લોકસભાની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીનો જાદુ દેશભરમાં જોવા મળ્યો, પરંતુ દિલ્હીમાં જે તાકાત સાથે ભાજપે જીત નોંધાવી છે તેણે બધાને હેરાન કરી દીધા. દિલ્હીની તમામ સાત બેઠક પર ભાજપના ઉમેદવારોએ જીત નોંધાવી છે.
આમ આદમી પાર્ટીના ત્રણ અને કોંગ્રેસનાે એક ઉમેદવાર પોતાની ડિપોઝિટ પણ બચાવી ન શક્યા. આમ આદમી પાર્ટીના નોર્થ ઇસ્ટના ઉમેદવાર દિલીપ પાંડે, ચાંદની ચોકથી પંકજ ગુપ્તા અને નવી દિલ્હીથી બ્રિજેશ ગોયલની ડિપોઝિટ પણ જપ્ત થઇ ગઇ. કોંગ્રેસના સાઉથ દિલ્હીના ઉમેદવાર બોકસર વિજેન્દ્ર પર પોતાની ડિપોઝિટ બચાવી ન શકયા.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગ અનુસાર જે ઉમેદવારને કુલ પડેલા વોટનો છઠ્ઠો ભાગ પણ મળતો નથી તેની ડિપોઝિટ જપ્ત થાય છે. આ નિયમ મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારને કુલ મળેલા વોટનો છઠ્ઠો ભાગ પણ મળ્યો નથી. આ રીતે દિલ્હીમાં કુલ ૧૪૭ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે.
દિલ્હીમાં કુલ ૧૬૪ ઉમેદવારો મેદાનમાં હતા. ડિપોઝિટ તરીકે તેમણે ચૂંટણી કાર્યાલયમાં રૂ.રપ,૦૦૦ જમા કરાવ્યા હતા. જે હવે તેમને પરત નહીં મળે. નોર્થ-ઇસ્ટ સીટથી ઉમેદવાર દિલીપ પાંડેને ૧,૯૦,પ૮૬ મત મળ્યા હતા. અહીં કુલ મત ૧૪,૬૧,૪૭પ હતા. ચાંદની ચોકના ઉમેદવાર પંકજ ગુપ્તાને ૧,૪૩,૬૭૪ મત મળ્યા અને નવી દિલ્હી બેઠકના ઉમેદવાર બ્રિજેશ ગોયલને ૧,પ૦,૩૪ર મત મળ્યા.
ખાસ વાત એ છે કે જે ૧૪૮ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ તેમાંના ૧૦૦ ઉમેદવાર ૧,૦૦૦ મત પણ મેળવી શકયા નથી. ઉત્તર-પૂર્વ દિલ્હી સીટ પર ર૪ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં હતા. જેમાંથી રરની ડિપોઝિટ જપ્ત થઇ છે. પૂર્વ દિલ્હી સીટ પર ર૬માંથી ર૪ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. જેમાં બીએસપીના ઉમેદવાર પણ સામેલ છે.