વડોદરામાં ગર્ભવતી મહિલા સ્વાઇન ફ્લૂના ઈન્ફલ્યુએન્ઝા વેરિયન્ટથી સંક્રમિત થતાં ખળભળાટ મચી જવા પામી છે. હાલ મહિલાને SSG હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડ(આઈસોલેશન વોર્ડ)માં દાખલ કરવામાં આવી છે. લાંબા સમય બાદ ઇન્ફ્લ્યુએન્ઝાનો કેસ નોંધાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. મહત્વનું છે કે, H3N1 વાયરસ ભૂતકાળમાં અનેક લોકોના ભોગ લઈ ચૂક્યો છે.
SSG હોસ્પિટલના આઈસોલેશન વોર્ડ દાખલ
આ અંગે માહિતી આપતા સયાજી હોસ્પિટલના સિનિયર તબીબી અધિકારી ઓસમાન બેલીમે જણાવ્યું છે કે, વાઘોડિયા રોડની 25 વર્ષીય ગર્ભવતી પરિણીતા H3N1થી સંક્રમિત થઈ છે. હાલ દર્દીની SSG હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડ (આઈસોલેશન વોર્ડ)માં સારવાર ચાલી રહી છે. ગર્ભવતી મહિલા દર્દીમાં શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો સ્વાઈન ફ્લૂ જેવા જ હોય છે.
ડો. ઓસમાન બેલીમ
મહિલા દર્દીની તબિયત હાલ સ્થિરઃ ડોક્ટર બેલીમ
તેઓએ વધુમાં જણાવ્યું કે, આ મહિલા દર્દીની તબિયત હાલ સ્થિર છે. તેમનામાં કઈ ગંભીરતા જોવા મળી નથી. તેમને 4-5 દિવસ બાદ રજા આપી દેવામાં આવશે. પાંચ સાત વર્ષ બાદ આ પ્રકારના કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લક્ષણો
- એકાએક ઠંડી સાથે 101થી 104 ડિગ્રી તાવ આવવો
- બે-પાંચ દિવસ સુધી તાવ ન ઉતરવો
- માથા ગળા અને સ્નાયુમાં દુખાવો થવો
- સૂકી ઉધરસ આવવી
- નાક અને આંખમાંથી સતત પાણી પડવું
બચવાના ઉપાયો
- દર્દીથી 6થી7 ફૂટ દૂર રહેવું
- બહારથી ઘરમાં આવ્યા બાદ સાબુથી હાથ ધોવા
- છીંક કે ઉધરસ આવે ત્યારે મોં આગળ રૂમાલ રાખવો
- પૂરતી ઊંઘ લેવી
- ઉપવાસ કે એકટાણાં કરવા નહીં
- લીંબુ શરબત કે અન્ય પ્રવાહી વધારે લેવું
- પ્રોટીનયુકત ખોરાક લેવો
- શક્ય હોય ત્યાં સુધી ભીડમાં જવાનું ટાળવું