ahmedabad 7 year old girl extreme mobile addiction is an eye opener incident for parents
ચેતી જજો /
7 વર્ષની બાળકીને મોબાઈલ આપવો પડ્યો ભારે, કર્યુ એવું કે પરિવારજનો આઘાતમાં
Team VTV06:46 PM, 30 Oct 19
| Updated: 09:09 PM, 30 Oct 19
બાળકો પોતાનાં કામમાં ડિસ્ટર્બ ન કરે તે માટે માતા પિતા તેમને મોબાઈલ પકડાવી દેતાં હોય છે. અમદાવાદનાં એક માતા પિતાને 7 વર્ષની દીકરીને મોબાઈલ આપવો ભારે પડ્યો. 7 વર્ષની દીકરીના વર્તનમાં એવું જોવા મળી રહ્યું હતું કે પરિવાર હેરાન રહી ગયો હતો. આખરે પરિવારને 181 અભયમ્ હેલ્પલાઈનનો સંપર્ક કરવો પડ્યો ત્યારે જાણો સમગ્ર આંખ ઉઘાડનારા કિસ્સા વિશે...
7 વર્ષની ક્રિના ટિકટોક જોઈ એ પ્રમાણે વર્તતી હતી
માતા પિતાએ જ તેને મોબાઈલ એડિક્ટેડ બનાવી
ક્રિનાનું વળગણ છોડાવવા તેન અન્ય એક્ટિવિટીમાં વ્યસ્ત રખાશે
7 વર્ષની બાળકીમાં 1 વર્ષથી પરિવર્તન આવ્યું હતું
અમદાવાદનાં નવરંગપુરામાં રહેતાં પ્રોફેસર રીના, બિલ્ડર પતિ રાહુલ, સાસુ- સસરા તથા 7 વર્ષની દીકરી ક્રિના અને 4 મહિનાનાં દિકરા સાથે રહેતી હતી. રીનાં દીકરી ક્રિનાને લઈને તેની સ્કુલ તથા આસપાસથી આવતી ફરિયાદોથી કંટાળી ગઈ હતી. ક્રિનાનું વર્તન છેલ્લાં 1 વર્ષથી એવું થઈ ગયું હતું તેના કાઉન્સેલિંગ માટે તેણે મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગી. કાઉન્સેલિંગમાં કંઈક એવું સામે આવ્યું કે માતા પિતાને પોતાની ભૂલ સમજાઈ.
ક્રિના ટિકટોક જોઈ એ પ્રમાણે વર્તતી હતી
મહિલા હેલ્પલાઈન 181નાં કાઉન્સેલર બિનલબેન જ્યારે ક્રિનાની મદદે ગયા અને તેનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે તેમને ખબર પડી કે ધો-2માં અભ્યાસ કરતી ક્રિના મોબાઈલ એડિક્ટેડ છે. ક્રિનાં રોજનાં કલાકોનાં કલાકો મોબાઈલમાં વિતાવતી હતી. તેની સ્કૂલમાંથી ટિચર્સની ફરિયાદો આવતી હતી કે ક્રિનાં સ્કૂલમાં બાળકો સાથે ખૂબ મારઝુડ કરે છે. ક્રિના તેની આસપાસ બાળકો તથા મિત્રો સાથે પણ મોબાઈલ અને તેનાં વીડિયો વિશે વાત કરે છે. ક્રિના મોબાઈલમાં ગેમ, ટિકટોક, રિયાલીટી શો અથવા ડાન્સનાં વીડિયો તથા બીજી અન્ય કાર્ટૂન વગેરેના વીડિયો જોતી હતી. તે વીડિયો જોઈ તે પ્રમાણે વર્તન કરતી.
ક્રિનાની આદત માટે માતા પિતા જવાબદાર હોવાનું આવ્યું સામે
ક્રિનાના કાઉન્સેલિંગ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે તેની આ આદત માટે તેનાં માતા પિતા જવાબદાર હતા. ક્રિનાનાં પરિવારમાં નાના બાળકને પણ તમે કહીને બોલાવવામાં આવતું હતું. ત્યારે ક્રિના વડીલોને પણ તોછડાઈથી બોલાવવા લાગી હતી. મોટા ભાગે ક્રિના દાદા પાસે જીદ કરીને મોબાઈલ વાપરતી હતી. જો તેને મોબાઈલ આપવામાં ન આવે તો તે રડવા લાગતી હતી. મોબાઈલમાંથી તેની કોઈ ગેમ ડિલીટ કરવામાં આવી હોય તો તે જાતે ડાઉનલોડ કરી લેતી હતી. તેની આ હરકતથી પરિવાર હેરાન થઈ ગયો હતો.
પિતાના ગુસ્સાવાળો સ્વભાવ ભારે પડ્યો
કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું હતું કે જ્યારે ક્રિના નાની હતી ત્યારે તેનાં પરિવારજનો જ તેને જમાડવા કે કપડા બદલાવવા જેવા કામ પાર પાડવા મોબાઈલ પકડાવી દેતા હતાં. તો ક્યારેક ટીવી ચાલુ કરી દેતા હતાં. તેથી જ તેને ટીવી અને મોબાઈલનું વળગણ લાગ્યું છે. જો તેની મમ્મી તેનાં બેડરુમનું ટીવી બંધ કરે તો તે દાદાના બેડરુમમાં જઈને ટીવી જોવા લાગતી. ક્રિનાનાં પિતા ગુસ્સાવાળા સ્વભાવનાં હતા. બીજી તરફ પરિવારજનો ક્રિનાને કહેતા કે તું તારાં પપ્પાની ઝેરોક્ષ છે. એટલે એ વાત ક્રિનાનાં મનમાં ઘર કરી ગઈ અને તેણે કહ્યું તમે જ તો કહો છો કે હું પપ્પાની ઝેરોક્ષ છું તો મને પણ ગુસ્સો આવે ને... આ વાતથી માતા પિતા દંગ રહી ગયાં હતા.
ક્રિનાને એવુ લાગવા લાગ્યું હતું કે માતા પિતા તેને પ્રેમ નથી કરતાં
ક્રિનાને 4 મહિનાનો ભાઈ છે જેને લઈને માતા પિતા થોડા વ્યસ્ત રહેતાં હતાં. જેથી તેને લાગ્યું કે ભાઈ આવી ગયો એટલે તેનું મહત્વ નથી રહ્યું. ક્રિનાની મમ્મીએ જણાવ્યું હતું કે તેઓ પ્રેગ્નેન્ટ હતાં એટલે ક્રિનાને બહાર લઈ જવાનું બંધ કર્યું હતું. તેમજ દાદા- દાદી લઈ જઈ શકે તેમ નહોતા. એ બાદ 4 મહિનાં પહેલાં અમારે ઘરે દીકરાનો જન્મ થતાં તેની સાર સંભાળમાં રાખતાં હોવાથી ક્રિનાને એવું લાગે છે કે અમે તેનું ધ્યાનથી રાખતાં. ક્રિના હોમ વર્ક નથી કરતી. તેને પેઈન્ટિગનો શોખ હોવા છતાં તેને પેઈન્ટિગ કરવાનું કહીએ ત્યારે કોઈકને કોઈક વસ્તુ ખોઈ નાંખતી હતી. જેથી પેઈન્ટિગ ન કરવી પડે.
ક્રિનાને ગમતી અન્ય એક્ટિવિટી કરાવવામાં આવશે
અંતે કાઉન્સેલિંગ બાદ માતા પિતાએ દીકરી પર ધ્યાન આપવાની બાંહેધરી આપી. ક્રિનાને બિનલબહેને કહ્યું કે તને અઠવાડિયામાં 6 દિવસ અડધો કલાક ટીવી જોવા દેવામાં આવશે. તેમજ 1 દિવસ 30 મિનિટ મોબાઈલ વાપરવા દેવામાં આવશે. જ્યારે તું મોબાઈલ વાપરીશ ત્યારે તારી મમ્મી બાજુમાં બેસશે. ત્યારે ક્રિનાએ તમામ શર્તો માની કહ્યું હતું કે મને બીજી એક્ટિવિટી કરાવવી પડશે. જેથી તેનાં માતા પિતાએ તેને ડાન્સ પસંદ હોઈ ડાન્સ ક્લાસમાં મોકલવાનું નક્કી કર્યું હતું.
(પાત્રોનાં નામ બદલેલ છે.)
સ્ટોરી : ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ