શ્વાનની સમસ્યા /
સાહેબ, બાળકોને રમવા નથી મોકલી શકતા-બાઇક પર પણ બીક લાગે છે: શ્વાનથી પરેશાન અમદાવાદીઓની વ્યથા
Team VTV03:37 PM, 10 Jan 23
| Updated: 03:39 PM, 10 Jan 23
અમદાવાદમાં પણ સુરત જેવી જ ઘટના બને તો નવાઈ નહીં. શહેરના પોશ વિસ્તારમાં કૂતરાઓએ અડ્ડો બનાવ્યો, સરકાર આ મામલે કોઈ કવાયત શરૂ કરે તેવી સ્થાનિકોની માંગ
સુરત જેવી ઘટના અમદાવાદમાં બને તો નવાઈ નહિ
અમદાવાદ શહેરમાં ઠેર ઠેર કૂતરાઓનું સામ્રાજ્ય
શહેરના પોશ વિસ્તારમાં કૂતરાઓએ બનાવ્યો અડ્ડો
સુરતમાં બાળકીને ગાલ પર કૂતરાએ ભર્યું હતું બચકું
સરકાર આ મામલે કોઈ કવાયત શરૂ કરે તેવી સ્થાનિકોની માંગ
રાજ્યના મહાનગરો સહિત અનેક શહેરમાં રખડતા પશુનો ત્રાસ યથાવત છે. તાજેતરમાં જ સુરતના ફૂલપાડા વિસ્તારમાં શ્વાનનો ત્રાસ સામે આવ્યો હતો. જોકે અમદાવાદમાં પણ સુરત જેવી જ ઘટના બને તો નવાઈ નહીં. કારણ કે, શહેરના પોશ વિસ્તારમાં કૂતરાઓએ અડ્ડો બનાવ્યો છે. વિગતો મુજબ અમદાવાદના વસ્ત્રાપુર, જજીસ બંગલો, બોડકદેવ, જોધપુર સહિતના વિસ્તારમાં કુતરાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેથી હવે સ્થાનિકો સરકાર આ મામલે કોઈ કવાયત શરૂ કરે તેવી માંગ કરી રહ્યા છે.
અમદાવાદના વસ્ત્રાપુર, જજીસ બંગલો, બોડકદેવ, જોધપુર સહિતના વિસ્તારમાં કુતરાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેને કારણે લોકોને સવારે કે સાંજે ચાલવા જવામાં પણ બહુ જ તકલીફ પડી રહી છે. અને એમાં પણ તાજેતરમાં સુરતમાં બનેલી ઘટના બાદ હવે લોકોમાં ડર વધી ગયો છે. આ સાથે નાના બાળકોને બહાર રમવા મોકલતા પહેલા વાલીઓ પણ ડરી રહ્યા છે.
શું કહે છે જનતા ?
એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, સોસાયટીઓ અને જાહેર રસ્તા ઉપર પણ રખડતાં કુતરાઓનો ત્રાસ છે. જેને કારણે વોક કરવા (ચાલવા) જવું હોય તો પોસિબલ જ નથી. કુતરાઓને કારણે બાળકોને રમવામાં પણ તકલીફ પડે છે. દરેક ચાર રસ્તાઓ ઉપર 10-12 કુતરાઓ તો હોય છે એટલે તમે ચાલવાનું તો ભૂલી જ જાઓ.
આ સાથે એક સ્થાનિક ભાઈએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટી અને જાહેર રસ્તામાં રખડતાં કુતરાઓનો ખૂબ જ ત્રાસ છે. નાના બાળકોને શાળાએ મોકલતા પણ ડર લાગી રહ્યો છે. શાસનને અપીલ છે કે, રખડતાં કુતરાઓએ પકડવા જોઈએ.
તો વળી અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે, દરેક જગ્યાએ રખડતાં કુતરાઓને કારણે બાળકોની સાથે સાથે ક્યારે તો મોટા વ્યક્તિઓને પણ ડર લાગે છે. હજી કારમાં હોઈએ તો વાંધો નહીં પણ સ્કૂટરથી નીકળતા બહુ લાગે છે. શાસન દ્વારા આ મામલે કઈક કવાયત કરી યોગ કવાયત કરવી જોઈએ.
સુરતમાં શું બની હતી ઘટના ?
સુરતના ફૂલપાડા વિસ્તારની હંસ સોસાયટીમાં રખડતા શ્વાને બાળકીના ગાલે બચકું ભરી લેતા ભાગદોડ મચી ગઇ હતી. બીજી તરફ શ્વાને બચકું ભરી લેતામાં બાળકી ઈજાગ્રસ્ત થઇ હતી. આથી ઇજાગ્રસ્ત નાની બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અશ્વની કુમાર વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. જેને પગલે સોસાયટીના આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ CCTVના આધારે સ્થાનિકોએ રખડતા શ્વાન પકડવા માટે મનપાના અધિકારીઓને જાણ કરી છે.
મહત્વનું છે કે, રાજ્યના મહાનગરો સહિત અનેક શહેરમાં રખડતા પશુનો ત્રાસ આસમાને છે. જેની ચાડી ખાતા અનેક બનાવો છાશવારે સામે આવે છે ત્યારે સુરતના ફૂલપાડા વિસ્તારમાં શ્વાનનો ત્રાસ સામે આવ્યો હતો. બીજી તરફ પાલતુ શ્વાન પાળવા મામલે હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. જેમાં કોર્ટે કહ્યું કે, તમે ડોગને ખવડાવીને કાઢી મુકો એ જ ડોગ બીજાને કરડે છે. પરિણામે અને લોકોના જીવ જોખમાય તો જવાબદારી કોની? તેવો સવાલ કોર્ટે ઉઠાવી ગુજરાત હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને ટકોર કરી છે. શ્વાનના ત્રાસ મુદ્દે થયેલી બે વ્યક્તિઓ વચ્ચેની માથાકૂટને લઈને મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો.