After the defeat in the elections, Congress formulated a new strategy, under the chairmanship of Jagdish Th
માર્ગદર્શન /
ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે ઘડી નવી રણનીતિ, જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં લોકો વચ્ચે જવાના મુદ્દા તૈયાર કરાયા, બજેટ સત્રમાં ઘમાસાણ નક્કી
Team VTV07:06 PM, 06 Feb 23
| Updated: 07:28 PM, 06 Feb 23
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર બાદ પ્રવક્તાઓને મજબૂત સ્ટેન્ડ રાખવા માટે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવક્તાઓને દિગ્ગજ નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચૂંટણીમાં હાર બાદ ફરી બેઠી થવાનો કોંગ્રેસનો પ્રયાસ
બેઠકમાં તમામ TV મીડિયામાં જતા પ્રવક્તાઓ રહ્યા હાજર
આવતીકાલથી અમદાવાદ ખાતે કોંગ્રેસની ‘હાથ સે હાથ જોડો’ યાત્રા શરૂ થશે
ચૂંટણીમાં હાર બાદ ફરી બેઠી થવાનો કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તાઓને મજબૂત સ્ટેન્ડ રાખવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા તેમજ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોરે પણ માર્ગદર્શન આપ્યું હતું. જે બેઠકમાં તમામ ટીવી મીડિયામાં જતા પ્રવક્તાઓને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા પેપરલીંક, ભ્રષ્ટ્રાચાર સહિતના મુદ્દાઓને પ્રજાની વચ્ચે મુકવા માર્ગદર્શન આપ્યું હતું.
કોંગ્રેસનો ફરી બેઠા થવાનો પ્રયાસ
કોંગ્રેસ રાજ્યના દરેક ઘરમાં રાહુલ ગાંધીનો સંદેશો પહોંચાડશે
કોંગ્રેસની ભારત જોડો યાત્રા પુરી થયા પછી 1 ફેબ્રુઆરીથી ‘હાથ સે હાથ જોડો’ યાત્રા શરૂ થઇ ચુકી છે. આ યાત્રામાં કોંગ્રેસ રાજ્યના દરેક ઘરમાં રાહુલ ગાંધીનો સંદેશો પહોંચાડશે. ‘ભારત જોડો યાત્રા’થી પ્રેરાઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ‘હાથ સે હાથ જોડો’ યાત્રા દ્વારા સૌ કોઈના હાથ સાથે હાથ મિલાવીને કોંગ્રેસ તેમની સાથે છે તેવી હૈયાધારણા અપાશે. અમદાવાદ શહેરમાં પણ કોંગ્રેસ સમિતિ ‘હાથ સે હાથ જોડો’ યાત્રા શરુ કરશે જેમાં ગાંધી આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી આ યાત્રા શરૂ થશે. જેમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાશે. આ અંગે અમદાવાદ કાર્યાલય ખાતે કોંગ્રેસે બેઠક પણ યોજાઈ ગઈ છે.
TV મીડિયામાં જતા પ્રવક્તાઓને માર્ગદર્શન આપ્યું
અમદાવાદમાં આવતીકાલથી કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા શરૂ થશે
અમદાવાદ શહેરમાં કોંગ્રેસ સમિતિ ‘હાથ સે હાથ જોડો’ યાત્રા શરુ કરશે જેને લઈ અમદાવાદ કાર્યાલય ખાતે કોંગ્રેસે બેઠક યોજી છે. જેમાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત અનેક કાર્યકરો હાજર રહ્યાં છે. આ અંગે કોંગ્રેસના ઉપપ્રમુખ બિમલ શાહે થોડા સમય અગાઉ નિવેદન પણ આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં 7 તારીખ એટલે કે આવતીકાલથી કોંગ્રેસની 'હાથ સે હાથ જોડો' યાત્રા શરૂ થશે અને જે ગાંધી આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી નીકળશે. બિમલ શાહે કહ્યું કે, અમદાવાદ શહેરના કોંગ્રેસના કાર્યકરો યાત્રામાં જોડાશે. ભારત જોડો યાત્રાની તર્જ પર 'હાથ સે હાથ જોડો યાત્રા'ની શરૂઆત થશે.