Aadhaar-PAN link has seen an increase in online fraud cases
ચેતીને રહેજો /
આધાર-પાન લિંકના નામે થતી છેતરપિંડીથી સાવધાન, બચવા માટે ફૉલો કરજો સાઇબર ક્રાઇમની આ જોરદાર ટિપ્સ
Team VTV01:09 PM, 22 Mar 23
| Updated: 01:12 PM, 22 Mar 23
આધાર-પાન લિંક મામલે ઓનલાઇન છેતરપિંડીના બનાવ સતત વધી રહ્યા છે. સાયબર ઠગો છેતરપિંડી માટે દરરોજ નવી નવી તરકીબો શોધી કાઢે છે.
આધાર-પાન લિંક મામલે સાયબર ક્રાઈમની અપીલ
લોકોને સાવચેત રહેવ સાયબર ક્રાઈમની અપીલ
આધાર-પાન લિંકના નામે વધી છેતરપિંડીની ઘટના
આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક નહીં કરે તો તેમનું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે. આ માટે દંડની જોગવાઈ પણ છે. જેથી લોકો આ કામને તાત્કાલિક પૂર્ણ કરવા માટે દોડા દોડી કરી રહ્યાં છે. વિવિધ આધારકાર્ડ સેન્ટર્સ પર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. આ વચ્ચે હવે સાયબર ઠગો પણ એક્ટિવ થયા છે. તેઓ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે.
અજાણી લિંક પર ક્લિક કરશો નહીં
સરકારની જાહેરાત બાદ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાના નામે છેતરપિંડીના કેસમાં વધારો થયો છે. ત્યારે સોશિયલ મીડિયામાં સતર્કતા રાખવા સાયબર ક્રાઈમે અપીલ કરી છે. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આધાર કાર્ડ અને પાન કાર્ડની લિંકના નામે છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે. અજાણ્યા નંબર કે મેસેજથી આવતી લિંકથી સાવચેત રહો.
સાયબર ઠગો સક્રિય
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 31 માર્ચ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ છે. લોકો આધાર-પાન લિંક માટે ઉતાવળ કરી રહ્યા છે. આધાર-પાનને લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવતા સાયબર ઠગો સક્રિય થઇ થઈ ગયા છે. તેઓ લોકોને મેસેજ અને ફોન કરીને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. તેઓ મેસેજમાં લિંક મોકલીને લોકોને સાથે છેતરપિંડી આચરી રહ્યા છે. જેથી ભૂલથી પણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. લોકોએ પોતાના મોબાઈલમાં આવતી લિંક ખોલવી નહીં. આમ કરવાથી તમારી અંગત માહિતી ઠગો સુધી પહોંચી જાય છે. આ ઠગો એટલા શાતિર હોય છે કે જો તમે નાની એવી પણ ભૂલ કરો તો તમને મોટું આર્થિક નુકસાન પહોંચી શકે છે.
છેતરપિંડીથી બચવાનો રસ્તો શું?
- અજાણ્યા નંબર પરથી આવતી લિંક પર ન કરવું ક્લિક
- કોઈ પણ નંબર પરથી આવતા ફોનમાં OTP શેર કરવાનું ટાળવું
- અજાણ્યા નંબર પરથી મેસેજ કે ફોન આવવા પર સતર્ક રહેવું
- ઈન્કમ ટેક્સ વિભાગ કોઈને પણ ફોન કરીને આધાર-પાન લિંક કરવાનું કહેતું નથી
- ઈન્કમ ટેક્સ વિભાગ કોઈ વ્યક્તિ પાસેથી OTP માંગતું નથી
- ઈન્કમ ટેક્સની વેબસાઈટમાં જઇને આધારને પાન સાથે કરો લિંક
- આધાર સાથે પાનને લિંક કરવા મિત્રો,સ્વજનો અને પરિવારના સભ્યોની લો મદદ
- CA પાસેથી માર્ગદર્શન લઇને આધારને પાન સાથે કરો લિંક
પાન-આધાર લિંક છે કે નહીં, કેવી રીતે જાણશો?
- incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જાઓ
- ડાબી બાજુ `ક્વિક લિંક્સ'નો વિકલ્પ જોવા મળશે
- `ક્વિક લિંક્સ'ના વિકલ્પમાં `લિંક આધાર' પર ક્લિક કરો
- જો પાન-આધાર જોડવા અરજી આપેલી હોય તો પેજ તપાસો
- હવે આ લિંક તમને બીજા પેજ પર લઈ જશે
- અહીં પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર દાખલ કરો
- વ્યૂ લિંક આધાર સ્ટેટસ ઉપર સ્ટેટસ ચેક કરો
- માહિતી દાખલ કર્યા બાદ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક અંગેની માહિતી મળશે
પાનકાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?
- incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જવું પડશે
- `લિંક આધાર'ના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે
- `લિંક આધાર' ઉપર ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે
- પેજમાં પાનકાર્ડ, આધારકાર્ડ નંબરની માહિતી પૂછવામાં આવશે
- તમામ માહિતી ભર્યા પછી તમારુ કાર્ડ લિંક થશે
- ઓનલાઈન લિંકિંગમાં કોઈ સમસ્યા હોય તો SMSથી પણ લિંકિંગ થઈ શકશે
- રજિસ્ટર્ડ નંબર પરથી UIDPN લખીને આધાર નંબર લખવો, સ્પેસ આપીને PAN નંબર લખવો
- માહિતી ભરીને તેને 567678 અથવા 56161 પર મોકલવાનો રહેશે