રાજસ્થાનના બાડમેર જિલ્લાના ખેડૂતો હવે ભારત-પાક.સરહદની પેલે પાર જઈને પોતાની જમીન પર ખેતી કરી શકશે. BSF એ તેને માટે તૈયારીઓ શરુ કરી દીધી છે.
તારબંધીની પેલે પાર 8 કલાક સુધી ખેડૂતો ખેતી કરી શકશે
28 વર્ષ બાદ પહેલી વાર ખેડૂતો માટે ખુલશે ભારત-પાક બોર્ડર
તારબંધીની અંદર જઈને ખેડૂતો ખેતી અને સિંચાઈ કરી શકશે
પંજાબની જેમ બાડમેરના ખેડૂતોને પણ ખેતી માટે પાસ આપશે BSF
ભારત પાકિસ્તાન સરહદની તારબંધીને કારણે પશ્ચિમી રાજસ્થાનના ખેડૂતો પોતાની જમીન પર ખેતી કરી શકતા નહોતા. પરંતુ હવે તેમને આ હક મળી રહ્યો છે.
1992 માં થઈ હતી તારબંધી
હકીકતમાં સરહદી બાડમેરમાં બીએસએફની પહેલને કારણે 28 વર્ષ બાદ ભારત-પાકિસ્તાન બોર્ડરની તારબંધી તથા ઝીરો પોઈન્ટની વચ્ચેની હજારો ખેડૂતોની લાખો વીઘા જમીનનો હક હવે ખેડૂતોને મળી રહ્યો છે. રાજસ્થાનાં 1992 માં શરુ થયેલી તારબંધી બાદ હજારો ખેડૂતોની જમીન ઝીરો પોઈન્ટ અને તારબંધીની વચ્ચે જતી રહી હતી. હવે બીએસએફે ખેડૂતોને તેમની આ જમીન પર ખેતી કરવાની છૂટ આપી દીધી છે.તેને માટે બીએસએફ દ્વારા નવા ગેટ પણ બનાવાયા છે અને ખેડૂતોને આઈડી કાર્ડ અપાશે તે દેખાડીને તેઓ સરહદની પેલે પાર જઈ શકશે.
ટ્યુબવેલથી પણ ખેતી કરી શકાશે
ખાસ વાત એ છે કે ફક્ત વરસાદી ખેતી જ નહી પરંતુ ટ્યુબવેલથી પણ ખેતી કરી શકાશે. તેને માટે ખેડૂતો અંદર સુધી પાઈપલાઈન પણ લઈ જઈ શકશે. સુરક્ષાની દ્રષ્ટિને અત્યંત મહત્વપૂર્ણ આ વિસ્તારમાં ખેતી માટે જતા-આવતા ખેડૂતો પર બારીકાઈથી નજર રાખવામાં આવશે તથા તેમની તપાસ કરવામાં આવશે.
100 મીટર અંદર સુધી થઈ હતી તારબંધી, વળતર ફક્ત 4 મીટર સુધીનું મળ્યું હતું
ભારતે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર 100 મીટરની અંદર તારબંધી કરી હતી પરંતુ ખેડૂતોને ફક્ત 4 મીટર જમીનનું વળતર મળ્યું હતું. બાકીની જમીન 28 વર્ષથી ખેડૂતોના ખાતે નોંધાયેલી છે પરંતુ ખેડૂતો પર ખેતીનો પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
11468 વીઘા જમીન આ વિસ્તારમાં ફસાયેલી છે
બોર્ડર તારબંધી તથા ઝીરો લાઈનની વચ્ચે લગભગ 11468 વીઘા જમીન ફસાયેલી છે. 28 વર્ષથી આ જમીનનું કોઈ વળતર મળ્યું નથી. ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી. સરકારી રેકોર્ડમાં આ જમીન ખેડૂતોને ખાતે નોંધાયેલી છે, ખેડૂતો તેમની જમીન લેવા માટે છેક કેન્દ્રથી માંડીને રાજ્ય સરકાર તથા હાઈકોર્ટ સુધી ગયા હતા.