હેરિટેજ મિલકતને પહેલાં સ્ટેન્ડિંગ કમિટી ત્યારબાદ મ્યુનિ. બોર્ડ અને ત્યારબાદ રાજ્ય સરકારના નોટિફિકેશનથી હેરિટેજ મિલકતની સત્તાવાર યાદીમાં તેનો સમાવેશ થઇ શકશે, જોકે આ પ્રક્રિયા લાંબી હોઇ એકાદ વર્ષ લાગે તેમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.