સુરતની સિવિલ હોસ્પિટલના સ્ટાફે માનવનું ઉત્તર ઉદાહરણ રજૂ કર્યું છે, સિવિલ હોસ્પિટલના સ્ટાફની આ કામગીરીના કારણે તેમના ઘણા વખાણ થઈ રહ્યા છે. વાસ્તવમાં સિવિલ હોસ્પિટલમાં ફૂટપાથ પર રહેતા એક દર્દીનું મોત નીપજ્યું હતું. પિતાના મૃત્યુ બાદ 8 વર્ષનો બાળક નોંધારો બન્યો હતો. લાચાર બાળકની હાલત જોઇને વોર્ડના ડોક્ટર સહિતના સ્ટાફની આંખ પણ ભીંની થઇ ગઇ હતી. જેથી 8 વર્ષના બાળકની વ્હારે સિવિલનો સ્ટાફ આવ્યો છે.
સુરત સિવિલ હોસ્પિટલ
સારવાર દરમિયાન પિતાનું મૃત્યુ
મળતી માહિતી અનુસાર, ગત 11મી જાન્યુઆરીએ શહેરના ડભોલી બ્રિજ પાસે ફૂટપાથ પર રહેતા રમેશ પ્રભુ નાયકા બીમાર હાલતમાં પડ્યા હતા. આ અંગે કોઈએ 108ને જાણ કરતા તેમને એમ્બ્યુલન્સ મારફતે નવી સિલિવ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જે બાદ તેમને અહીંના ટીબીના વાર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બુધવારે રાત્રે તેઓનું અવસાન થયું હતું. સિવિલ હોસ્પિટલમાં ક્ષયરોગના કારણે પિતાનું મૃત્યુ થતાં 8 વર્ષનો દીકરો ઉમેશ સતત રડતો હતો. માસૂમની દયનીય સ્થિતિ જોઈ સિવિલ સ્ટાફનું હૃદય દ્રવી ઊઠ્યું હતું.
સિવિલ સ્ટાફની પણ આંખો ભીંની થઇ ગઇ
જે બાદ માસુમ ઉમેશને પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરાયો હતો અને માસૂમને પણ ક્ષયરોગ છે કે નહીં તે માટે તપાસ કરવામાં આવી હતી. બાદમાં મૃત્યુ પામેલા રમેશ અને બાળકના પરિવારના કોઈ સભ્યો છે કે નથી. તે જાણવા માટે ડોકટરે સિંગણપોર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ કરતા એકમાત્ર આધાર એવો માસૂમ ઉમેશ રમેશની સેવાચાકરી કરતો હોવાનું સામે આવતા ડોક્ટર સહિતના સ્ટાફની આંખ પણ ભીંની થઇ ગઇ હતી.
પિતાના મૃત્યુ બાદ નોંધારો બન્યો બાળક
ડોક્ટર, નર્સિગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ માનવતા મહેકાવી
આ અંગે સિવિલના RMO ડૉ. કેતન નાયકે કહ્યું કે, બાળકનું ધ્યાન રાખવા કેરટેકર રાખવામાં આવ્યો છે. આ સાથે બાળકને બિસ્કીટ કે જમવા સહિતની કોઇ પણ જાતની તકલીફ નહીં પડે તેનું ધ્યાન રાખવા કહ્યું છે. જોકે, બાળકનું વોર્ડમાં ડોક્ટર, નર્સિગ સ્ટાફ સહિતના કર્મચારીઓ જરૂરી ધ્યાન રાખીને માનવતા મહેકાવી રહ્યા છે.