Agriculture Minister Raghavji announced in the Assembly House
BIG BREAKING /
ડુંગળી-બટાકાના ભાવ અને કમોસમી માવઠાથી થયેલા નુકસાન અંગે ગુજરાત સરકારની મોટી જાહેરાત, જાણો શું લીધો મોટો નિર્ણય
Team VTV10:16 AM, 07 Mar 23
| Updated: 07:04 PM, 07 Mar 23
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ડુંગળી અને બટાકાના ભાવો મામલે વિધાનસભામાં મોટી જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર ખેતીમાં થયેલા નુકસાનનો કરશે સર્વે
રાજ્યભરમાં ખેતીમાં થયેલા નુકસાનના સર્વે માટે કર્યા આદેશ
ડુંગળી અને બટાકાના ભાવો મામલે વિધાનસભામાં મોટી જાહેરાત
કૃષિમંત્રી રાઘવજીએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી
રાજ્યભરના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાબકેલા કમોસમી વરસાદને લઈ ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે ડુંગળી-બટાકાના ભાવ મામલે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે.
કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને રાજ્યના ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. ૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે.
આજે વિધાનસભા ખાતે જાહેર અગત્યની બાબત નિયમ-૪૪ અંતર્ગત નિવેદન રજૂ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ ૨૦૨૩ લાલ ડુંગળીનું અંદાજિત ૭.૦૦ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદનની શક્યતા છે. ફેબ્રુ.૨૩ માસમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અંદાજિત લાલ ડુંગળીની ૧.૬૧ લાખ મેટ્રિક ટન આવક થઈ છે. તેમજ કુલ ૭.૦૦ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના ઉત્પાદન સામે સૌરાષ્ટ્ર વિસ્તારની એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે ૩.૫૦ લાખ મેટ્રિક ટન જથ્થા માટે ગત વર્ષની સહાય યોજનાના ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત રૂ. ૭૦.૦૦ કરોડ રકમની સહાયની જાહેરાત કરી હતી.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ડુંગળીના નિકાસમાં સહાય આપવા મળેલ રજુઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)માં નોંધાયેલ ખેડુતો /વેપારીઓને લાલ ડુંગળી અન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવે છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત ૨.૦૦ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે રૂ.૨૦.૦૦ કરોડની સહાય જાહેર કરીએ છીએ.
મંત્રીએ બટાટાના વધુ ઉત્પાદનના કારણે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હોવાનું જણાવ્યું હતું. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની ખેડૂતહિતલક્ષી સંવેદનશીલ સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ રૂ.૨૪૦ કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગ-અલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
મંત્રીએ બટાટાને અન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય અંતર્ગત ખેડુતો/વેપારીઓને બટાટા અન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં સહાય માટેની શરતો અંગે વિગતવાર માહિતી આપી હતી. રોડ ટ્રાન્સપોર્ટથી કરે તો રૂ. ૭૫૦/- સહાય પ્રતિ મેટ્રીક ટન, રેલ્વે મારફત કરે તો વાહતુક ખર્ચના ૧૦૦ ટકા અથવા રૂ.૧૧૫૦/- સહાય પ્રતિ મેટ્રીક ટનની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે અને દેશ બહાર નિકાસ કરે તો કુલ વાહતુક ખર્ચના ૨૫ ટકા અને રૂ.૧૦.૦૦ લાખની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આમ, વાહતુક સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦.૦૦ કરોડ રકમની સહાય કરવામાં આવશે.
રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતોને સહાય અંતર્ગત મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરે તો પ્રતિ કિલો રૂ. ૧/- લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ અને વધારેમાં વધારે ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧/૦૨/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે તો સહાય આપવામાં આવશે.આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦૦.૦૦ કરોડ રકમની સહાય કરવામાં આવશે.
રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને સહાય અંગે મંત્રીએ માહિતી આપી હતી કે, રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ એટલે કે એક કિલોગ્રામ એ રૂ. ૧/- અને વધારેમાં વધારે ખેડૂત દીઠ ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ) ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧/૦૨/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીના સમયગાળા માટે આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦.૦૦ કરોડ રકમની સહાય આપવામાં આવશે.
ડુંગળી-બટાકાના ભાવ મામલે મોટી જાહેરાત
રાજ્ય સરકારે ખેડૂતોને 70 કરોડની સહાયની જાહેરાત કરી છે. આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાંથી જાહેરાત કરતા જણાવ્યું છે કે, 'ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી આપવામા આવશે. ખેડૂતોને 70 કરોડની સહાય આપવામાં આવશે. ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કીલો માટે સહાય મળશે. સરકાર એક કિલોએ 2 રૂપિયાની સહાય આપશે. બટાકા અન્ય દેશમાં એક્સપોર્ટ કરવા પર 25 ટકા સહાય આપવામાં આવશે.' મહત્વનું છે કે, ગત 14 ફેબ્રુઆરીથી ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે લાલ ડુંગળી માટે સરકારે આ જાહેરાત કરી છે.
ખેતીમાં થયેલા નુકશાનનો કરશે સર્વે
આ સાથે જ કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર કમોસમી વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરાવશે. રાજ્યભરમાં ખેતીમાં થયેલા નુકશાનનો સર્વે માટે રાજ્ય સરકારે આદેશ કર્યા છે.
રાઘવજી પટેલ (કૃષિમંત્રી, ગુજરાત રાજ્ય)
APMCના આગેવાનોએ કરી હતી રજૂઆત
નોંધનીય છે કે, રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોને થઇ રહેલા નુકસાન સંદર્ભે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં એપીએમસીના આગેવાનોએ કરેલી રજૂઆતને ગંભીરતાથી સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. જે બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે ડુંગળીને લઈ કેટલાક સંકેત આપ્યા હતાં.
કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યા હતા સંકેત
રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોને થઇ રહેલા નુકસાન મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્યો તેમજ ખેડૂત આગેવાનોએ ડુંગળીના ભાવથી નુકસાની બાબતે રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે રજૂઆતને મુખ્યમંત્રીએ ખૂબ જ સહાનુભૂતિથી સાંભળી અને ખેડૂતો હિતમાં નિર્ણય લેવામાં આવશે તેવો હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે તેમ પણ રાઘવજી પટેલે કહ્યું હતું.