બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:58 AM, 7 October 2024
દેશમાં અનેક શિવમંદિરો આવેલા છે. આ મંદિરોમાં ધોળકાનું શિવમંદિર અનોખુ છે. ધોળકાનું પરપોટીયા મહાદેવ પૌરાણિક મંદિર આશરે 5000વર્ષ જુનું છે. આ નાગનાથ મહાદેવના પૌરાણિક મંદિરને ચંદ્રેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે. અને તેનું પૌરાણિક મહત્વ પણ ખૂબ જ છે. ગુજરાતમાં અનેક શિવ મંદિરો આવેલા છે પરંતુ ધોળકામાં આવેલું શિવમંદિર અલગ જ છે. ધોળકાના મંદિરમાં મહાદેવજી પરપોટા સ્વરૂપે બિરાજમાન છે. શ્રાવણ માસમાં પરપોટિયા મહાદેવના દર્શનનો મહિમા અનોખો છે. અમદાવાદથી 40 કિલોમીટરના અંતરે ધોળકામાં આવેલા પરપોટીયા મહાદેવના મંદિરને ચંદ્રેશ્વર પણ કહેવામાં આવે છે. સ્થાનિક લોકો મંદિરને પરપોટીયા મહાદેવ તરીકે ઓળખે છે. મહાદેવના આ મંદીરનું નિર્માણ 5000વર્ષ પૂર્વે થયુ હોવાની માન્યતા છે. મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. અને આ મંદિરનો જીર્ણોદ્ધાર ગાયકવાડ સરકારે કર્યો હતો
ADVERTISEMENT
ધોળકામાં શિવજીનું અનોખુ મંદિર
ADVERTISEMENT
દેશમાં આવેલા મહાદેવજીના મંદિરો કરતા આ મંદિર અનોખુ છે કારણ કે આ મંદિરમાં શિવલિંગ તરીકે પરપોટાની પુજા કરવામા આવે છે. અહીં અવિરત પરપોટા નીકળે રાખે છે પરપોટા ક્યાંથી અને કયા કારણથી નીકળે છે તે એક રહસ્ય જ છે. પરપોટા એ જ શિવલિંગ છે જેની પુજા કરવામાં આવે છે અને કેટલા પરપોટા છે તે ગણી શકાતા નથી. પરપોટીયા મહાદેવના પરપોટાને ગણવાનો પ્રયાસ કરીએ તો દરેક વખતે નવો જ આંકડો મળે છે. આ મંદીરનું નામ ચંદ્રેશ્વર મહાદેવ છે જેની પાછળ પણ એક કારણ છે. કે ચંદ્રની સીધી જ અસર અહીંના શિવલિંગ પર થાય છે. જો પૂનમની રાત હોય તો તમને શિવલિંગ પર ચંદ્રનું ધોળુ નિશાન જોવા મળે છે અને જો અમાસ હોય તો શિવલિંગ પર કોઈ જ ધોળું નિશાન જોવા મળતુ નથી. ધોળકા તેમજ આસપાસના ગામડાઓના ભાવિકોની અતૂટ શ્રદ્ધા અને આસ્થા મહાદેવ સાથે જોડાયેલા છે અને એટલે જ દર સોમવારે, અમાસે અને પુનમે ભાવિકોનું ઘોડાપુર મંદિરે ઉમટે છે.
મંદિર પરિસર આશરે ત્રણ વીઘામાં ફેલાયેલું છે
પરપોટીયા મહાદેવનું મંદિર પરિસર આશરે ત્રણ વીઘામાં ફેલાયેલું છે. મંદિરના પ્રાંગણમાં બીજા અનેક નાના શિવાલયોની વચ્ચે વિશાળ ચબુતરો બનાવવામાં આવ્યો છે. મહાદેવજીના દર્શને આવતા ભાવિકો દર્શન કરતાં પહેલા ચબુતરા ચણ નાખે છે. ગાયકવાડ સરકારે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો તે સમય પહેલાથી પરિસરમાં એક પીપળો આવેલો છે. ભાવિકો પીપળાને જળ અર્પણ કરી તેની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે.ગાયકવાડ સરકારે મંદિરની સ્થાપના કરી ત્યારથી મંદિરમાં દીપજ્યોતિ સ્થંભ રાખવામાં આવ્યો છે. જેમાં નિત્ય સાંજે આરતીના સમયે દીવા કરવામાં આવે છે. પરપોટીયા મહાદેવ મંદિરમા આવેલી અખંડ જ્યોત દર્શન કરવા મોટી સંખ્યામાં ભકતો મંદિરે આવે છે અને કહેવાય છે કે જયારે મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારથી આ અખંડ જ્યોતના ભક્તો દર્શન કરે છે. મંદિરમાં એકસાથે બે જ્યોતના દર્શન કરી શકાય છે. જે તેલ અને ઘી થી પ્રજવલિત કરવામાં આવેલી છે. જે ગાયકવાડ શાસન સમયથી પ્રજ્વલિત છે.
આ પણ વાંચો: બોટાદના નગર દેવી અંબાજીનું 900 વર્ષ જૂનું મંદિર, માનો આદેશ થયો અને થઈ શહેરની સ્થાપના
જમણી સૂંઢ વાળા ગણેશજી અને હનુમાનજી બિરાજમાન
પરપોટીયા મહાદેવ મંદિર પરિસરમાં જમણી સૂંઢ વાળા ગણેશ ગજાનંદ બિરાજમાન છે અને બીજી તરફ હનુમાનદાદા બિરાજમાન છે. મંદિરના ઘુમ્મટમાં ભગવાન શિવનાં અલગ અલગ સ્વરૂપોના દર્શન થાય છે. મંદિર ટ્રસ્ટ વારે તહેવારે અનેક કાર્યક્રમોનુ આયોજન કરે છે. જેમાં ભજન અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે. મંદિરે શિવરાત્રી, શ્રાવણ માસ, નાગપાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, અને ગણેશચતુર્થી જેવા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને આ દરેક તહેવારોમાં ભાવિકો ઉલ્લાસભેર જોડાય છે. હજારો શ્રદ્ધાળુઓ શ્રાવણ માસ તેમજ શિવરાત્રીના મહાપર્વ પર મહાદેવજીના દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનાની અમાસના દિવસે મંદિરે મોટો મેળો ભરાય છે. અને એવું કહેવાય છે કે આ મેળો હજ્જારો વર્ષોથી અહીં યોજાય છે. પરપોટીયા મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દૂધ, જળ, કાળા તલ અને બિલિપત્ર ચડાવી મહાદેવજીની આરાધના કરે છે. મહાશિવરાત્રીએ ભગવાનને અનોખા શણગાર કરવામાં આવે છે. પરપોટીયા મહાદેવનું મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનુ કેન્દ્ર છે. શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. વર્ષોથી મહાદેવના દર્શને આવતા ભાવિકોની પરપોટીયા મહાદેવ પર અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ તે મહાદેવજીના દર્શન કરવાનુ ચૂકતા નથી. ભાવિકોને આસ્થા છે કે મહાદેવ તેમના દરેક દુઃખ દૂર કરે છે.. અને તેમની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે. અલૌકીક મંદિરમાં મહાદેવ હાજરા હજુર હોવાની દરેક ભકતોને અનુભૂતી થાય છે. અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.