ahmedabad apmc have not chairmen because amit shah anandiben patel
કૌભાંડ /
ભાજપના આંતરિક વિખવાદને કારણે અમદાવાદ APMCનો વિકાસ ટલ્લે ચઢ્યોઃ હુડકોને ચુકવે છે કરોડોનું વ્યાજ
Team VTV06:20 PM, 16 Nov 19
| Updated: 07:14 PM, 16 Nov 19
અમદાવાદ APMC હાલ ધણીધોરી વગરનું છે ત્યારે હુડકોની લોનનું કરોડોનું વ્યાજ ચુકવવું APMC માટે લગભગ અશક્ય જણાઈ રહ્યું છે. ભાજપના આંતરિક વિખવાદને કારણે હજુ સુધી અમદાવાદ APMCને કોઈ ચેરમેન કે વાઈસ ચેરમેન નથી મળ્યા. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આનંદી બહેન પટેલના દીકરા સંજય પટેલનું ચેરમેન પદ પાક્કું હતું પરંતુ હાઈકમાન્ડની ઈચ્છા ન હોવાના કારણે તેમની વરણી થઈ ન શકી ત્યારથી આ પદ હજુ પણ ખાલી જ છે.
હૂડકોની લોનનું વ્યાજ મહિને રૂ. 3.80 કરોડ
લાંભામાં નવા યાર્ડનું કોઈ કામ થઈ નથી રહ્યું
નવું એપીએમસી બનાવવાની કરી રહ્યા છે તૈયારીઓ
APMCના 26 કરોડનો લોન હપ્તો બાકી
અમદાવાદની APMC નાદારીના પંથે આવી શકે છે. APMCને હુડકો દ્વારા આપવામાં આવેલી લોનનું વ્યાજ ભરવામાં આવ્યું નથી. જેથી APMC 26 કરોડનો લોનનો હપ્તો ચૂકવી શકશે કે નહીં તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે. એપીએમસીએ નવું બજાર વિકસાવવા માટે હુડકો પાસેથી લેવામાં આવેલી લોન પર ત્રણ મહિને રૂ. 3.80 કરોડના વ્યાજ ખર્ચનો બોજ આવી રહ્યો છે. વળી જુના માર્કેટ યાર્ડનો વિકાસ કરવાની જગ્યાએ એસપી રિંગ રોડ ઉપર નવા એપીએમસી માર્કેટ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
લાંભામાં નવા યાર્ડનું કોઈ કામ થઈ નથી રહ્યું
બીજી તરફ લાંભામાં નવું બજાર વિકસાવવા માટે લોન લીધી છે તે લોનના નાણાં પર વ્યાજ ખર્ચનો બોજ વધી રહ્યો છે, પરંતુ એપીએમસીના બોર્ડની રચના ન થતી હોવાથી નવું બજાર ડેવલપ કરવાના પ્રોજેક્ટને આગળ વધારી શકાતો નથી. રૂા. 125 કરોડની લોન પર વ્યાજ તરીકે ચૂકવવાના થતાં રૂા. 18.05 કરોડ ચૂકવી ન શકાતા હુડકોએ વ્યાજની બાકી રકમને મૂડીમાં ઉમેરી દીધી છે. પરિણામે હુડકોની લોનની મૂડી વધીને રૂા. 143.05 કરોડની થઈ ગઈ છે. તેના પર 11.10 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું આવે તેમ છે.
1.25 લાખ વાર જગ્યા લેવાઈ
લાંભામાં જમાલપુર માર્કેટને શિફ્ટ કરવા માટે અંદાજે 1.25 લાખ વાર જગ્યા લેવામાં આવી છે. જમાલપુર માર્કેટ 16000 વાર જગ્યામાં કાર્યરત છે. પરંતુ લાંભામાં બજાર ડેવલપ કરવાની કામગીરી અત્યારે જરાય આગળ વધતી નથી. કામગીરી આગળ વધે તો વેપારીઓનું બુકિંગ આવે તો તેમાંથી લોનની રકમનું વ્યાજ અન મૂડી ચૂકવી શકાય તેમ છે. બીજું જમાલપુરની 16000 વારની જગ્યા વેચીને તેમાંથી પણ મૂડી ઊભી કરીને હુડકોની લોન ચૂકવી શકાય તેમ છે, પરંતુ બજારના હોદ્દેદારોની ચૂંટણી યોજવાના જ કોઈ આસાર ન મળતા હોવાથી બજારમાં ગમે ત્યારે આર્થિક રીતે નબળું પડીને પડી ભાંગે તો નવાઈ પામવા જેવું નહિ હોય.
સંજય પટેલ ચેરમેન પદે બેસતાં બેસતાં રહી ગયા
APMCની રાજનીતિના આંતરિક સુત્રો મુજબ નવા ચેરમેન બનવાં માટે હાઈકમાન્ડના ખાસ વિશ્વાસું ગણાતા બે આગેવાનો જ અંદરોઅંદર ઝગડ્યા હતા. માજી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તેમના પુત્ર સંજયને અમદાવાદ APMC નાં ચેરમેન પદે બેસાડી રાજનીતિમાં લાવવા માગતા હતા. પરંતુ એ સમયે જ હાઈકમાન્ડે તેમને ત્યાં નહીં બેસવા દેવા માટે સંજય પટેલનું ઉમેદવારી પત્ર પણ પાછું ખેંચાવાની ફરજ પાડી હતી.
કેતન પટેલ અને ભવાન ભરવાડે મનસ્વી રીતે ભરતીઓ કરી હતી
બીજી બાજુ આનંદીબહેને ચેરમેનપદે મુકેલાં કેતન પટેલ અને વાઈસ ચેરમેન તરીકે ભવાન ભરવાડ સામે 123થી વધુ કર્મચારીઓની મનસ્વી રીતે કરાયેલી ભરતીની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ ભાજપ હાઈકમાન્ડની રજૂઆતોથી સરકારે ડી.આર. સોલંકીને તપાસ સોંપી હતી. જેમાં કેતન પટેલ અને ભવાન ભરવાડ દોષિત ઠર્યા હતા. આથી કેતનનું રાજીનામું લઈ લેવાયું હતું.
ભવાન ભરવાડ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્તને પગલે દૂર કરાયા
પરંતુ ભવાન ભરવાડે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. આખરે 13 ડીસેમ્બર 2016ના રોજ તેમની સામે અવિશ્વાસનો ઠરાવ કરીને વાઈસ ચેરમેન તરીકે દૂર કરાયા હતા. ચેરમેન-વાઈસ ચેરમેનની વિદાય બાદ સરકારે 30મી જાન્યુઆરી 2017એ ચૂંટણી યોજવા માટે રજિસ્ટારને સૂચના આપી હતી. જેના આધારે ૨૩ ફેબુ્રઆરીએ ચેરમેનની ચૂંટણી યોજવાનો એજન્ડા બહાર પડાયો હતો.
ચુંટણી મોકુફ રખાઈ
ત્યારબાદ 21 ફેબ્રુઆરી 2017 એ જ ચૂંટણી યોજવાનો નિર્ણય મોકૂફ રખાયો હતો. સરકાર અવારનવાર ગુજરાત મોડેલ અને ઝડપી નિર્ણયોની વાતો કરતી આવી છે પણ ચેરમેન વાઈસ ચેરમેનની લટકી પડેલી નિમણૂંકમાં ભાજપ હાઈકમાન્ડે ચેરમેન પદનાં બે દાવેદારો બિપિન પટેલ અને હિતેશ બારોટ વચ્ચેની જૂથબંધી છે. જો કોઈ એકને મૂકે તો બીજાની નારાજગી વહોરવી પડે એમ છે. જેને લઇને નિર્ણય કરી શકાતો નથી.
હૂડકોની લોન આ વાતમાં ટલ્લે ચઢી છે
બીજી બાજુ આવી સ્થિતિને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળે છે. નોંધનીય છે કે, હાંકી કઢાયેલા ચેરમેન-વાઈસ ચેરમેને હુડકોમાંથી લોન લીધી હતી. જેનું મહિને 3 કરોડથી વધુ વ્યાજ ચૂકવવામાં આવે છે. હુડકોએ પણ APMC નાણાંકીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ તેમાં સુધારો કરવાનું જણાવ્યું છે.
શું હતુ ભરતી કૌભાંડ?
અમદાવાદ એપીએમસીમાં ભરતી કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં 2015માં એપીએમસીનાં ચેરમેન અને વાઈસ ચેરમેન દ્વારા 123 કર્મચારીઓનું ગેરકાયદે ભરતી કરવામાં આવી હતી. રાજ્ય સરકારમાં નિયામક દ્વારા સમગ્ર મામલાની તપાસ સોંપાઈ હતી. તપાસ કમિટીનાં રિપોર્ટમાં જ આવી ગેરરીતિ બહાર આવતાં સન્નાટો વ્યાપી ગયો હતો. જેના પગલે એપીએમસી કમિટી બેઠક પહેલા જ ચેરમેન કેતન પટેલે રાજીનામું આપી દીધું હતું.
ભરતી કર્યા બાદ અપાઈ હતી જાહેરાત
ભરતી બાદ છ મહિના પછી જાહેરાત અપાઈ હતી. રોજગારી કચેરીમાંથી 1200 ઉમેદવારોની યાદી મંગાવાઈ હતી. જેમાંથી એકને પણ પસંદગી કરાઈ નહોતી. જાહેરાત બાદ 520 ઉમેદવારોએ અરજી કરી હતી પણ તેમનાં ઈન્ટરવ્યૂ જ થયા નહોતા. ભરતી પ્રક્રિયાનું કૌભાંડ બહાર આવ્યા બાદ ભાજપનાં બે જૂથો સામસામે આવી ગયા હતા.તપાસ અધિકારીનાં મતે ભરતી કૌભાંડ માટે ચેરમેન-વાઈસ ચેરમેન જવાબદાર છે.