Ahmedabad Dani Lemda Police Station Beggar Installment Accused
આમાં પણ..! /
અમદાવાદ: ભિખારીએ ભીખ માંગવા માટે હપ્તો આપવાની ના પાડી તો આરોપીએ છરી હૂલાવી દીધી, ભાંડો ફૂટતા ઝબ્બે
Team VTV09:09 PM, 22 Jan 22
| Updated: 09:26 PM, 22 Jan 22
અમદાવાદમાં પોલીસની તપાસમાં હપ્તા નેટવર્ક ખુલ્યું, ભીખારીઓએ ભીખ માંગવા પણ આપવો પડતો હતો હપ્તો
અમદાવાદમાં ભીક્ષાના હપ્તાનું નેટવર્ક
ભિક્ષુકે આપવો પડે હપ્તો
હપ્તો નહીં આપનાર ભિક્ષુક પર હુમલો
દાણીલીમડામાં ભીખ માંગવા માટેના હપ્તાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે હપ્તો માગનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. ભિખારી પર છરીથી હુમલો કરતા સમગ્ર હપ્તાકાંડ બહાર આવ્યું હતું.
દરરોજ રૂ 200નો હપ્તો આપો તો જ ફૂટપાથ પર ભીખ માંગી શકો
પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આ શખ્સ સૌક્તઅલી અન્સારી છે.મિલતનગરમાં રહેતા આ કુખ્યાત આરોપીથી ભિખારીઓમાં દહેશત છે.કારણ કે ભીખ માંગવી હોય તો આરોપીને હપ્તો ચૂકવો પડશે. દરરોજ રૂ 200નો હપ્તો આપશો તો જ ફૂટપાથ પર ભીખ માંગી શકાય.પરંતુ અજય રાઠોડ નામના ભીખારીએ રૂ 200ની ખડણી આપવાનો ઇનકાર કરતા આરોપી સૌક્તઅલીએ પોતાનો ખોફ બતાવવા ભિખારી પર છરીથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ભિખારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અને ત્યાર બાદ પોલીસે આરોપીની ધરપકડ કરતા હપ્તારાજનો ભાંડો ફૂટ્યો હતો.
ભિખારીમાં છે આ કુખ્યાત આરોપીનો ખૌફ
આરોપી સૌક્તઅલી અન્સારી મિલલતનગરનો રહેવાસી છે.પૈસા માટે આરોપીએ ભિખારીઓને ટાર્ગેટ કર્યા છે. ઇસનપુર, દાણીલીમડા, નારોલ અને શાહઆલમ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા ભિખારીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું.ફૂટપાથ રહેવા અને ભીખ માંગવા માટે આરોપીને રૂ 200નો હપ્તો દરરોજ ભિખારીએ આપવાનો હોય છે. છેલ્લા 3 માસથી આરોપી ભિખારીઓ પાસેથી ખડણી ઉઘરાવતા હતા.ભિખારીઓએ દિવસ દરમ્યાન માગેલી ભીખમાંથી જો 200ની ખડણી નહિ ચૂકવે તો આરોપી છરીથી હુમલો પણ કરી દેતો હતો.આ પ્રકારે આરોપીએ અનેક ભિખારીઓ ડરાવીને ધમકાવીને પૈસા પડાવતો હતો.
આરોપીની સધન પૂછપરછ હાથ ધરાઇ
હાલમાં દાણીલીમડા પોલીસે આરોપીની ધરપકડ કરીને આરોપીએ કેટલા ભિખારીઓ પાસેથી હપ્તો લેતો હતો.અને તેની ગેંગમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.