ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે અકસ્માતની 5 દુર્ઘટનાઓ સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આજે અલગ-અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતોમાં 8 લોકોના મોત થયા છે. મહત્વનું છે કે, આ અકસ્માતની ઘટનાઓ ભાવનગર, બનાસકાંઠા, વલસાડ અને રાજકોટ પાસે બની છે.
રાજકોટના 4 પોલીસકર્મી ઘવાયા
આજે સવારના સમયે હેબિયર્સ કોપર્સના કેસમાં અરજદારને લઈ અમદાવાદ હાઇકોર્ટની મુદ્દતે રાજકોટ પોલીસ વાહનને લીંબડી પાસેની ગોલ પોસ્ટ હોટલ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં પોલીસ વાહન અને ટ્રાવેલ્સ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કિશનભાઈ જોશી (ડ્રાઈવર), કુલદીપસિંહ ચુડાસમા( હેડ કોન્સ્ટેબલ), દેવેન્દ્રભાઈ આઘેરા (હેડ કોન્સ્ટેબલ) પૂજાબ ગોહિલ(કોન્સ્ટેબલ) અને અરજદારને ઇજાઓ પહોંચતા તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમઅ ખસેડવામાં આવ્યા હતા.
સાબરકાંઠા અકસ્માત
સાબરકાંઠા એક જ પરિવારના ત્રણના મોત
સાબરકાંઠાના માથાસુર ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો 30 ફૂટ ઊંડા ખાડામાં કાર ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મૃત્યુ થયા છે. આ સાથે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા છે. સ્થાનિક ચર્ચા મુજબ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ કારમાં 5 લોકો સવાર હતા. આ તરફ હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર અકસ્માત
ભાવનગરમાં ટ્રકે રિક્ષાનો ફુરદો બોલાવી દીધો
આ તરફ આજે ભાવનગરના મહુવા નજીક રાજુલા હાઈવે પાસે અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ ટ્રક અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રિક્ષાનો ફુરદો બોલી ગયો હતો. આ તરફ આ દર્દનાક અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયાની વિગતો સામે આવી છે. જોકે અકસ્માતના મૃતકોમાં 2 મહિલા અને 1 પુરૂષનો સમાવેશ થાય છે.
ડીસા અકસ્માત
ડીસામાં ધુમ્મસના કારણે અકસ્માત
આજે સવારથી જ રાજ્યના વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજ્ય છે. જોકે બનાસકાંઠાના ડીસામાં ધુમ્મસના કારણે અકસ્માત થયાનું સામે આવ્યું છે. વિગતો મુજબ રિક્ષામાં બેસવા જઈ રહેલા રાહદારીને આઈશરની ટક્કર વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત 18 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. આ તરફ સમગ્ર મામલે ડીસા પોલીસે આઈશર ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ કરી છે.
વલસાડ અકસ્માત
વલસાડના ધરમપુરમાં અકસ્માતથી યુવકનું મોત
આ સાથે આજે વલસાડના ધરમપુરમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ બિલપુડી પાસે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. મહત્વનું છે કે, આ ઘટનામાં ફૂલવાડી ગામના 19 વર્ષીય યુવકનું મોત થયું છે. ટેમ્પો ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા મોત થયુ છે.