બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના કામનાથ મહાદેવ, જ્યાં એકસાથે પ્રસ્થાપિત છે 12 જ્યોતિર્લિંગ, જેનો છે અનેરો મહિમા
Last Updated: 06:30 AM, 6 August 2024
ભારતમાં દરેક દેવી-દેવતાઓનું અનોખુ મહત્વ હોય છે. દરેક મંદિરો અલગ અલગ દંતકથાઓથી પ્રચલિત હોય છે. અમદાવાદના મેમનગરમાં કામનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. આ એક એવું મંદિર છે. જ્યાં એક સાથે અનેક દેવી દેવતાના ભક્તો દર્શન કરે છે. કામનાથ મહાદેવ મંદિરમાં બાર જ્યોતિલિંગ આવેલા છે. મહાદેવના મંદિરે ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે. અમદાવાદના મેમનગર વિસ્તારમાં મુખ્ય રસ્તા પર કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મહાદેવના મંદિરમાં ભગવાન શંકર સાથે હનુમાનજી અને ગણપતિને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરમાં વિવિધ દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવી છે. નિયમિત મહાદેવજીના દર્શને આવતા ભાવિકોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. વર્ષો જૂના આ મંદિરે શ્રાવણ અને સોમવારે વહેલી સવારથી ભક્તોની ભીડ જામે છે.
ADVERTISEMENT
કાલુપુર પાસે વાડીના કુવામાંથી મળી હતી મૂર્તિ
ADVERTISEMENT
કાલુપુર પાસે આવેલા વાડીના કુવામાંથી શિવલિંગ સાથે પાર્વતીજી અને રણછોડજીની મૂર્તિ મળી આવી હતી. રણછોડજીની મૂર્તિ સારંગપુર રણછોડજીના મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી અને શિવલિંગને પહેલા રણછોડજી મંદિરે રાખવામાં આવ્યું હતું. પણ જગ્યાના અભાવના કારણે શિવલીંગને 1967માં મેમનગરમાં સ્થાપિત કરી નાની દેરી બનાવવામાં આવી હતી. અને સમય જતા મોટું શિવ મંદિર બનાવામાં આવ્યું હતું. મંદિરની આજુ બાજુમાં જગ્યાની વ્યવસ્થા કરી ચારેય દેવીઓની મૂર્તિઓ સાથે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી હતી.
દૂધ,જળ, તલ અને બીલીપત્ર ચડાવે ભાવિકો
કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દૂધ,જળ, કાળ તલ અને બિલિપત્ર શિવલીંગને ચડાવે છે. મહાદેવના શિવલિંગને ચાંદીથી મઢવામાં આવ્યા છે. મંદિરમાં એક સાથે બે શિવલીંગની ભક્તો પૂજા કરી દર્શન કરે છે. કામનાથ મહાદેવ મંદિરમા અખંડ જ્યોત આવેલી છે. જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભકતો મંદિરે આવે છે.કામનાથ શિવાલયમાં શિવરાત્રીએ ભગવાનને અનોખો શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. સવારે પાંચ વાગે મંગળા આરતી, છ વાગીને ત્રીસ મિનિટે શણગાર આરતી અને બપોરે અગ્યાર વાગીને ત્રીસ મિનિટે ભગવાનને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. સાંજે સાત વાગે સંધ્યા આરતી સમયે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ પ્રસરી જાય છે. કામનાથ મહાદેવનુ મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનુ કેન્દ્ર છે.
કામનાથ મહાદેવ મંદિરમાં અખંડ જ્યોત
કામનાથ મહાદેવના દર્શન કરવા આસપાસના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ ઉમટે છે. વારે તહેવારે મંદિરે ભજન કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્થાનિક લોકોની સાથે આસપાસના વિસ્તારના લોકો હાજરી આપી મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે. મંદિરમાં હિંડોળા, લઘુરુદ્રા, શિવઅભિષેક, રૂદ્રાઅભિષેક, મહામૃત્યુંજપ જેવી પૂજાઓ કરવામાં આવે છે. કામનાથ મહાદેવના મંદિરમાં બાર જ્યોતિલિંગ આવેલા છે. સાથે ગણેશજી, પંચમુખી હનુમાનજી, શનિદેવ, અંબાજી, સરસ્વતીજી, મહાલક્ષ્મીજીના મંદિર આવેલા છે. ભક્તો પર અસીમ કૃપા કરતા ભગવાન ભોળાનાથ ભક્તોની પ્રાર્થના અને તેમના સ્મરણને સાંભળીને જલ્દી પ્રસન્ન થઈ જતા હોય છે એટલે જ મહાદેવને ભોળાનાથ કહેવાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અહીં આવેલા છે સ્વયંભૂ પ્રગટ થયેલા બે શિવલિંગ, કંકોત્રી ચઢાવવાની માન્યતા
શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર
શ્રાવણ મહિનામાં મંદિરે રોજ મેળાનો માહોલ સર્જાય છે. જ્યારે સોમવારના દિવસે મંદિર પરિસર શિવભક્તોથી ઉભરાય છે. લોકોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર એવા કામનાથ મહાદેવની મેમનગરમાં અસીમ કૃપા હોવાથી મેમનગરના લોકો મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સામાજિક અને સેવાકીય કાર્યો પણ કરે છે. બટુક ભોજન અને ઉતરાયણના દિવસે દિવ્યાંગ બાળકીઓને ભોજન કરાવવામાં આવે છે. મંદિર પરિસરમાં જ સેવાકીય કામો માટે સુવિધાઓ અને હોલ બનાવવામાં આવ્યા છે. કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ લોકોને મંદિર પરિસરમાં સેવાનો લાભ મળે છે. દરેક મંદિરો અને ધાર્મિક સ્થળો પાછળ લોકવાયકા અને પૌરાણિક માન્યતાઓ જોડાયેલી હોય છે. જ્યારે કેટલાક જૂના મંદિરોમાં લોકોની શ્રદ્ધા અને આસ્થાથી ક્યારેક ચમત્કારરૂપે મંદિરોની સ્થાપના થઈ હોય અને દેવી દેવતાઓની પૂજા થતી હોય છે ત્યારબાદ અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે મંદિરો આસ્થાનું કેન્દ્ર બને છે. ત્યારે અમદાવાદના મેમનગરમાં કામનાથ મહાદેવનો મહિમા અનેરો છે. ભગવાન ભોળાનાથ હર હંમેશ તેમના ભાવિક ભક્તો પર પ્રસન્ન રહી દરેકની મનોકામના પૂર્ણ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.