બેંક, મોબાઇલ સાથે આધાર લિંક હાલ અનિવાર્ય નથી, જાણો ક્યાં સુધી કરી શકો છો આ કામ

By : juhiparikh 06:06 PM, 13 March 2018 | Updated : 09:24 AM, 14 March 2018
આધાર લિંકિંગ મુદ્દે આમ આદમીને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આધાર લિંકિંગની સમયમર્યાદા નિર્ણય ન આવે ત્યાં સુધી વધારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મામલે નિર્ણય આવે ત્યાં સુધી બેંક એકાઉન્ટ અને મોબાઇલ ફોન સાથે અનિવાર્ય આધાર લિંકિંગની સમયમર્યાદાને વધારવામાં આવી રહી છે.

સુપ્રીમે એમ પણ કહ્યું છે કે, સરકાર આધાર અનિવાર્ય માટે લોકોને મજબૂર ન કરી શકે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં પાંચ જજની બંધારણીય પીઠે એમ પણ કહ્યું છે કે, સરકાર આધાર લિંકિંગની અનિવાર્યતા પર ભાર ન મૂકી શકે.

ઉલ્લેખનીય છે કે, બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબરની આધાર સાથે લિકિંગ માટે 31 માર્ચ સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. સરકાર લગભગ તમામ જનકલ્યાણકારી યોજનાઓને આધારથી જોડી ચૂકી છે. 

આધાર એક્ટની વેલિડિટીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. અરજદારોનો તર્ક છે કે, યુનિક આઇડેન્ટિટી નંબર્સના ઉપયોગથી નાગરિક અધિકાર સમાપ્ત થઈ જશે. આધાર મામલે આ બહુચર્ચિત સુનાવણી છેલ્લાં પાંચ વર્ષથી ચાલી રહી છે. ઘણા સામાજિક કાર્યકરો અને હાઈ કોર્ટના એક ભૂતપૂર્વ જજે આધાર સ્કીમને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ. કે. સિકરી, જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે.Recent Story

Popular Story