accident between luxury and truck at kanodar highway 3 passengers died
દુર્ઘટના /
પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર લક્ઝરી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત અને 15થી વધુ ઇજાગ્રસ્ત
Team VTV09:08 AM, 15 May 22
| Updated: 09:30 AM, 15 May 22
પાલનપુરના કાણોદર નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મૃત્યુ અને 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા.
પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત
કાણોદર પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ અને 15થી વધુ ઈજાગ્રસ્ત
પાલનપુરના કાણોદર નજીક એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 3 લોકોના મોત અને 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની વિગત એવી છે કે, કાણોદર નજીક ઉભેલી એક ટ્રક પાછળ રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસ ઘૂસી જતા બસમાં સવાર 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં 15 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે, મોતનો આંક હજુ વધે તેવી શક્યતાઓ છે.
બસ રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહી હતી
હાલમાં પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઇએ કે, બસ રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આખરે કેવી રીતે એક ઉભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ તે એક તપાસનો વિષય છે. આખરે એવું શું થયું કે લક્ઝરી બસે ઉભી રહેલી ટ્રકને પાછળથી ટક્કર મારી દીધી.
ડીસાના ભોયણ નજીક બસ અને જીપ વચ્ચે સર્જાયો હતો અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં ડીસાના ભોયણ નજીક બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધાનેરા-અમદાવાદ જતી બસનો અકસ્માત થયો હતો. જેમાં અકસ્માત બાદ બેકાબુ બસ ડિવાઈડર કૂદીને નીચે ઉતરી ગઇ હતી. આ અકસ્માત સમયે બસમાં 40 જેટલાં મુસાફરો સવાર હતાં. જીપ ચાલકને ગંભીર ઈજાઓ બાદ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ટૂંકી સારવાર બાદ જીપ ચાલકનું મૃત્યુ થયુ હતું. સમગ્ર ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા હતાં.
અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ સર્જાયો હતો અકસ્માત
એ સિવાય તાજેતરમાં જ અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ અકસ્માત સર્જાયો હતો. સાયલા ગામ પાસે બોલેરો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બોલેરો કાર રોડ પરથી ખાડીમાં ખાબકી હતી. જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ હતાં. અકસ્માતમાં ભોગ બનનાર તમામ લોકો PGVCLના કર્મચારીઓ હતાં.