શહેરના મણિનગરની દક્ષિણી સોસાયટી પાસેના રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા બે વિદ્યાર્થી ટ્રેનની અડફેટે આવતાં એકનું મોત થયું છે જ્યારે બીજો વિદ્યાર્થી ગંભીર છે.મણિનગરની દક્ષિણી સોસાયટી અંડરપાસ નજીકના રેલવે ટ્રેક પર અકસ્માતના બનાવ વધી જતાં સ્થાનિકો બંને સાઇડમાં દીવાલ કરવા માગ કરી રહ્યા છે.
મણિનગર રેલ્વે ફાટક પર અકસ્માતની ઘટના
2 વિદ્યાર્થીઓના ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે 1નું આવતા થયાં મોત
સ્થાનિકોએ ઊંચી દિવાલ બનાવવાની કરી માગ
મણિનગરના ગોરધનવાડી વિસ્તારમાં રહેતા અને હાથીજણની આનંદ નિકેતન સ્કૂલના ધો.૧૦ના છ જેટલાં વિદ્યાર્થી અને વિદ્યાિર્થનીઓ મણિનગર દક્ષિણી સોસાયટી રેલવે ક્રોસિંગ પાસેના પિંકી એપાર્ટમેન્ટના ટ્યૂશન કલાસમાં રોજ રિક્ષામાં આવતા જતા હતાં.
બે વિદ્યાર્થીઓ ફાટક ઓળંગી કરી રહ્યા હતા રસ્તો ક્રોસ
સાંજના કલાસ પતાવી વિદ્યાર્થીઓ ઘરે જવા નીકળ્યા ત્યારે રિક્ષા રેલવે ટ્રેક સામે ઊભી રહી હતી. તેથી ચાર વિદ્યાર્થીઓ અંડરપાસમાંથી ચાલી સામેની બાજુ જવા નીકળ્યા હતા જ્યારે બે વિદ્યાર્થીઓ ફાટક ઓળંગી સામે તરફ જતા હતા.
1 વિદ્યાર્થીનું મોત
દરમિયાનમાં જબલપુર-સોમનાથ એક્સપ્રેસ પસાર થતાં ફાટક ઓળંગી રહેલા બંને વિદ્યાર્થીઓ તનીશ સુરાણા અને સંયમ જૈન ટ્રેનની અડફેટે આવ્યા હતા, જેમાં તનીશનું મોત થયું હતું જ્યારે સંયમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ લઇ ગયા હતા.
ઊંચી દીવાલ બનાવવા માગ
આ ઘટના બાદ મણિનગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ અમુક અંતર સુધી ફાટકની બંને બાજુ સિમેન્ટની ઊંચી દીવાલ બનાવવા માગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છાશવારે ટ્રેનની અડફેટે આવતા લોકોનાં મોતની ઘટનાઓ સતત વધી રહી છે. જો ફાટકની આસપાસ ઊંચી દીવાલ હોય તો કોઈ ફાટક ઓળંગે નહીં અને આવી ઘટનાઓ બનતી રોકી શકાય.