Team VTV02:56 PM, 10 Feb 20
| Updated: 04:05 PM, 10 Feb 20
બિહારની રાજધાની પટનામાં આજે સવારે શ્રેણીબદ્ધ બોંબ બ્લાસ્ટ થયાં હતા. જેથી લોકો વચ્ચે ભય ફેલાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઉપરા ઉપરી શ્રેણીબદ્ધ ધડાકા થયા હતા.બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બોમ્બ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા
આ ઘટના બાદ પોલીસ અને પ્રશાસન હરકતમાં આવી ગયાં હતાં
મકાનમાં રહેતા લોકો પણ નીચે ગબડી પડયા હતા
બિહારની રાજધાની પટણા આજે સવારે શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાથી ધ્રૂજી ઊઠી હતી. પટણાનાં ગાંધી મેદાન વિસ્તારમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના સમાચાર મળતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.અહેવાલો અનુસાર આ બોમ્બ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા છે. જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જણાવાય છે. આ ઘટના બાદ પોલીસ અને પ્રશાસન હરકતમાં આવી ગયાં હતાં અને તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. ગાંધી મેદાન વિસ્તારના દલદલી રોડ પર આવેલ એક મકાનમાં ધડાકા થયા હતા.
આ ધડાકા એટલા પ્રચંડ હતા કે જેના કારણે બે મકાનોને ભારે નુકસાન થયું હતું. મકાનમાં રહેતા લોકો પણ નીચે ગબડી પડયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઉપરા ઉપરી શ્રેણીબદ્ધ ધડાકા થયા હતા.બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે ઘરમાં ધડાકા થયા છે તે મકાન માલિકનું કહેવું છે કે તેમાં ભાડૂત રહે છે. મકાન માલિકે જણાવ્યું હતું કે આ ભાડૂત ત્રણ મહિનાથી અહીં રહેતા હતા.
ભાડૂત ઓટો રિક્ષા ચલાવે છે. જોકે મકાન માલિકને ભાડૂતની સંપૂર્ણ જાણકારી નથી. બ્લાસ્ટને કારણે ઘરની છત પણ ઊડી ગઇ હતી. ઘરનાં બારી-બારણાંનો પણ અતો પતો નથી. આસપાસનાં મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટ એટલા પ્રચંડ હતા કે જે ઘરમાં બ્લાસ્ટ થયો હતો તેની દીવાલ ધરાશાયી થઇ ગઇ હતી અને રૂમનાં તમામ દરવાજા અને બારી બારણાં તૂટી ગયાં હતાં. પોલીસે પ્રથમ દૃષ્ટિએ આ ઘટના બોમ્બ બ્લાસ્ટની હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસનું કહેવું છે કે એફએસએલની ટીમ આવ્યા બાદ જ આ અંગે કોઇ આખરી નિષ્કર્ષ પર આવી શકાશે.