A teenager died after falling from the third floor in Limbayat area
ચેતવણીરૂપ કિસ્સો /
શું તમારા બાળકને પણ છે ઊંઘમાં ચાલવાની બીમારી? તો ચેતી જજો! સુરતમાં ત્રીજા માળેથી નીચે પટકાતા કિશોરનું મોત, જુઓ શું કહે છે એક્સપર્ટ
Team VTV02:50 PM, 05 Jan 23
| Updated: 03:26 PM, 05 Jan 23
સુરતમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના લિંબાયત વિસ્તારમાં ત્રીજા માળેથી નીચે પટકાતા કિશોરનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. હાલ આ અંગે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
લિંબાયતમાં ત્રીજા માળેથી નીચે પટકાતા કિશોરનું મોત
ઊંઘમાં બારી તરફ ધસી જતાં નીચે પડ્યો હતો કિશોર
સુરતના લિંબાયત વિસ્તારમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતમાં અંબાનગરની એક બિલ્ડિંગના ત્રીજા માળેથી એક કિશોર નીચે પટકાયો હતો. જેના કારણે તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ કિશોરનું મોત નીપજ્યું છે.
ઊંઘમાં બારી તરફ ધસી જતાં નીચે પડ્યો કિશોર
મળતી માહિતી અનુસાર, શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા અંબાનગર ખાતે રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા એઝીઝખાન પઠાણનો પુત્રો શેહબાઝ (ઉં.વ 17) ફીરકાના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. ગત મંગળવારે રાત્રે તે ઊંઘમાં ચાલતા-ચાલતા બારી પાસે પહોંચ્યો હતો અને ત્યાંથી નીચે પટકાયો હતો.
હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત
જે બાદ સ્થાનિકો અને પરિવારના સભ્યો નીચે દોડી ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા શેહબાઝને 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ કિશોરનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ લિંબાયત પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.
કિશોરને ઊંઘમાં ચાલવાની હતી બીમારી
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકને ઊંઘમાં ચાલવાની બીમારી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત મંગળવારે રાત્રે શેહબાઝ ઊંઘમાં ચાલતો-ચાલતો બારી તરફ ધસી ગયો હતો અને નીચે પટકાયો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
VTV ગુજરાતીની ટીમે ડોક્ટર સાથે કરી વાતચીત
જ્યારે આ બીમારી વિશે વિગતવાર જાણવા vtvgujarati.comની ટીમે ડોક્ટર ભાવેશ કોટકનો સંપર્ક કર્યો હતો. vtvgujarati.com સાથેની ટેલિફોનિક વાતચીતમાં ડોક્ટર ભાવેશ કોટકે જણાવ્યું કે, 'ઊંઘમાં ચાલવાની સમસ્યા સામાન્ય રીતે 10 હજારે એકાદ વ્યક્તિને હોય છે. મોટાભાગના કેસમાં પીડિત વ્યક્તિ થોડું ચાલીને પરત આવીને સૂઈ જાય છે, વિદેશમાં એવા પણ કેસ નોંધાયેલા છે કે પીડિત વ્યક્તિ ઊંઘમાં કાર ચલાવીને ઘરેથી નીકળી જાય અને તેમનો અકસ્માત પણ સર્જાયો હોવાના કેસ નોંધાયેલા છે. ઊંઘમાં બોલવું અને ઊંઘમાં ચાલવું એ ઊંઘનો એક પ્રકારનો ભાગ જ ગણાય છે. સમાન્ય રીતે ઊંઘમાં મગજ ચાલું હોય છે. મોટાભાગે આપણે એમ માનતા હોય કે આપણે ઘસઘસાટ સૂઈ ગયા છીએ, પરંતુ આપણું મગજ ચાલું હોય છે પણ ઊંઘ એટલી ઘાટી હોવાથી આપણું મગજ ચાલું છે તેનો આપણને ખ્યાલ નથી હોતો.'
કેવા હોય છે લક્ષણો?
તેઓના જણાવ્યા મુજબ, 'સામાન્ય રીતે ઊંઘમાં ચાલવાની સમસ્યા રાત્રે જોવા મળે છે. આ બીમારી ગાઢ નિંદ્રામાં સરક્યા પછી શરૂ થાય છે અને ઘણી મિનિટ સુધી લક્ષણો જોવા મળે છે. પથારીમાંથી ઉભું થવું, આંટા મારવા, બેસી જવું, આંખો ખુલ્લી રાખવી અને જગ્યા બાદ થોડો સમય વિચલિત થઈ જવું જેવા લક્ષણો જોવા મળી શકે છે.'
માતા-પિતાએ કેવું ધ્યાન રાખવું જોઈએ?
ડોક્ટર ભાવેશ કોટકે જણાવ્યું કે, 'આને અમારી ભાષામાં પેરાસોમ્નિયા (PARASOMNIA) કહેવામાં આવે છે. આને બીમારી કરતા ઊંઘની એક પ્રકારની સમસ્યા કહી શકાય.' જ્યારે અમારી ટીમ દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યો કે આવા કિસ્સામાં માતા-પિતાએ કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? તો આ સવાલના જવામાં ડોક્ટર કોટકે જણાવ્યું કે, 'અમે સામાન્ય રીતે માતા-પિતાને સલાહ આપતા હોય છીએ કે રાત્રીના સમયે તમે દરવાજાને તાળુ મારીને ચાવી તમારી પાસે રાખો. જો ઘરમાં બાલ્કની હોય તો તેને પણ તાળુ મારી ચાવી તમારી પાસે રાખો. સામાન્ય રીતે દરવાજામાં સ્ટોપર લગાવેલ હોય તો પીડિત સ્ટોપર ખોલીને બહાર નીકળી જતા હોય છે અથવા બાલ્કનીમાં પહોંચી જવાથી અકસ્માત પણ સર્જાઈ શકે છે. તેથી તાળુ મારીને ચાવી તમારી પાસે રાખો.'
અમુક વખતે કુદરતી રીતે આ વસ્તુ બંધ થઈ જતી હોય છે: ડોક્ટર કોટક
સારવાર વિશે જણાવતા ડોક્ટર ભાવેશ કોટકે કહ્યું કે, 'પેરાસોમ્નિયા (PARASOMNIA)ની કેટલીક દવાઓ પણ આવે છે, જે દવા આપવાથી આવું બંધ થઈ જતું હોય છે. એટલે કે પીડિતને સામાન્ય ઊંઘની જેમ ઊંઘ આવવા લાગે. તેથી દવાઓ પણ લઈ શકાય છે. આમ જોવા જઈએ તો આ કોઈ બીમારી નથી પરંતુ ઊંઘની જ સમસ્યા છે. કોઈની ઊંઘ આછી હોય તો કોઈની ઊંઘ ઘાટી હોય.' જ્યારે અમારી ટીમ દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું સારવાર આપ્યા બાદ આ સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી શકે છે? જેના જવાબમાં તેઓએ કહ્યું કે, 'આ એક સમસ્યા છે, આમાં આવું નથી થતું કે સારવાર આપવાથી એક જ મહિનામાં આ સમસ્યા દૂર થઈ શકે. અમુક વખતે કુદરતી રીતે આ વસ્તુ બંધ થઈ જતી હોય છે.'