નવું વર્ષ જ્યાં કેટલાક સારાં સમાચાર લઈને આવ્યું છે, ત્યાં સામાન્ય વ્યક્તિને વર્ષ 2020માં મોંઘવારીનો સામનો પણ કરવો પડશે. 2020ના ઉનાળામાં આઈસક્રીમ ખાવા માટે તમારે વધુ પૈસા આપવા પડશે. દેશની પ્રમુખ આઈસક્રીમ ઉત્પાદન કંપનીઓ તેમની આઈસક્રીમના રેટમાં 8-15 ટકાનો વધારે કરવા જઈ રહી છે. વધતી મોંઘવારીને કારણે સ્કીમ્ડ મિલ્ક પાઉડરના ભાવમાં વધારો થવાને કારણે કંપનીઓએ આ નિર્ણય લીધો છે.
સામાન્ય વ્યક્તિ પર વધશે મોંઘવારીનો બોજ
વર્ષ 2020માં મોંઘી થશે આઈસક્રીમ
ઉનાળામાં આઈસક્રીમની મજા માણવા આપવા પડશે વધુ પૈસા
મોંઘવારી વધતાં વધ્યા આઈસ્ક્રીમના ભાવ
મળતી માહિતી પ્રમાણે અમૂલ તેના આઈસક્રીમના ભાવમાં 8-9 ટકા અને વાડીલાલ 8-10 ટકા સુધીનો વધારો કરી શકે છે. મધર ડેરી પણ 8-10 ટકા સુધીનો વધારો કરવાની છે. કંપનીઓનું કહેવું છે કે, હાઈ સ્કિમ્ડ મિલ્ક પાઉડર (એસએમપી)નો ભાવ સપ્ટેમ્બર 2019માં 230 રૂપિયા પ્રતિ કિલો હતો. જ્યારે ડિસેમ્બરમાં તેની કિંમત વધીને 330 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. જેનાથી અનેક આઈસક્રિમ નિર્માતા કંપનીઓમાં દબાણ વધ્યું છે.
ડેરી વિભાગ પરિસ્થિતિઓની તપાસ કરશે
આ ભાવવધારો માત્ર આઈસક્રીમમાં જ નહીં પણ સમગ્ર ફ્રોઝન મિલ્ક પોર્ટફોલિયોમાં થવાનો છે. 3 જાન્યુઆરી એટલે કે શુક્રવારે પશુપાલન અને ડેરી વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસ્બેન્ડ્રી એન્ડ ડેરી)ની બેઠક થવાની છે. જેમાં દૂધની વધતી કિંમતો પર ચર્ચા થશે.
મધર ડેરી અને અમૂલે વધાર્યા દૂધના ભાવ
ડિસેમ્બર મહિનામાં મધર ડેરીએ દિલ્હીમાં દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. જ્યારે અમૂલે દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવવધારા પાછળ ઘાસચારો અને અન્ય ખર્ચની કિંમતોમાં વધારો જણાવ્યો હતો.