A mega search operation was conducted in 17 jails including Sabarmati Jail in the state
ઓપરેશન જેલ /
જાણો શા કારણોસર ગુજરાતની જેલોમાં અપાયા તપાસના આદેશ, DGP વિકાસ સહાયે કર્યો ખુલાસો
Team VTV09:21 AM, 25 Mar 23
| Updated: 09:24 AM, 25 Mar 23
રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલ સીએમ ડેશ બોર્ડથી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડીજીપી ઓફિસ ખાતેથી નેત્રમ પ્રોજેક્ટથી સર્ચ ઓપરેશન જોઈ રહ્યા હતા.
રાજ્યની 17 જેલોમાં મેગા સર્ચ ઓપરેશન
1700 જેટલા અધિકારીઓ-કર્મચારીઓએ પાડી રેડ
જેલના તંત્રને પણ દરોડાની જાણ ન થવા દીધી
ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, ડિજી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સચિવોની બેઠક બાદ અચાનક જ રાજ્યની સાબરમતી જેલ સહિત 17 જેલમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બેઠક બાદ એકા-એક રાજ્યની તમામ જેલમાં સાગમટે દરોડા પડ્યા હતા. મોડી સાંજે હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશન આજ સવાર સુધી ચાલ્યું. જેમાં 1700 કર્મચારીઓ જોડાયા હતા.
એક બે જગ્યાએથી ફોન મળી આવ્યા છેઃ DGP વિકાસ સહાય
આ મામલે DGP વિકાસ સહાયની પ્રતિક્રિયા આવી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યની 17 જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મુખ્યમંત્રીના આદેશ અને ગૃહમંત્રીના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. મેગા સર્ચ ઓપરેશનમાં 1700 કર્માચારીઓ જોડાયા હતા. જેલમાં ગેરકાયદે પ્રવૃતિને અટકાવવા આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેલના કેદીઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા છે તેની પણ તપાસ કરવામાં આવી હતી. જેલર સહિત અન્ય સ્ટાફ પાસેથી કેદીઓ માટે શું વ્યવસ્થા છે તેની વિગતો મેળવી હતી. એક બે જગ્યાએથી સ્માર્ટ ફોન અને સાદા ફોન મળી આવ્યા છે.
10 કલાક સુધી ચાલ્યું રાજકોટ જિલ્લા જેલમાં ચેકિંગ
રાજકોટની વાત કરીએ તો રાજકોટની જેલમાં સવારે 6 વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં JCP, 3 DCP, 4 ACP અને 10થી વધુ PI જોડાયા હતા. સાથે જ 15થી વધુ PSI અને 500 પોલીસ કર્મચારીઓ તપાસમાં જોડાયા હતા. રાજકોટની જેલમાં સતત 10 કલાક સુધી તપાસ ચાલી હતી. હવે પોલીસ વિભાગ દ્વારા આ અંગેનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરીને ગૃહમંત્રીને મોકલવામાં આવશે.
ખેડા જિલ્લાની બિલોદરા જેલમાં સર્ચ ઓપરેશન
ખેડા જિલ્લાની બિલોદરા જેલમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. મળતી માહિતી અનુસાર, તપાસ દરમિયાન જેલમાંથી 2 સ્માર્ટફોન મળી આવ્યા છે. મોબાઈલ મળવા અંગે પોલીસે ગુનો નોંધીને તજવીજ હાથ ધરી છે. ખેડા જિલ્લાની બિલોદરા જેલમાં SP, DySP, 3 PI, 3 PSI અને 34 પોલીસકર્મીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સર્ચ ઓપરેશનમાં 14 બોડીવોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરાયો હતો. ગઈકાલે રાત્રે રાત્રે 9 વાગ્યે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેલની કુલ 18 બેરેકમાં તપાસ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, અત્યારે બિલોદરા જેલમાં 554 કેદીઓ કેદ છે.
સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાં સવારે 5 વાગ્યા સુધી કાર્યવાહી ચાલી
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ગઈકાલે રાત્રે 09:00 વાગે ઉચ્ચ અધિકારીઓનો કાફલો જેલમાં પહોંચ્યો હતો. લાજપોર જેલમાં કમાન્ડો કીટ અને બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, તપાસ દરમિયાન કેટલીક બેરેકમાં કેદીઓએ હોબાળો મચાવ્યો હતો. કેદીઓના હોબાળાને લઇ પોલીસે વધુ ફોર્સ બોલાવીને સર્ચ કર્યું હતું. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે સવારના 5 વાગ્યા સુધી ચાલી હતી. આ દરમિયાન લાજપોર જેલમાંથી મોબાઈલ, ગાંજો અને ચરસ મળી આવ્યું હોવનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
Gujarat | Inspection carried out by State Police in all the jails
સાબરમતી જેલમાં મોડી રાત્રે તપાસ
અમદાવાદની સાબરમતી જેલમાં મોડી રાત્રે તપાસ હાથ ધરાઈ હતી. જૂની જેલની તપાસ બાદ નવી જેલમાં તપાસ હાથ ધરાઈ હતી. વહેલી સવારે પણ મધ્યસ્થ જેલમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં DCP, ACP, DySP સહિતનો કાફલો જોડાયો હતો. તપાસ દરમિયાન જેલમાંથી મોબાઈલ અને ગેજેટ્સ મળી આવ્યા છે. બોડીવોર્ન કેમેરા સાથે તમામ જેલમાં તપાસ કરવામાં આવી હતી.
State Police carried out inspection in all the jails in Gujarat
વડોદરા જેલમાં બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ
વડોદરા જેલમાં આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું. આ તપાસમાં વડોદરા પોલીસના તમામ સિનિયર અધિકારી જોડાયા હતા. જેલની તપાસમાં DCP કક્ષાના 5 અધિકારી સાથે પોલીસ કાફલો જોડાયો હતો. વડોદરા જેલની 12 યાર્ડમાં તપાસ કરવામાં આવી હતી. સાથે જ હાઈસિક્યુરિટી ઝોનવાળી તમામ બેરેકમાં પણ તપાસ કરવમાં આવી હતી. આ ઉપરાંત મહિલા કેદી સહિત 1700 કેદીઓની પણ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સિગરેટ, બીડી અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ હતી. બોમ્બ સ્ક્વોડના આધુનિક સર્ચ સાધનોની મદદથી સર્ચ કરાયું હતું.
Gujarat Police carries out inspection in all jails in state
ભાવનગર જેલમાં રાત્રે 2 વાગ્યા સુધી ચાલી તપાસ
ભાવનગર જિલ્લા જેલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. ભાવનગર જેલમાં રાત્રે 2 વાગ્યા સુધી તપાસ ચાલી હતી. જેમાં SP, LCB, SOG, સહિતનો કાફલો જોડાયો હતો. ભાવનગરની જેલમાં ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.
અમરેલીની મધ્યસ્થ જેલમાં તપાસ
ગૃહ વિભાગના આદેશ બાદ અમરેલીની મધ્યસ્થ જેલમાં પણ તપાસ હાથ ધરાઈ હતી. ગૃહ વિભાગના આદેશો બાદ જિલ્લા જેલ ખાતે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં એસ.પી, Dysp, LCB, SOG સહિતની ટીમો જોડાઈ હતી. જિલ્લા જેલ ખાતે પોલીસની ગાડીઓનો મસમોટા કાફલો આવી પહોંચ્યો હતો. જેલ અધિકારીઓના મોબાઈલ પણ ચેકિંગ ટીમ દ્વારા લઈ લેવાયા હતા.
પાલનપુરની જેલમાં 3 કલાક સુધી ચાલી તપાસ
પાલનપુરની જેલમાં પોલીસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. આ જેલમાં પોલીસ દ્વારા 3 કલાક સુધી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. પાલનપુરની જેલમાં ચેકિંગમાં DySP, PI, LCB, SOG અને જિલ્લા ટ્રાફિક સહિતની ટીમ જોડાઈ હતી. બોડીવોર્ન કેમેરા અને બોમ્બ સ્કોર્ડની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.
ભરૂચ જિલ્લાની જેલમાં ચેકિંગ
ગુજરાત રાજ્યની જેલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની જેલમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ભરૂચ સબજેલમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. ભરૂચની સબજેલમાં SP ડૉ.લીના પાટીલ SOG, LCBની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. ભરૂચ સબજેલ અનેકવાર મોબાઈલ ઉપયોગને લઈ વિવાદોમાં રહી છે