Ahmedabad municipal corporation 2020 development of ahmedabad
વિરોધાભાસ /
વિકાસની લોલીપોપઃ અમદાવાદમાં 2020માં આ મોટા કામ પૂરા કરવાના સરકારી વાયદા
Team VTV11:50 AM, 01 Jan 20
| Updated: 11:53 AM, 01 Jan 20
અમદાવાદને બ્રિજ સીટી બનાવવાનું તો સરકારે વિચારી જ લીધુ છે. ત્યારે અમદાવાદની સરહદ અંગત હિતોને કારણે વધારતું તંત્ર વિકાસના કામોની લોલીપોપ અમદાવાદીઓને બતાવી રહ્યું હોવાની ચર્ચા છે. વગર ટીપી મંજૂર થયે ઘણા કામને મંજૂર કરી દેવામાં આવ્યા છે ત્યારે થાય કે આ તે કેવી બેવડી વિકાસની નીતિ છે. પ્રાથમિક જરૂરિયાતો પાણી, ગટરની સુવિધાઓ તો અધ્ધરતાલ છે ત્યાં નવી નવી સ્કીમો બહાર પાડી હથેળી ઉપર ચાંદ બતાવી રહ્યા હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.
મોટેરાનું સ્ટેડિયમ, ઈન્ટર કનેક્ટ બ્રિજના અબજોના કામ
લક્ષ્મણ ઝૂલા (વોક-વે) બનાવવાનો વાયદો
ખાલી વાયદા જ સાબિત થશે?
સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ-પશ્ચિમ કાંઠે આગામી 12 મહિનામાં 162 કરોડના વિવિધ 7 પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં બાયો ડાયવર્સિટી પાર્ક, પશ્ચિમના સુભાષબ્રિજથી રેલવે બ્રિજ વચ્ચે રોડ સહિતના પ્રોજેક્ટ લોકો માટે ખુલ્લા મુકાશે. વળી વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ તૈયાર થશે. રિવરફ્રન્ટ પર બની રહેલા લક્ષ્મણ ઝુલાની પણ આ વર્ષથી લોકો આનંદ ઉઠાવી શકશે.
મોટેરાનું સ્ટેડિયમ
મોટેરા ખાતે આવેલું સરદાર પટેલ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ માર્ચ 2020 સુધીમાં તૈયાર થશે. માર્ચ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્ટેડિયમનું લોકાર્પણ કરશે. 1.10 લાખ પ્રેક્ષકની કેપેસિટીવાળું આ વિશ્વનું પ્રથમ સ્ટેડિયમ છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ ઉપરાંત અન્ય ગેમ રમી શકાય તે રીતે સ્ટેડિયમની ડિઝાઈન બની છે. સ્ટેડિયમમાં લાઈટિંગ માટે એક પણ પોલનો ઉપયોગ કરાયો નથી. આ સ્ટેડિયમમાં એક સરખા પેવેલિયન એરિયાના બે ક્રિકેટ ગ્રાઉન્ડ, ઈન્ડોર પ્રેક્ટિસ માટે ક્રિકેટ અકાદમી, ઓલિમ્પિક સ્તરનો સ્વિમિંગ પૂલ,જિમ્નેશિયમ છે.
ઈન્ટર કનેક્ટ બ્રિજના અબજોના કામ
સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ-પશ્ચિમ કાંઠે આગામી 12 મહિનામાં 162 કરોડના વિવિધ 7 પ્રોજેક્ટોનું આ વર્ષે લોકાર્પણ કરવામાં આવશે. જેમાં બાયો ડાયવર્સિટી પાર્ક, પશ્ચિમના સુભાષબ્રિજથી રેલવે બ્રિજ વચ્ચે રોડ સહિતના પ્રોજેક્ટ લોકો માટે ખુલ્લા મુકાશે. તે સાથે શહેરના પૂર્વ વિસ્તારમાં નારોલ-નરોડા વચ્ચેના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રાજેન્દ્ર પાર્ક જંક્શન ખાતે 82 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા બ્રિજનું ઓગસ્ટ 2020માં લોકાર્પણ થશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાંસાયન્સ સિટી, સોલા, હેબતપુર વચ્ચે કનેક્ટિવિટી ઉપરાંત એસજી હાઈવે પરના ટ્રાફિકના ભારણમાં ઘટાડો કરવા સીમ્સ હોસ્પિટલથી થલતેજને જોડતો બ્રિજ 70 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. આ બ્રિજ જુલાઈ 2020થી ખુલ્લો મુકાશે. આ ઉપરાંત નરોડા-નારોલ રોડ પરના વિરાટનગર જંકશન ખાતે 45.38 કરોડ ખર્ચે તૈયાર થઈ રહેલો બ્રિજ જૂનમાં ખુલ્લો મુકાશે. આ બ્રિજ બનવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે.
લક્ષ્મણ ઝૂલા (વોક-વે)
સાબરમતી નદી ઉપર સરદાર બ્રિજ અને એલિસબ્રિજ વચ્ચે પશ્ચિમ કાંઠે ઈવેન્ટ સેન્ટર ફલાવર પાર્કથી પૂર્વ કાંઠે સૂચિત એક્ઝિબિશન સેન્ટરને જોડતો લક્ષ્મણ ઝૂલા જેવા પેડેસ્ટ્રિયન બ્રિજની કામગીરી ચાલી રહી છે, જેનો અંદાજે રૂ.75 કરોડનો ખર્ચ થશે. બ્રિજ ત્રણ સ્પાનનો હશે જે 300 મીટરની લંબાઈ અને 10થી 14 મીટર પહોળાઈનો તૈયાર કરવામાં આવનાર છે. બ્રિજની વચ્ચે લેન્ડસ્કેપિંગ અને બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ પેડેસ્ટ્રિયન બ્રિજ રાહદારીઓ ઓક્ટોબર 2020થી ખુલ્લો મુકાવાની શક્યતા છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
શહેરના સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે NIDની પાછળ, પૂર્વ કાંઠે શાહપુરમાં મલ્ટિલેવલ એક્ટિવિટીઝ માટે ખુલ્લી જગ્યા, ક્રિકેટ પીચ, ટેનિસ કોર્ટ, મલ્ટિપલ સ્પોર્ટ્સ કોર્ટ, સ્કેટિંગ રિંક, સ્કેટ બોર્ડ, જોગિંગ ટ્રેકની સાથે 2 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અન્ય સુવિધા સાથે એપ્રિલ 2020 સુધીમાં શરૂ થશે.
હેપી સ્ટ્રીટ
લાંબા સમયથી રાહ જોવાયેલી હેપી સ્ટ્રીટ ફાયનલી શરૂ થશે. લો ગાર્ડન હેપી સ્ટ્રીટ જાન્યુઆરીથી શરૂ કરાશે. અહીં લોકોને પાર્કિંગની સુવિધા મળી રહેશે. સાંજે અહીં નક્કી કરાયેલી મોબાઈલ ફૂડવાન જ ઊભી રહેશે. મ્યુનિ.એ નક્કી કરેલી ડિઝાઈન પ્રમાણેની જ ફૂડવાન નક્કી કરેલા વેન્ડર્સને લાવવાની રહેશે. અહીં ત્રણ દરવાજા જેવી હેરિટેજ વોલ બનાવાશે જેમાં લોકો બેસી પણ શકશે. 32 જેટલી ફૂડવાન અહીં ઊભી રાખવા માટે મ્યુનિ.એ ટેન્ડર મંજૂર કર્યા છે. અમદાવાદીઓ ફૂડની સાથે ફોટોગ્રાફીનો પણ આનંદ માણી શકશે.
સીજી રોડ પર રિડેવલોપમેન્ટ કામ થશે પૂર્ણ
અમદાવાદીઓની પસંદગીય વિસ્તાર એટલે કે સીજી રોડ ખાતે છેલ્લા ઘણા સમયથી રસ્તા પહોળા કરવાનું કામ ચાલી રહ્યું હતું. હવે તે પૂર્ણ થવા જઇ રહ્યું છે. રસ્તામાં થઇ રહેલા કામકાજના કારણે શહેરી જનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. જાન્યુઆરી 2020થી રસ્તા પરનું કામ પૂર્ણ થશે.