After the new government, Nitish Kumar in flower action mode, took action against more than 600 officials
બિહાર /
નવી સરકાર બાદ નીતિશ કુમાર ફૂલ એક્શન મોડમાં, 600થી વધુ અધિકારીઓ વિરુદ્ધ કરી આ કાર્યવાહી
Team VTV07:26 PM, 03 Dec 20
| Updated: 07:31 PM, 03 Dec 20
નવી સરકાર આવતા જ બિહારમાં નીતિશ કુમાર હવે એક્શનમાં દેખાઈ રહયા છે, ચૂંટણીમાં આપેલા વાયદા અને પોતાની સ્વચ્છ સુશાસન બાબુની છબી પ્રમાણે હવે તેમણે કાર્યવાહી કરવાનું શરુ કરી દીધું છે. ભ્રષ્ટાચારમાં લિપ્ત પોલીસ અધિકારીઓ વિરુદ્ધ બિહારમાં કડક કાર્યવાહી ચાલુ થઇ ગઈ છે.
બિહારમાં સરકાર હવે એક્શન મોડમાં
600થી વધુ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કરાઇ કાર્યવાહી
85 પોલીસ અધિકારીઓને પાણીચું પકડાવી દેવાયું
ભ્રષ્ટાચારના મામલે ઝીરો ટોલરેંસ નીતિ અપનાવતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહીની મંજૂરી આપી હતી, મળતી માહિઓટી પ્રમાણે તેમણે 85 પોલીસ કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું હતું, આ અધિકારીઓમાં સિપાહી, હવલદારથી માંડીને આઇપીએસ કક્ષાના ઓફિસરો સામેલ છે.
જાન્યુઆરીથી નવેમ્બર 2020 સુધીમાં થઈ કાર્યવાહી
બિહાર સરકારે બહાર પાડેલા નોટિફિકેશન અનુસાર 85 પોલીસકર્મીઓ વિરુદ્ધ દારૂબંધી નિયમના ઉલ્લંઘન, ગેરકાયદે રેતી ખનન અને જમીન વિવાદમાં પૈસા પડાવવાની કાર્યવાહીમાં સામેલ હોવાના પુરાવાઓ મળ્યા હતા જે બાદ તેમને રાજ્યની પોલીસ સેવામાંથી બરખાસ્ત કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર આ કાર્યવાહી જાન્યુઆરી થી નવેમ્બર 2020 ના સમય દરમિયાન કરવામાં આવી છે.
પોલીસ હેડક્વાર્ટર દ્વારા મળી રહેલી જાણકારી અનુસાર બે આઇપીએસ અધિકારીઓને સજા ફરમાવવામાં આવી છે જ્યારે કે ચાર વિરુદ્ધ હજુ ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી ચાલી રહી છે. બિહાર પોલીસ સેવાના 7 અધિકારી વિરુદ્ધ પણ કાર્યવાહી થઇ છે જ્યારે કે 25ની સામે હજુ વિભાગીય તપાસ અને કામગીરી ચાલી રહી છે.
600 થી વધુ અધિકારીઓ પર આકરી કાર્યવાહી
બિહાર પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 606 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ચલાવાઈ રહી છે, જ્યારે કે અન્ય 48 જેટલા કર્મચારીઓને આરોપોની સામે ઓછી સજા મળી હતી જેની ફરીથી તપાસ અને સમીક્ષા કરીને વધુ સજા આપવામાં આવી છે, આમ બિહારમાં અત્યાર સુધીમાં કુલ 600થી વધુ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ અલગ અલગ નિયમોને આધીન કાર્યવાહી કરવામાં આવી છે, અને પોલીસ વિભાગે જણાવ્યું હતું તેમ હજુ ઘણા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી વિચારાધીન છે.