બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / આ મંદિરે જે આવે છે તે પામે છે.. અમદાવાદના ગોરના કુવાવાળી મા ચેહરનો મહિમા અપરંપાર
Last Updated: 06:30 AM, 16 October 2024
અમદાવાદના જશોદાનગર ચોકડીથી પશ્ચિમે જતાં અને મણિનગર દક્ષિણી ક્રોસીંગથી પૂર્વ તરફ જતાં માર્ગ પર ગોરના કુવાવાળી મા ચેહરનું મંદિર આવેલું છે. એક માન્યતા પ્રમાણે આ મંદિરે જે આવે છે તે પામે છે. મા સમક્ષ જે માગે છે, તે મેળવે છે. ભાવિકભક્તો શ્રદ્ધાના ફૂલ ચડાવે છે અને માતાજી તેમને આશીર્વાદ આપે છે. અમદાવાદના મણિનગર પૂર્વમાં દક્ષિણી ક્રોસીંગથી જશોદા ચોકડી જતાં માર્ગ પર ગોરના કુવાવાળી આધશક્તિ ભગવતી ચેહરનું અતિ દિવ્ય મંદિર આવેલું છે. ધોર કલિકાળમાં જાગતી જ્યોત સમાન જગતજનની મા ચેહરના મંદિરે દર રવિવારે અને પૂનમે હજારો ભાવિકો પોતાની મનોકામનાની પૂર્તિ માટે અહીં આવી શ્રદ્ધાનાં ફૂલ ચઢાવે છે. માત્ર ગુજરાતમાંથી જ નહિ, ભારતભર અને વિદેશમાં પણ જેના લાખો ભક્તો અને સેવકો વસે છે તે ગોરના કુવાવાળી મા ચેહરનો મહિમા અપરંપાર છે. જે સાચી શ્રદ્ધાથી અહીં આવી ને મા ચેહરને સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. તેમના ઈચ્છિત કાર્યો થયા હોય તેવા અનેક ઉદાહરણો છે, પવિત્ર ભાવના સાથે મંદિરે આવી સાચી શ્રદ્ધાથી માતાજી સમક્ષ પોકાર કરો એટલે માતાજીના આશીર્વાદ મળે જ છે.
ADVERTISEMENT
અમદાવાદના મણિનગરમાં ચેહર મા બિરાજમાન
ADVERTISEMENT
નવસો વર્ષ પહેલાં હાલના પાકિસ્તાનના હાલડી ગામે વસંતપંચમીના શુભ દિવસે મા ચેહરનું પ્રાગટ્ય થયું હતું. અને માના પ્રાગટ્ય સાથે જ આસપાસના પંથકમાં ચમત્કારો સર્જાવા લાગ્યા હતા. અમદાવાદમાં મણિનગર પૂર્વમાં આવેલ ગોરના કુવે બિરાજમાન ચેહર માતાજીને અડાલજથી તેમની પરવાનગી લઈને લાવવામાં આવ્યા છે. ચેહર માતાજીના મંદિરના વિશાળ પરિસરમાં અનેક દેવી દેવતાઓને બિરાજમાન કરવામાં આવ્યા છે. સોનાથી મઢવામાં આવેલા મંદિરના ગર્ભગૃહમાં માતાજીને સોનાની છબીમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરે આવતા ભક્તો માના દર્શન કરી મત્રંમુગ્ધ થાય છે. સૌ ભક્તો પર માની વિશેષ કૃપા રહે છે. અને એટલે જ ભક્તોનું ઘોડાપુર મંદિરે ઉમટે છે. ગર્ભગૃહમાં આરસપહાણના આસને ગણેશજી અને મા બહુચરાજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. વચ્ચે બિરાજતા આધશક્તિ મા ચેહરની અખંડ જ્યોત ઝળહળે છે. ભાવિકો પર હંમેશા મા ચેહરની કૃપાનો વરસાદ વરસતો રહે છે. સમસ્ત જગતમાં આ એક જ એવું ચેહર મંદિર છે જ્યાં સંગેમરમરી ઉંચી પાટ પર મા ચેહર, ગણેશજી અને બહુચરાજીની ત્રિમૂર્તિ બિરાજમાન છે. ગર્ભગૃહની બહાર જમણી બાજુએ સોમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભાવ અને ભક્તિથી મા ચેહરનું નામ લેનાર પર માતાજી અસીમ કૃપાનો વરસાદ વરસાવે દે છે. દુખીયાઓના ત્રિવિધતાપ હરી લેનાર અને જેનું જગતમાં કોઈ ન હોય એનો હાથ પકડી એના ભવરોગનું શમન કરનાર મા ચેહરનું આ અતિદિવ્ય મંદિર છે. કમાનાકાર નયનરમ્ય પ્રવેશ દ્વારમાં દાખલ થતાં જ હૈયું ગદગદ બની જાય છે. એટલું જ નહિ પણ હૃદય અપૂર્વ શ્રદ્ધાથી ભરાઈ જાય છે. સંગેમરમરની વિશાળ ફર્શ અને ગર્ભગૃહમાં બિરાજે છે. વિશાલનેત્રી સ્મિતવદની જગતજનની આધશક્તિ મા ચેહર. મા ચેહરનું સ્વરૂપ એટલું સૌમ્ય છે અને નેત્રો એટલાં તેજસ્વી છે કે તે જોતા જ દર્શનાર્થીના મનમાં ભાવોની ભરતી ચઢે છે.
દર રવિવારે અને પૂનમે હજારો દર્શનાર્થીઓ માના દર્શનાર્થે આવે છે
દુઃખી, પીડાગ્રસ્ત, જાતજાતની ઉપાધિઓથી ઘેરાયેલાં અશ્રુસારતાં માણસો હૃદયમાં શ્રધ્ધાની જ્યોત જલતી રાખીને માના શરણે આવી મસ્તક નમાવી ભાવભીના સ્વરે માતાજીને પોતાના દુઃખ હરી વહારે આવવા કહે છે અને તેમના અલ્પસમયમાં દુઃખ પીડા ટળે છે, મન શાંત અને સંતૃપ્ત બને છે, દુઃખિયાં સુખીયાં થાય છે, તન મનના અને ધનના પ્રશ્નો દૂર થઈ જાય છે. ને માના નામનો જયજયકાર બુલંદ થવા માંડે છે. દર્શનાર્થીઓને શીધ્ર ફળ મળવાથી મંદિરે દર્શનાર્થીઓનો ખૂબ ધસારો રહે છે પરિણામે માત્ર એક દેરીમાંથી આજે આંખ ઠરે એવું ચિત્તકર્ષક મંદિર બની ગયું છે. માતાજીની પ્રગટ પ્રભાવી હાજરીએ લોકોમાં અજબ અભૂતપૂર્વ શ્રદ્ધાનું સિંચન કર્યું છે. દર રવિવારે અને પૂનમે હજારો દર્શનાર્થીઓ માના દર્શનાર્થે ઉમટી પડે છે. આ બંને દિવસે માનવ મહેરામણ હિલોળા લે છે. ગુજરાતના ગામડે ગામડેથી લોકો અહીં આવે છે, મા ના નામના પોકાર પાડી માની કૃપા પામીને પાછા જાય છે.
આ પણ વાંચો: મહીસાગરમાં 850 વર્ષ જૂનું નદીનાથ મહાદેવનું મંદિર, જાણો પાણીમાં બિરાજતા ભોળાનાથની રોચક કથા
દર્શનાર્થીઓ માને સુખડી ચઢાવે છે
સુખડીનો પ્રસાદ એ મા ચેહરનો પ્રિય પ્રસાદ છે. દર્શનાર્થીઓ અહીં આવીને માને સુખડી ચઢાવે છે. દરરોજ સાંજે સાડા સાત વાગે થતી મહાઆરતીમાં ભાગ લેવો એ પણ જીવનનો એક મહામૂલો લહાવો છે. દર મંગળવારે સાંજે ચારથી છ સુધી આસપાસની સોસાયટીઓની બહેનો મા ચેહરના પ્રાંગણમાં આનંદનો ગરબો ગાય છે. આ માત્ર મંદિર જ નથી. માનવતાનું પણ મંદિર છે. દર રવિવારે અને પૂનમે દૂરદૂરથી આવતા દર્શનાર્થીઓ માટે મા ચેહર મંદિર તરફથી વિનામૂલ્યે ભોજન આપવામાં છે. કોઈપણ સમૂહલગ્નમાં તમામ કન્યાઓને મંદિર તરફથી એક-એક સાડી ભેટ આપવામાં આવે છે. કોઈ ગરીબ નિરાધાર દીકરીના લગ્ન માટે નાણાંની જરૂરી સહાય આપે છે. કોઈ ગંભીર રોગ માટે દવાની સહાય, ગરીબ તેજસ્વી વિધાર્થી માટે શિક્ષણ સહાય જેવાં માનવતાવાદી કાર્યો મંદિર તરફથી કરવામાં આવે છે.ગોરના કુવાવાળી મા ચેહરનો મહિમા અપાર છે. ભારત ઉપરાંત અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, લંડન વગેરે દેશોમાં પણ ગોરના કુવાવાળી મા ચેહરનાં સંલગ્ન મંદિરો બનાવવાનું કાર્ય હાલ ચાલુ છે. જે ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે તે ભાવિકો રવિવારે અને પૂનમે મંદિરે આવી ચુંદડીઓ ચઢાવે છે. વસંત પંચમીના દિવસે અજબ મહામહોત્સવ મંદિરના પ્રાંગણમાં ઉલ્લાસભેર ઉજવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.