બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / કારતક પૂનમના દિવસે કરો કળિયુગના જાગતા દેવના દર્શન, 750 વર્ષથી ભક્તોની કરે છે રક્ષા
Last Updated: 05:57 AM, 15 November 2024
હનુમાનજીદાદા કળિયુગના જાગતા દેવ તરીકે પૂજાય છે. દેશમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે. દુઃખીયાનાં દુઃખ દૂર કરી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા રામભક્ત હનુમાનજી ઝુંડાલ ગામે મૂંછવાળી મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. સુપ્રસિદ્ધ પૌરાણિક હનુમાન દાદાનુ મંદિર ભાવિકોની આસ્થાનુ કેન્દ્ર છે. અમદાવાદથી અડાલજ જતા મુખ્ય માર્ગ પર ઝુંડાલગામ આવેલું છે. ઝુંડાલમાં આશરે 750 વર્ષથી હનુમાનદાદા બિરાજમાન છે. આશરે બે વિઘાના પરિસરમાં વર્ષો પુરાણુ શ્રી ઝુંડાલીયા હનુમાન દાદાનું વિશાળ મંદિર આવેલું છે. મંદિર પરિસરમાં વેરાઈમાતા પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરે લાખો શ્રદ્ધાળુઓ હનુમાનજી દાદાનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શનિવાર અને મંગળવારના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો દાદાના દર્શને આવે છે.
ADVERTISEMENT
ઝુંડાલીયા હનુમાનજી પરથી ગામનું નામ ઝુંડાલ પડ્યું
ADVERTISEMENT
હનુમાનદાદાના મૂછવાળા સ્વરૂપના દર્શન કરવા લોકો દુરદુરથી આવે છે. પહેલા હનુમાનજી દાદાનું નાનુ દેરુ હતુ. ઝુંડાલ ગામની સ્થાપના થઈ તે પહેલાનું આ મંદિર છે. એક લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા આ મંદિરમાં સોનાના આભૂષણોની ચોરી થઈ હતી. અને એક દિવસ ચોરી થયેલા સોનાના આભૂષણો કોઈ પાછા મૂકી ગયુ હતુ ત્યારથી આસપાસના ગામોમાં હનુમાનદાદાનો મહિમા વધતો ગયો..અને મંદિરમાં મોટો યજ્ઞ કરીને મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને શ્રી ઝુંડાલીયા હનુમાનદાદાના મંદિરનું નિર્માણ થયું. મંદિર બન્યા બાદ આજુબાજુ માનવ વસવાટ થયો અને જે ગામ બન્યું તે આજે ઝુંડાલ ગામ તરીકે ઓળખાય છે. હનુમાનદાદાનું નાનું દેરુ હાલ મોટા મંદિરના સ્વરૂપમાં પરિવર્તિત થયું છે. 2021માં મંદિરનો ત્રીજીવાર જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો મંદિર પરિસરમાં વિશાળ ચબુતરો બનાવવામાં આવ્યો છે. ભાવિક ભક્તો દર્શને આવે ત્યારે પહેલા ચબુતરામાં ચણ નાખે છે અને ત્યારબાદ દાદાના દર્શન કરે છે. વર્ષોથી ઝુંડાલની રક્ષા કરતા દાદા અને વેરાઈ માતાજી પર ગ્રામવાસીઓને અતૂટ શ્રદ્ધા છે. વિશાળ પરિસરમાં દાદાના મંદિરની બાજુમાં વેરાઈ માતાનું મંદિર બનાવી માતાજીની સ્થાપના કરવામાં આવી છે. વેરાઈ માતાજીને ગ્રામવાસીઓ ગામટોળાની માતા કહે છે.
ઝુંડાલગામના અઢારે વર્ણના લોકો પોતાના દિવસની શરુઆત મંદિરે દર્શન કરીને કરે છે. મંદિરમાં ગણપતિ બાપા, કાલભૈરવ દાદા, મેલડી માતાજી અને ભગવાન શિવની પણ સ્થાપના કરવામાં આવી છે. દર શનિવારે દાદાના દર્શન કરવા ભાવિકો દૂરદૂરથી ઝુંડાલ આવે છે. ભાવિકોની દાદામાં અતૂટ શ્રદ્ધા છે. ઝુંડાલ ખાતે આવેલા લગભગ 750 વર્ષ પૌરાણિક શ્રી ઝુંડાલીયા હનુમાનજી દાદાના મંદિરમાં કાળીચૌદશે થતા લોકમેળા પ્રસંગે તેલનો અભિષેક કરવામાં આવે છે. અને વિશેષ અન્ન્કુટ તથા હવનનું આયોજન કરવામાં આવે છે.
દાદાના દર્શને દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે
લોકો પોતાની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે શ્રી ઝુંડાલીયા હનુમાનજીના શરણે આવે છે અને દાદા તેમના દરેક ભક્તોને અચૂક આશીર્વાદ આપે છે. દાદાના દર્શને આવવાનું ચાલુ કર્યા બાદ પોતાના જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ આવ્યા હોય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવી હોય તેવા ઘણા પ્રમાણ છે અને એટલે જ તે દરેક ભાવિકોની શ્રદ્ધા આસ્થા અતૂટ થઈ છે. હનુમાનદાદાને પ્રસાદમાં ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવે છે.
વર્ષો પુરાણા ઝુંડાલ મંદિરે આવતાં લાખો ભક્તોનાં દુઃખ દૂર થતા દાદાનો મહીમા દિવસે દિવસે વધતો ગયો છે. રામનવમી, શ્રી હનુમાનજીનો પ્રાગ્ટ્ય દિવસ અને ચૈત્રીસુદ પૂનમે મંદિરે સવારે પાંચ વાગે મંગળા આરતી કરી સવા આઠ વાગે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે આખો દિવસ મંદિરે લાખો દર્શનાર્થીઓ દાદાના દર્શનનો લાભ લઈ પાવન થાય છે. મંદિરે વારે તહેવારે અનેક ધામિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દર મંગળવારે અને શનિવારે મંદિરમાં કરવામાં આવતા ધૂન-કીર્તનથી મંદિરમાં ભક્તિમય તરંગો સર્જાય છે. વડીલો સાથે યુવાનો પણ આ ભજન-કીર્તનમાં જોડાય છે. હનુમાનજી દર્શન કરવા માટે દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ પણ ભજન-કીર્તનમાં જોડાઈ મંદિરમાં હનુમાનદાદા હાજરા હજુર હોવાની અનુભૂતી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.