બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After Ambaji temple now decision in Pavagadh Mahakali temple
Malay
Last Updated: 10:02 AM, 14 March 2023
ADVERTISEMENT
અંબાજી મંદિર બાદ વધુ એક મંદિરમાં પ્રતિબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આગામી તારીખ 20 માર્ચથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે.
છોલેલું શ્રીફળ વેચવા પર પ્રતિબંધ
ભક્તોએ મંદિરમાં શ્રીફળ જાતે ચડાવી ચૂંદડી સાથે ઘરે લઇ જવાનું રહેશે. આ સાથે જ મંદિરની આસપાસ કોઈ વેપારીઓ પણ છોલેલું શ્રીફળ વેંચી શકશે નહીં. જો વપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. વેપારી સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા ન રાખવા બદલ કાર્યવાહી કરાશે. શક્તિ દ્વારથી જ સિક્યુરીટી ગાર્ડ દ્વારા ભક્તોને તપાસીને અંદર પ્રવેશ અપાશે. સિક્યુરીટી ગાર્ડ સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરીયાદ કરાશે.
ADVERTISEMENT
વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ
કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ તમામ ભક્તો માટે આગામી 20 માર્ચથી લાગુ પડશે. આ નિર્ણયને પગલે સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢની અગત્યની સૂચના
આજ તારીખ 14/3/23ના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવે છે કે (1) તારીખ 20/3/23 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. (2) મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદણી સાથે ઘરે લઈ જવાનું રહેશે. (3) ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે. અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો. (4) જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. (5) મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં. જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી. (6)સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
મોહનથાળ બંધ કરી ચિક્કી આપવામાં આવતા ઠેર-ઠેર વિરોધ
આપને જણાવી દઈએ કે, આ પહેલા અંબાજી મંદિરના ટ્ર્સ્ટ દ્વારા પ્રતિબંધિત નિર્ણય લેવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં પ્રસાદી તરીકે વર્ષોથી અપાતો મોહનાથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ કરી તેની જગ્યાએ ચિક્કી આપવામાં આવતા ઠેર ઠેર તેનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દાંતાના સ્ટેટ રાજવીએ મોહનથાળ પ્રસાદને ચાલુ કરવાની ફરી માંગ કરી હતી. તેમણે આ મામલે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કર્યા હતા. આ ટ્વિટમાં લખ્યું હતું કે, 'સમ્માનનીય વડાપ્રધાન સાહેબ જય માતાજી સાથે વિનંતી કે, અંબાજી શક્તિપીઠ દુનિયામાં જગ વિખ્યાત છે અને ત્યાં મળતો મોહનથાળ પણ 900 વર્ષ અગાઉથી આસ્થા સાથે જોડાયેલ છે તે બંધ કરવો તે યોગ્ય ન હોય આપે હવે હસ્તક્ષેપ કરવો હવે જરૂરી છે. કારણ કે ભક્તોની આસ્થા હવે ખૂટે છે.'
મોહનથાળના પ્રસાદને લઈને ઋષિકેશ પટેલે મૌન તોડ્યું
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. ત્યારે વિવાદને લઈ મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલએ મૌન તોડીને કહ્યું હતું કે યાત્રાધામ અંબાજી હિન્દુઓ માટે આસ્થાનું પ્રતિક છે. ઉપવાસના સમયમાં મોહનથાળ લઈ શકાતો નથી. તેમજ મોહનથાળ 10 દિવસ સુધી ચાલે છે. જેની સરખામીએ ચિક્કી 3 મહિના સુધી ચાલી શકે છે. ઉપરાંત ઋષિકેશ પટેલએ કહ્યું હતું કે સ્પેશિયલ પ્રકારનો માવો અને સિંગદાણાથી ચિક્કી બનેલી છે. પ્રસાદ આસ્થાનો વિષય છે મોઢાને સ્વાદિષ્ટ લાગે એના માટેની મીઠાઈ નથી. ઓનલાઈન દર્શન કરનારાને પણ ચિક્કી આપી શકાય તેવું ઋષિકેશ પટેલએ કહ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.