Adani Group news : Adani's wealth is not even half of Ambani's, affected by a report, know what is now updated
બિઝનેસ /
અંબાણી કરતાં અડધી પણ ન રહી અદાણીની સંપત્તિ, એક રિપોર્ટથી થઈ અસર, જાણો હવે શું છે અપડેટ
Team VTV09:11 AM, 26 Feb 23
| Updated: 09:16 AM, 26 Feb 23
એક મહિના પહેલા ગૌતમ અદાણી સંપત્તિની રેસમાં મુકેશ અંબાણી કરતા ઘણા આગળ હતા પણ હવે તેમની પાસે અંબાણીથી અડધી પણ સંપત્તિ બાકી નથી રહી
અમીરોની લિસ્ટમાં 33મા નંબર પર પંહોચ્યાં ગૌતમ અદાણી
અદાણીની નેટવર્થ અંબાણીની નેટવર્થના અડધા કરતાં પણ ઓછી
આ બધા વચ્ચે અદાણી માટે સારા સમાચાર
અદાણી ગ્રૂપને અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગની એવી નજર લાગી છે કે તેની તબિયત સુધરવાનું નામ નથી લઈ રહી. જણાવી દઈએ કે હિંડનબર્ગના રિપોર્ટની અસર ઓછી કરવા અદાણી ગ્રુપ તરફથી વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં નિવેદનો આપીને કરાયેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવવામાં આવ્યું હતું પણ રોકાણકારો પર પડેલી રિપોર્ટની વિપરીત અસર ઓછી ન થઈ શકી અને એક મહિના પહેલા આવેલ અદાણી સ્ટોક્સમાં ભૂકંપ હજુ પણ એમ જ યથાવત છે.
અમીરોની લિસ્ટમાં 33મા નંબર પર પંહોચ્યાં ગૌતમ અદાણી
ગૌતમ અદાણીને કેટલું નુકસાન થયું છે એ વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે એક મહિના પહેલા ગૌતમ અદાણી સંપત્તિની રેસમાં મુકેશ અંબાણી કરતા ઘણા આગળ હતા પણ હવે તેમની પાસે અંબાણીથી અડધી પણ સંપત્તિ બાકી નથી રહી. 24 જાન્યુઆરી, 2023ના રોજ પ્રકાશિત થયેલ હિંડનબર્ગનો રિપોર્ટ બહાર પડ્યો ત્યારથી અદાણીના શેરમાં ઘટાડો શરૂ થયો, જેના કારણે ગૌતમ અદાણી હવે અમીરોની યાદીમાં ચોથા સ્થાનેથી 33માં સ્થાને પહોંચી ગયા છે. જો કે આ દરમિયાન લાંબા સમયથી ટોપ-10 બિલિયોનેર્સની લિસ્ટમાં રહેનાર બીજા ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સંપત્તિના મામલામાં તેમના કરતા ઘણા આગળ નીકળી ગયા છે.
અદાણીની નેટવર્થ અંબાણીની નેટવર્થના અડધા કરતાં પણ ઓછી
Forbes ના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની નેટવર્થ હવે ઘટીને 35.3 બિલિયન ડોલર થઈ ગઈ છે. જ્યારે એક મહિના પહેલા તે લગભગ 116 બિલિયન ડોલર હતું અને તે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ચોથા નંબર પર હતો. નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર 2022 માં અદાણીની નેટવર્થ 150 બિલિયન ડોલરની નજીક પહોંચી ગઈ હતી. એ સમયે ગૌતમ અદાણી મુકેશ અંબાણી કરતા લગભગ બમણા અમીર હતા પણ હવે અદાણીની નેટવર્થ અંબાણીની નેટવર્થના અડધા કરતાં પણ ઓછી છે. નોંધનીય છે કે મુકેશ અંબાણી 84.1 અબજ ડોલરની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં આઠમાં નંબરે છે. ગૌતમ અદાણીની તુલનામાં અંબાણી એમના કરતા લગભગ 48.8 બિલિયન ડોલર વધુ અમીર છે
આ બધા વચ્ચે અદાણી માટે સારા સમાચાર
ગૌતમ અદાણીની સંપત્તિમાં દરરોજ ઘટાડો થતો રહે છે, તેના શેરની કિંમતમાં 85 ટકાનો ઘટાડો થયો છે અને ગ્રુપનું માર્કેટ કેપ પણ અડધાથી ઓછું રહ્યું છે. દરરોજ કંપનીના શેર લોઅર સર્કિટ લાગી રહી છે. જો કે આ દરમિયાન અદાણી વિશે વિદેશમાંથી સારા સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે વૈશ્વિક રેટિંગ એજન્સી S&P એ અદાણી ગ્રૂપને રાહત આપતાં અદાણી ગ્રીનને મોનિટરિંગ કંપનીઓની યાદીમાંથી હટાવી દીધી છે. અદાણી ગ્રીનને મોનિટરિંગ કંપનીઓની યાદીમાંથી દૂર કરવાની સાથે સાથે BB+ રેટિંગ પણ જાળવી રાખ્યું છે.
જો કે આ રાહતના સમાચાર બાદ રોકાણકારોનો વિશ્વાસ વધશે એવું લાગી રહ્યું છે. જણાવી દઈએ કે રેટિંગ એજન્સીએ ડિસેમ્બર 2022માં અદાણી ગ્રીન એનર્જીને માપદંડ નિરીક્ષણ હેઠળ મૂક્યું હતું પણ હવે એજન્સીએ હવે તેને આ યાદીમાંથી બહાર કરતાં કહ્યું કે અદાણી ગ્રીનની સમીક્ષા પૂરી થઈ ગઈ છે અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ RG2ની તારીખ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.