સુરતઃ ઉદ્યોગપતિ વસંત ગજેરાને જેલમાં VIP સગવડ આપવામાં આવી રહી છે. સિવિલમાં સારવાર દરમિયાન વસંત ગજેરાને સુવિધાઓ આપવામાં આવે છે. વસંત ગજેરા સિવિલમાં મોબાઇલ પર વાત કરતા કેમેરામાં કેદ થયા હતાં. બોગસ દસ્તાવેજના ગુનામાં વસંત ગજેરા હાલમાં કસ્ટડીમાં છે. પગ અને કમરના દુઃખાવાની ફરિયાદને લઇને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં. પોલીસની સામે જ ગજેરા મોબાઇલ પર વાત કરી રહ્યાં છે.
જેલના સળીયા પાછળ ધકેલાયેલા ગુજરાતના જાણીતા ઉદ્યોગકાર વસંત ગજેરા અને તેમના નાના ભાઈ ચુની ગજેરા વિરુદ્ધ સુરતની કતારગામ પોલીસે બે કેસ દાખલ કર્યા છે. મૂળ જમીન માલિક ભારતીબેન પટેલ દ્વારા હાઈકોર્ટમાં બોગસ દસ્તાવેજોને આધારે જમીન પડાવી લેવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે પોલીસ ફરિયાદ કરવાનો નિર્દેશ કર્યો હતો. જેને પગલે પોલીસે બે અલગ અલગ ફરિયાદ દાખલ કરી છે.
જેમાં આરોપીઓએ ભેગા મળી કતારગામ સર્વે નં. 241 પૈકી 1 વાળી જમીન પુર્વક કાવતરૂ રચ્યું હતું. એક બીજાની મદદગારીથી ફરીયાદીના પિતાજીની વડીલો પાર્જીત જમીન વણવહંચાયેલ હિસ્સાવાળી જમીનના ખોટા અને બોગસ ડોકયુમેન્ટો બનાવી ખોટી સહીઓ કરી હતી. ફરીયાદીની જમીનમાં પ્રવેશ કરતા અટકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ જમીનમાં ગેર કાયદેસર કબ્જો કર્યો હતો. સાથે જ આ જમીન નવી શરતની હોવાનુ જાણતા હોવા છતા તેમાં મહાનગરપાલીકામાંથી બાંધકામની પરવાનગી મેળવી શાંતાબેન હરીભાઇ ગજેરા ટ્રસ્ટ નામથી ઇંગ્લીશ સ્કુલ બનાવી ફરીયાદીની જમીન પચાવી પાડી ગુનો કર્યો હતો.
બીજી ફરિયાદ દાખલ કરી છે તેમાં પણ ફરીયાદી ભારતીબેન પટેલ છે. ફરિયાદ મુજબ ચુની ગજેરાએ આયોજન પુર્વક કાવતરૂ રચી એક બીજાની મદદગારી કરી હતી. ફરિયાદીના દાદા રણછોડભાઇ કરશનજીભાઇએ કરેલા રજીસ્ટર વીલના બદલે ખોટુ વીલ રજુ કરી ખોટા ડોકયુમેન્ટના આધારે ખોટી વારસાઇ કરાવી હતી.
સાથે જ જમીનના રેકર્ડમાં પોતાના નામો દાખલ કરાવી ફરિયાદીના હકક હિસ્સો હોવા છતા હકક હિસ્સો લેવા માંગતા ન હોવાની ખોટી હકિકત દસ્તાવેજમાં જણાવી કતારગામ સરવે નંબર ૨૫૧ વાળી જમીનનો અવેજ સ્વીકાર્યો હતો. મહત્વનું છે કે આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી અને ખરીદનાર કરનાર ચુની ગજેરાને આ જમીન બાબતે તમામ હકિકત વર્ષ 2000થી જાણતા હોવા છતા તેમને આ જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી ગુનો છે.