Team VTV04:48 PM, 19 Jun 19
| Updated: 04:57 PM, 19 Jun 19
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલાં ધોરણ ૧૦નાં પરિણામ બાદ બોર્ડને મળેલી ગુણ ચકાસણી રીચેકિંગની અરજીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેનાં પગલે ૪૯ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાથી બચી ગયા. પરંતુ એવા પણ કેટલાક વિદ્યાર્થીઓ હશે જેમણે રીચેકિંગ માટે અરજી નહીં કરી હોય જેના કારણે તેમનું પરિણામ યથાવત રહ્યું હશે.
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલાં ધોરણ ૧૦નાં પરિણામ બાદ બોર્ડને મળેલી ગુણ ચકાસણી રીચેકિંગની અરજીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેનાં પગલે ૪૯ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાથી બચી ગયા છે. આ વિદ્યાર્થીઓ નાપાસમાંથી પાસ જાહેર થતાં હવે તેમને જુલાઈમાં યોજાનારી પૂરક પરીક્ષા નહીં આપવી પડે.
જો કે પેપર ચકાસણી કરતાં નિરીક્ષકોની ભૂલનો ભોગ બનતા આ વિદ્યાર્થીઓ બચી ગયા હતા. પરંતુ એવા પણ કેટલાક વિદ્યાર્થીઓ હશે જેમણે રીચેકિંગ માટે અરજી નહીં કરી હોય જેના કારણે તેમનું પરિણામ યથાવત રહ્યું હશે. આધારભૂત સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ગુણ ચકાસણી- રિચેકિંગ માટે આવેલી અરજીઓમાં મોટાભાગે સરવાળાની ભૂલો થઈ હોવાનું જણાયું હતું. જેનો ભોગ પરિણામ સુધરી જવાના કારણે વિદ્યાર્થીઓ બનતા અટકી ગયા હતાં.
ગત વર્ષે પણ ગુણ ચકાસણીની પ્રક્રિયાને નિરીક્ષકો દ્વારા થતી સરવાળાની ભૂલોના છબરડાં બહાર આવ્યા હતા. નજીવો દંડ ભરીને છૂટી જતાં નિરીક્ષકો વિદ્યાર્થીઓના ભવિષ્યને એક વર્ષ પાછળ ધકેલવામાં કારણભૂત બને છે. 7મી માર્ચનાં રોજ લેવાયેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ ૨૧મી મેના રોજ જાહેર કરાયું હતું. ત્યાર બાદ તેની નિયત સમય મર્યાદામાં વિદ્યાર્થીઓએ રીચેકિંગ માટે બોર્ડમાં અરજી કરવાની હતી.
રીચેકિંગ માટે કુલ ૩૧૭ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેનું પરિણામ ગઈ કાલે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાયું છે. તેમાંથી ૪૯ વિદ્યાર્થીઓના માર્કમાં સુધારો થતાં તેઓ નીડ ઈમ્પ્રૂવમેન્ટની કેટેગરીમાં આવી ગયા છે અને પાસ થઈ જવાના કારણે તેમને હવે જુલાઈમાં લાવનારી પૂરક પરીક્ષા નહીં આપવી પડે. જયારે ૮ વિદ્યાર્થીઓના માર્કમાં સુધારો થતાં તેઓ પૂરક પરીક્ષા આપીને વર્ષ બગડતું બચાવી શકશે અને કુલ ત્રણ વિદ્યાર્થીને માત્ર હવે પૂરક પરીક્ષા જ આપવાની રહેશે. ૨૪૯ વિદ્યાર્થીના માર્કમાં સુધારો થયો છે છતાં તેનું પરિણામ બદલાયું નથી પરંતુ ૮ વિદ્યાર્થીઓનાં માર્કમાં સુધારો થતાં નાપાસ વિષયોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ તેઓ તેમ છતાં પૂરક પરીક્ષા આપવાને લાયક રહેતા નથી.