અમદાવાદ શહેર ફરી કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 60 ટકાથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.
હોળી બાદ આવ્યા ચોંકાવનારા સમાચાર
અમદાવાદમાં કોરોનાના કેસ ધીમા પગલે ભયજનક બનતા જાય છે
ગુજરાતમાં નોંધાયેલા 18 કેસ પૈકી 11 કેસ અમદાવાદમાં
ડીજેના તાલમાં ધુળેટીનો રંગોત્સવ દમામભેર ઊજવનારા અમદાવાદીઓ માટે આ તહેવાર અનોખી સોગાત લઈને આવ્યો હતો. ગુલાલની છોળો ઉડાવીને આબાલવૃદ્ધોએ દિવસભર ધમાલ મચાવી હતી. આમ પણ હોળી અને દિવાળીએ બંને ભારતીય સંસ્કૃતિનાં મહાપર્વ છે, જોકે રંગતભર્યા માહોલને માણ્યા બાદ શહેરીજનો માટે હવે ચોંકાવનારા સમાચાર એ છે કે અમદાવાદ ફરીથી ઘાતક કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે એટલે લોકોએ સાવધાની રાખીને આ મહામારી સામે લડત આપવાની તૈયારી રાખવી પડશે.
2020માં અમદાવાદમાં ફેલાયો હતો કોરોના
માર્ચ-2020ના છેલ્લા દિવસોમાં અમદાવાદમાં પણ કોરોનાનો અજગરી ભરડો ફેલાયો હતો. વૈશ્વિક મહામારી કોરોનાએ અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા હતા. તે સમય દેશવ્યાપી લોકડાઉન અને લોકડાઉનમાં અનલોકના વિવિધ તબક્કા ધરાવતો હાહાકાર મચાવનારો હતો. કોરોના વાઈરસથી ધંધા-રોજગાર ઠપ થઈ ગયા હતા. એપ્રિલ-2021થી કોરોનાની સેકન્ડ વેવે અમદાવાદીઓના ઘરેઘર સુધી કોરોનાને પહોંચાડી દીધો હતો. તે વખતે રોજેરોજ લાશોના એટલા ઢગલા થતા હતા કે સતત કરાતા અગ્નિસંસ્કારના કારણે સ્મશાનગૃહની લોખંડની ચીમની પણ પીગળી જતી હતી. હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન થવાથી દર્દીઓને અન્ય શહેરોમાં દાખલ કરવા પડ્યા હતા. આ સમગ્ર વાતાવરણ ભારે કંપાવનારું હતું.
16 જાન્યુઆરીએ થયો હતો વેક્સિનેશનનો પ્રારંભ
ગત તા. 16 જાન્યુઆરી, 2021થી સમગ્ર દેશની સાથે ગુજરાત અને અમદાવાદમાં પણ કોરોનાના વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. કોરોનાની કોવિશિલ્ડ, કોવેક્સિન જેવી વેક્સિન તેની સામે લડત આપવામાં અસરકારક પુરવાર થઈ છે. તબીબી જગત માને છે કે કોરોના વેક્સિનના બંને ડોઝ લેનારી વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થાય તો પણ તેનો જીવ જલદી જોખમમાં મુકાતો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે કોરોના વેક્સિનનાં અલગ અલગ પ્રકારનાં મહાઅભિયાન હાથ ધરાઈ ચૂક્યાં છે, જેમાં હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર્સ, સિનિયર સિટીઝન વગેરે વિવિધ જૂથના લોકો તેમજ અલગ અલગ વયજૂથના લોકો માટે ખાસ ઝુંબેશ હાથ ધરાતાં જાન્યુઆરી-2022માં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી ફેલાયેલા સંક્રમણ સામે અમદાવાદીઓના મહામૂલા જીવનનું રક્ષણ થયું હતું.
ફરી માર્ચ મહિનો કોરોના લઈને આવ્યો
છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાએ શહેરમાંથી વિદાય લીધી હોઈ તેવું અનુભવતા લોકો માટે આંચકારૂપ બાબત એ છે કે 2020ના માર્ચ મહિનાની જેમ ત્રણ વર્ષ પછી ફરી માર્ચ મહિનો કોરોના લઈને આવ્યો છે. કોરોનાએ ગુજરાતમાં તો માથું ઊંચક્યું છે, પરંતુ તેના 60 ટકાથી વધુ કેસ માત્ર ને માત્ર અમદાવાદમાં નોંધાયા છે. બીજા અર્થમાં કોરોનાની અગાઉની વેવમાં જેમ અમદાવાદ હોટસ્પોટ બન્યું હતું અને ઘાતક કોરોનાએ અમદાવાદીઓના જીવનને તહસનહસ કરી નાખ્યું હતું તેની યાદ જોતાં અમદાવાદ પુનઃ કોરોનાનું હોટસ્પોટ બન્યું હોઈ શહેરીજનોએ જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવી પહેલાંની કોરોનાની ગાઈડલાઈનને અનુસરવી પડશે.
ગુજરાતમાં નોંધાયેલા 18 કેસ પૈકી 11 કેસ અમદાવાદમાં
તંત્રનો હેલ્થ વિભાગ પણ કોરોનાનું સંક્રમણ શહેરમાં ફેલાતું જતું હોઈ હરકતમાં આવ્યો છે અને કોરોનાનાં ટેસ્ટિંગ શરૂ કર્યાં છે. છેલ્લા ત્રણ દિવસના એટલે કે તા. 6, 7 અને 8 માર્ચના રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સત્તાવાર આંકડાને તપાસતાં અમદાવાદમાં કોરોનાના કેસ ધીમા પગલે ભયજનક બનતા જાય છે તે બાબત સ્પષ્ટ બની છે, કેમ કે તા. 6 માર્ચે ગુજરાતમાં નોંધાયેલા 18 કેસ પૈકી 11 કેસ અમદાવાદમાં નોંધાયા હતા.
નાગરિકોએ થોડા સાવચેત રહેવાની જરૂર
તા. 7 માર્ચના રાજ્યના કુલ રપ કેસમાંથી અમદાવાદમાં 15 દર્દી મળી આવ્યા હતા તો ગઈ કાલે રાજ્યભરમાં કોરોનાના કુલ 23 દર્દી પૈકી 14 દર્દી અમદાવાદના હતા એટલે કે છેલ્લા ત્રણ દિવસના રાજ્યના કુલ 66 પૈકી 40 કેસ માત્ર અમદાવાદના હોઈ નાગરિકોએ થોડા સાવચેત રહેવાની જરૂર છે, જોકે કોરોનાના આ તમામ દર્દીઓ હળવાં લક્ષણ ધરાવતા હોઈ મ્યુનિ. હેલ્થ વિભાગ એટલા અંશે રાહત લઈ રહ્યો છે, પરંતુ જ્યાં સુધી વેક્સિનેશનનો સવાલ છે તો લોકોએ તેનાથી મોઢું ફેરવી લીધું હોઈ માંડ 22.50 ટકા અમદાવાદીઓ જ વેક્સિનના બૂસ્ટર ડોઝથી સુરક્ષિત છે.
ગુજરાત કરતાં વેક્સિનેશનમાં બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ વગેરે મોખરે
ગુજરાતમાં ગઈ કાલ તા. 8 માર્ચના સવારના સાત વાગ્યા સુધી વેક્સિનેશનના કુલ 12.80 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે, જોકે વેક્સિનેશનના મામલે આશ્ચર્યજનક રીતે બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવાં રાજ્ય ગુજરાત કરતાં મોખરે છે. મહારાષ્ટ્ર અને પ. બંગાળમાં પણ ગુજરાત કરતાં વધુ વેક્સિનેશન થયું છે.
અમદાવાદમાં ત્રણ દિવસમાં માત્ર 131 લોકો વેક્સિનેટેડ થયા
વેક્સિનેશનના મામલે અમદાવાદીઓની ઉદાસીનતાની ચાડી પોકારતા આંકડા ખુદ દર્શાવે છે કે છેલ્લા ત્રણ દિવસ એટલે કે તા. 6, 7 અને 8 માર્ચ એમ ત્રણ દિવસમાં ફક્ત 131 લોકો વેક્સિનેટેડ થયા છે. અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન હોવા છતાં પણ લોકો જતા નથી.