Accident between car and tanker on Chanasma-Mehsana highway
ગોઝારો ગુરૂવાર /
ચાણસ્મા-મહેસાણા હાઈવે પર કાર અને ટેન્કરની ટક્કર, એક્ટીવા ચાલકને બચાવવા જતાં 3ના મોતથી એરેરાટી
Team VTV02:29 PM, 12 Aug 21
| Updated: 02:33 PM, 12 Aug 21
અકસ્માત એટલો ભીષણ હતો કે ઘટના સ્થળ પર જ એક બાળકી સાથે કુલ 3 લોકો અકસ્માતનો ભોગ બન્યા.
ચાણસ્મા-મહેસાણા હાઈવે પર અકસ્માત
કાર અને ટેન્કર વચ્ચે ટક્કર
એક બાળકી સહિત કુલ 3 લોકોના મોત
ચાણસ્મા પોલીસે હાથ ધરી તપાસ
ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમા દિવસેને દિવસે વધારો થતો જાય છે. જેમાં કોઈના પરિવારનો મોભી કે કોઈના આખોય પરિવાર અકસ્માતથી વીંખાય છે. હાઈવે પર મોટા ભાગના વાહનો ઓવર સ્પીડમાં ચાલતા હોય છે. જેના લીધે અચાનક કાઈક બને તો અકસ્માતનો ભોગ બની જાય છે. અને આજે આવું જ ચાણસ્મા-મહેસાણા હાઈવે ઉપર, પુરપાર ઝડપે આવી રહેલી કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતાં ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં ઘટના સ્થળે જ એક બાળકી સહિત 3 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.
એક્ટીવા ચાલકને બચાવવા જતાં સર્જાયો અકસ્માત
આ કોઈની ગંભીર ભૂલનું પરિણામ હતું, આખોદેખી જોનાર રાહદારીઓના જણાવ્યા મુજબ આ અકસ્માત કોઈને બચાવવા જતાં સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક્ટીવા ચાલકને બચાવવા જતાં કાર અને ટેન્કરની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો ધડાકો દૂર સુધી સાંભળાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર લોકોને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એક બાળકી સહિત 3 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો હતો. ટેન્કરની બોડી સાથે કારની ટક્કર થવાથી કારના એન્જિનનો ભાગ દબાઈ ગયો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
ભયાવહ અકસ્માત સર્જાતાં જ રસ્તા પર ઉભેલા લોકોએ પહેલા 108ને કોલ કરી બોલાવી હતી. જે બાદ પોલીસને પણ જાણ કરતાં તુરત ઘટના સ્થળ પર પોલીસ દોડી આવી હતી. પણ ત્યાં સુધીમાં કારમાં સવાર 3 લોકો જીવ ખોઈ બેઠાં હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલ ત્રણેય મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર અકસ્માત એક એક્ટીવા ચાલકને બચાવવા સર્જાયો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. અકસ્માતના કારણો ની પોલીસ તપાસ કરી રહી છે. કોઈના ભૂલનું પરિણામ 3 લોકોના જીવ લઈ ગયું. ગોઝારા અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થવાથી મૃતકના પરિવાર ચોધાર આસુએ રડી રહ્યા છે.