બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ફાગવેલ એટલે ગાયોની રક્ષા કાજે બલિદાન આપનાર ભાથીજી મહારાજનું કલ્યાણકારી ધામ, જાણો ઇતિહાસ અને મહત્વ
Last Updated: 07:36 AM, 15 June 2024
એક એવા વીર પુરુષનો ઇતિહાસ જેમણે ગાયોની રક્ષામાં પોતાનું બલિદાન આપી દીધુ. ભાથીજી મહારાજના એક કલ્યાણકારી ધામ, જે ફાગવેલમાં આવેલુ છે. જ્યાં સદાય ભક્તોની અવરજવર રહે છે. કહેવાય છે કે કોઈપણ શ્રદ્ધાળુની માનતા પૂરી થતા અહિં ભાથીજીના ચરણોમાં કાપડનો ઘોડો ચઢાવાની પરંપરા છે. ભાથિજી કે જે ભાથી ખત્રી અથવા ભાથીજી મહારાજ તરીકે ઓળખાય છે તેઓ ગુજરાત રાજ્યમાં હિંદુ ધર્મમાં દેવતા તરીકે પૂજાય છે.
ADVERTISEMENT
વીર પુરુષનો ઇતિહાસ
ADVERTISEMENT
ભાથીજીનો જન્મ વિ.સં. 1600 ઇ.સ.1544ના કારતક સુદ એકમના દિવસે થયો હતો. ભાથીજી નાગદેવતાનો અવતાર મનાતા હતા. ભાથીજી જ્યારે સવા માસના થયા ત્યારે તેમના કપાળની મધ્ય ભાગમાં નાગફેણનું ચિહ્ન ઉપસી આવ્યું હતું. તે જ સમયથી જ લોકો તેમને દેવાંશી માનતા થયા.
ભાથીજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમની ચમત્કારિક શક્તિના પરચા સૌને જોવા મળતા. ભાથીજી ગૌસેવા, નાગસેવા અને ગરીબોની ખૂબ સેવા કરતા. તખ્તસિંહ રાઠોડના વિવાહ ચિખડોલના ગરાસિયાના પુત્રી અકલબા સાથે થયા હતાં. ઠકરાણા અકલબા અને તખ્તસિંહને ખોળે ચાર સંતાનો અવતર્યાં. બે પુત્રીઓ અને બે પુત્રો. પુત્રીઓના નામ સોનબા અને બીનજીબા હતાં. અને પુત્રોના નામ હાથીજી અને ભાથીજી. નાનપણથી જ બાહોશ ભાથીજી મહારાજ પ્રજાની રક્ષા કરવા હંમેશા તત્પર રહેતા અને તેના માટે લડત પણ લડતા હતા.
ગાયોની રક્ષામાં પોતાનુ બલિદાન આપ્યુ
12 વરસની વયે જંગલમા શિકાર કરવા ગયેલા ભાથીજી મહારાજે નાગ અને નોળીયાને ઝગડતા જોઇને બંનેને છુટા પાડીને નોળીયાને ભગાડી મુકેતા નાગદેવને કોઇ એ પોતાનુ જીવન બચાવ્યાનો અહેસાસ થતા ભાથીજીદાદાને આશીર્વાદ આપતા હોય એમ ફેણ કરી એમના સ્થાને જતા રહયા અને ભાથીજીને નાગ દેવતા સાથે પ્રીતી થઇ અને બીજા જદિવસથી તે જગ્યાએ જઈ રોજ નાગદેવતાને દૂધ પીવડાવતા. ભાથીજીએ આજીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી.તેઓ વીર હતાં,તલવારની ધાર પર તેણે ગાયમાતાની રક્ષા અને ગૌસેવા કરેલી. કોઇ ગાયને નડે તો ભાથીજીની તલવાર એના માથે તોડાતી એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઇ ફરમાવેલી. નાગને દેવતાનો અંશ માનતા. સર્પદંશની મુસીબતના પણ તે તારણહાર હતાં.
નિ:સહાય લોકોની સાથે હંમેશા ખડેપગે ઉભા રહેતા
ભાથીજી ગરીબોના બેલી હતાં. તેઓ ગરીબ,નિ:સહાય લોકોની સાથે હંમેશા ખડેપગે ઉભા રહેતા. તેમની આ મહાનતાને લીધે જ લોકો તેમને પૂજે છે. ભાથીજી મહારાજની યશગાથા પંથ કાપતી પવનવેગી સાંઢણીઓની જેમ લોકો સુધી પહોંચવા લાગી અને લોકો એમના મુખ દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા. પોતાના લગ્નમંડપમાં તલવારથી પોતાની જ વરમાળા કાપીને ગૌ રક્ષા માટે ખાખરીયા વનની સીમમાંથી ગાયોને દોરીને લઈ જતાં બહારવટિયાઓને રોકીને ભાથીજી મહારાજે યુદ્વ કર્યું હતું. યુદ્વ દરમિયાન દુશ્મનોએ પાછળથી ભાથીજી મહારાજ ઉપર ઘા કરતા મસ્તક ધડથી અલગ થઈ ગયુ અને ગૌ રક્ષક ભાથીજી મહારાજનાં ધડે દુશ્મનોને મારીને ગાયોને બચાવ્યા બાદ વીરગતિએ પામ્યા હતા.
કહેવાય છે કે ભાથીજી મહારાજે પોતાની જાતે પોતાની જ મૂર્તિ બનાવી હતી. પરંતુ સમય જતા મૂર્તિ ખૂબ જ જૂની થતા તે મૂર્તિને સમાધિ આપી નવી મૂર્તીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સ્થાનક પર લોકોની અપાર આસ્થા જાડાયેલી છે. ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઇ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે,લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધાં મારી માનતા રાખી મને યાદ કરજો. બનવાકાળ નહિ હોય તો સર્પદંશ ઉતરી જશે. અને આમ જ થાય છે એ શત પ્રતિશત્ સત્ય છે. અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પામે છે.
ભાવિકો ચાંદીનાં છત્તર પણ ચઢાવે છે
શ્રધ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર હાથીજીએ ભાથીજીના અવતારકાર્યમાં સહયોગ આપ્યો. અને તેમને પણ લોકો દેવતાઇ અંશ માની,તેમના દર્શન માટે આતુર બની આજે પણ હાથીજીની પૂજા કરે છે. આજે ગામેગામ ભાથીજીના મંદિરો,ડેરીઓ આવેલી છે.લોકો ભક્તિભાવ પૂર્વક ભાથીજી-હાથીજીને શીશ નમાવે છે. ફાગવેલમાં ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે.અહિં ભાથીજીના પ્રાગટ્ય દિવસે એટલે કે બેસતાં વર્ષને દિવસે મેળો ભરાય છે. ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે અહીં આવે છે અને મનોકામના પૂરી થતા વિવિધ વસ્તુઓ ચઢાવે છે. ભાથીજી મહારાજને ખાસ કાપડનો કે ચાંદીનો ઘોડો અહીં ચઢાવવામાં આવે છે. કારણ કે શૂરવીર ભાથીજી મહારાજ સફેદ ઘોડા પર સવાર થઈને યુદ્વ લડવા નીકળ્યા હતા.
વાંચવા જેવું: શા માટે નિર્જળા એકાદશીને ભીમ એકાદશી કહેવામાં આવે છે? જાણો મહાભારત સાથે જોડાયેલી વાર્તા
સંતાન પ્રાપ્તિ થતાં ઘોડીયું ચઢાવવાની માન્યતા
ભાવિકો ચાંદીનાં છત્તર પણ ચઢાવે છે. ઘણા નિસંતાન લોકો સંતાન માટે માનતા રાખે છે અને સંતાન પ્રાપ્તિ થતાં મંદિરે આવીને ઘોડીયું ચઢાવે છે. દૂર દૂરથી ભક્તો પદયાત્રા કરી મંદિરે આવી ભાથીજી મહારાજની સામે શિશ ઝૂકાવે છે. ભાથીજીને નાગદેવતાની સાથે જાણે કે એક અનોખો નાતો હતો. જ્યારે ભાથીજી વિરગતિ પામ્યા ત્યારે પણ નાગદેવતા તેમના દેહની પાસે જ રહ્યા હતા. આજે પણ ફાગવેલ ખાતેનાં આ મંદિરમાં એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિને ગમે તેવો ઝેરી સાપ કરડે અને તેને અહીં લાવવામાં આવે તો સાપનું ઝેર જલદી જ ઉતરી જાય છે..મંદિરમાં નાગ દેવતાની પણ ખાસ પૂજા કરવામાં આવે છે. હાલમાં ભાથીજી મહારાજ મંદિરનાં જીર્ણોદ્વારનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં ખાસ રાજસ્થાનનાં પથ્થરોનો ઉપયોગ કરી તેના પર સુંદર નકશીકામ કરવામાં આવી રહ્યુ છે. નવુ મંદિર એક વીર પુરુષના ઈતિહાસને વધુ જીવંત બનાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.