અજમેર /
કેબલ તૂટ્યો અને અચાનક ધડામ દઇને 30 ફૂટ ઊંચાઇએથી રાઇડ નીચે પડી, 7 બાળકો સહિત 15 લોકો ઇજાગ્રસ્ત
Team VTV08:15 AM, 22 Mar 23
| Updated: 08:21 AM, 22 Mar 23
રાજસ્થાનના અજમેરમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. વાસ્તવમાં મેળામાં લગાવવામાં આવેલી એક રાઈડ અચાનક તૂટી પડતા 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.
રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં ગંભીર દુર્ઘટના
કેબલ તૂટવાના કારણે રાઈડ નીચે પડી
દુર્ઘટનામાં 7 બાળકો સહિત 15 લોકો ઈજાગ્રસ્ત
રાજસ્થાનના અજમેર જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અજમેરના કુંદન નગરમાં આવેલા ડિઝનીલેન્ડમાં મંગળવારે કેબલ તૂટવાના કારણે રાઈડ 30 ફૂટની ઊંચાઈથી નીચે પડી છે. આ ઘટનામાં 7 બાળકો સહિત 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ રાઈડમાં કુલ 25 લોકો બેઠા હતા. ઈજાગ્રસ્તોને JLN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા રાઈડના સંચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સિવિલ લાઇન પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે ચાલી રહી છે તપાસઃ પોલીસ
એક પોલીસ અધિકારીએ કહ્યું, “આ ઘટના રાઈડનો કેબલ તૂટવાને કારણે બની હતી. આ દુર્ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમની જેએલએન સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તમામ ખતરાની બહાર છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.'' તેઓએ કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ સાચી સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવશે. તેમજ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજસ્થાન: અજમેરના ડિઝનીલેન્ડમાં રાઇડ તૂટતા મોટી દુર્ઘટના
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 22, 2023
આ કારણે સર્જાઈ દુર્ઘટના
પોલીસની પ્રારંભિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે રાઈડ કેબલની મદદથી ઉપર ચઢે છે અને તેની મદદથી નીચે આવે છે. આવી સ્થિતિમાં કેબલ તૂટવાને કારણે આ અકસ્માત સર્જાયો છે. સાચું કારણ શું છે? તે તપાસ બાદ જ બહાર આવશે.