કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મતદાન કરવા માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવી શકે છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી, તો તમે વોટ આપી શકશો નહીં.
વોટર લિસ્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો મૂકાયો પ્રસ્તાવ
ચૂંટણી સુધારાના વિવિધ પાસાઓને આવરી લેતા રજૂ કરાયા અહેવાલ
વોટર લિસ્ટને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક
સરકાર હાલમાં મતદાન માટે આધાર કાર્ડ ફરજિયાત કરવા માટેના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જો આ પ્રસ્તાવ સર્વસંમતિ થઈ જાય તો તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. બુધવારે લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કાયદામંત્રી કિરેન રિજિજૂએ આ સંદર્ભમાં માહિતી આપી છે.
વોટર લિસ્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો મૂકાયો પ્રસ્તાવ
પશ્ચિમ બંગાળની ઉલુબેડિયા લોકસભા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સજદા અહેમદના એક સવાલના લેખિત જવાબમાં કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજૂએ સંસદને જણાવ્યું હતું કે સરકાર સતત ચૂંટણી સુધારાઓ માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એક જ વ્યક્તિ અલગ અલગ સ્થળોના વોટર કાર્ડ ધરાવતો હોય છે. તેને રોકવા માટે ચૂંટણી પંચે વોટર લિસ્ટને આધાર સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ચૂંટણી સુધારાના વિવિધ પાસાઓને આવરી લેતા રજૂ કરાયા અહેવાલ
કેન્દ્રીયમંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે તાજેતરમાં કાયદા પંચે ચૂંટણી સુધારાના મુદ્દાની સંપૂર્ણ તપાસ કરી હતી. તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા બાદ કાયદા પંચે ચૂંટણી સુધારાના વિવિધ પાસાઓને આવરી લેતા તેના 244મા અને 255મા અહેવાલ રજૂ કર્યા હતા. તેમાંની કેટલીક ભલામણો પણ અમલમાં મુકવામાં આવી છે. તેમાં દોષિત સાબિત થાય તો ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવા, ચૂંટણી દરમિયાન ખર્ચ, અભિપ્રાય મતદાનના નિયમો અને પેઇડ ન્યૂડ્સ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
વોટર લિસ્ટને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક
કાયદા મંત્રીએ માહિતી આપી કે ચૂંટણી પંચે વોટર લિસ્ટને આધારે ઇકોસિસ્ટમ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેથી અલગ અલગ સ્થળોએ એક જ વ્યક્તિના ઘણા ઇલેક્શન કાર્ડની સમસ્યાને રોકવામાં આવે. આ મામલો હાલ સરકારની વિચારણા હેઠળ છે. વોટર કાર્ડ બનાવવા માટે હજુ પણ આધારની માંગણી કરવામાં આવે છે. જોકે, હાલમાં આધારનો ઉપયોગ ઓળખ અથવા કાર્ડ વેરિફિકેશન માટે થાય છે. વોટર કાર્ડનો ડેટા આધાર સાથે લિંક થયેલો નથી. જો સરકાર ચૂંટણી પંચના પ્રસ્તાવ હેઠળ ફેરફાર કરે છે, તો આગામી દિવસોમાં વોટર કાર્ડને પણ પેન કાર્ડની જેમ આધાર સાથે લિંક કરવામાં આવશે. તેનો અમલ કરવા માટે, ચૂંટણી સંબંધિત કેટલાક કાયદાઓ પણ બદલવાની જરૂર પડશે.