પેપરમાં કપમાં અંદર લગાવાતું પડ આરોગ્ય માટે જોખમી: AMC
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે, પેપર કપમાં અંદર લગાવાતું પડ આરોગ્ય માટે જોખમી છે. સાથે જ કીટલી પર ચા માટે વપરાતા પેપર કપથી કચરો ફેલાય છે. જે સ્થળો પર કરચો વધારો ઉત્પન્ન થતો હોય તેવા સ્થળોનો સર્વે કોર્પોરેશન દ્વારા કરાયો હતો. જેમાં કચરાનું વધુ સર્જન ચાના પેપર કપના કારણે થતું હોવાનું જાણવા મળ્યું હતું.
કીટલીઓ સામે ઝુંબેશ ચાલુ કરશે AMC
AMCએ શહેરમાં ચાના પેપર કપ પર પણ પ્રતિબંધ લાદ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન આવા પેપર કપનો ઉપયોગ કરતી કીટલીઓ સામે ઝુંબેશ ચાલુ કરશે. આગામી દિવસોમાં કોર્પોરેશનની ટીમ શહેરભરમાં આવેલી કીટલીઓ પર તપાસ હાથ ધરશે, આ દરમિયાન પેપર કપનો ઉપયોગ થતો જણાશે તો ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.
કાચના કપ અથવા કુલડીમાં આપવી પડશે ચા
AMC દ્વારા કરાવામાં આવેલા સર્વેમાં સામે આ પ્રકારે ચાના નાના કપ કે પ્યાલીઓને કારણે જાહેર રોડ પર કચરો વધુ થતો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ કેટલીક જગ્યાએ ચાની કીટલીઓ પર રોડની બાજુએ આવેલી ગટરોમાં પેપર કપ નાખી દેવાતા હોવાથી ગટર ઊભરાવાની અને ચોકઅપ થઈ જવાની અનેક ફરિયાદો મળતી હતી. જેને ધ્યાનમાં રાખીને ચાની શહેરમાં આવેલી ચાની કીટલીઓ પર પેપર કપમાં ચા આપવાનું બંધ કરાવવામાં આવશે. પેપર કપના બદલે ચાની કીટલીવાળાએ કાચના કપ અથવા કુલડીમાં ચા આપવી પડશે.
IIT ખડગપુરના વૈજ્ઞાનિકોએ કર્યો હતો મોટો ખુલાસો
પ્લાસ્ટિકના ગ્લાસને આરોગ્ય માટે જોખમી ગણાવીને, આપણા બધાએ કાગળના કપમાં ચા પીવાનું શરૂ કર્યું છે, પરંતુ સત્ય એ છે કે ડિસ્પોઝેબલ કાગળના કપમાં રાખેલી ચા પણ તમારું આરોગ્ય બગાડી શકે છે. આઈઆઈટી ખડગપુરના વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો હતો. જે મુજબ જો કોઈ વ્યક્તિ રોજ કાગળના કપમાં સરેરાશ ત્રણ વખત ચા અથવા કોફી પીવે છે, તો તે 75,000 નાના માઇક્રો-પ્લાસ્ટિક કણો ગળી જાય છે.
દેશમાં પ્રથમ વખત કરાયું હતું આ પ્રકારનું સંશોધન
પ્રોફેસર સુધા ગોયલે કહ્યું હતું કે, 'અમારા સંશોધન મુજબ કાગળના કપમાં મૂકવામાં આવેલ 100 મિલી હોટ લિક્વિડ (85-90 ઓસી) 25,000 માઇક્રોન-સાઇઝ (10 µm થી 1000 µm) માઇક્રો-પ્લાસ્ટિક કણો છોડે છે અને આ પ્રક્રિયા કુલ 15 મિનિટમાં સમાપ્ત થાય છે.'