A decision will be taken soon regarding the new police chief in the state
ચર્ચા /
ગુજરાતના DGP આશિષ ભાટિયા આજે થશે નિવૃત્ત, અતુલ કરવાલ કે શ્રીવાસ્તવને સોંપાઇ શકે છે ચાર્જ
Team VTV08:49 AM, 31 Jan 23
| Updated: 09:01 AM, 31 Jan 23
આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે વિવિધ નામોને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અતુલ કરવાલ કે સંજય શ્રીવાસ્તવને ચાર્જ સોંપાઇ શકે છે.
રાજ્યમાં નવા પોલીસ વડાને લઈ ટૂંક સમયમાં થશે નિર્ણય
નવા DGPના નામની ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
સંજય શ્રીવાસ્તવનું નામ ચાલી રહ્યું છે સૌથી આગળ
31 જાન્યુઆરીના રોજ એટલે કે આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જે દરમિયાનમાં હવે આ પદ પર કયા અધિકારીને મુકવામાં આવશે તેને લઈને ચર્ચાઓનો દૌર ચાલી રહ્યો છે. આજે આ ચર્ચાઓનો અંત આવી શકે છે. આજે ગુજરાત રાજ્યના પોલીસ વડાના નામની જાહેરાત થશે તે નક્કી મનાય છે.
સંજય શ્રીવાસ્તવ (પોલીસ કમિશનર, અમદાવાદ)
ગુજરાતના નવા DGPના નામની આજે થશે જાહેરાત
ગુજરાતના નવા ડીજીપી તરીકેનો પદભાર કોને મળશે તે માટે વિવિધ ચર્ચાઓ ચાલી છે. આ રેસમાં સૌથી આગળ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને 1988 બેચના IPS અધિકારી અતુલ કરવાલનું નામ ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, અતુલ કરવાલ હાલ DG NDRF તરીકે ફરજ બજાવે છે.
અતુલ કરવાલ (DG, NDRF)
ત્રણેક મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે સંજય શ્રીવાસ્તવ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવી શકે છે. જોકે હાલની સ્થિતિ એવી છે કે સંજય શ્રીવાસ્તવ પણ ત્રણેક મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે મુખ્ય ડીજીપી તરીકે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેમની નિવૃત્તિને ઓછામાં ઓછા 6 મહિના બાકી હોવા જોઈએ. જેથી 3 મહિના માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવે તેવી પણ શકયતા છે. જોકે, સરકાર હાલ શું નિર્ધારિત કરે છે તે કહેવું જરૂર મુશ્કેલ છે.
આશિષ ભાટિયા (DGP, ગુજરાત રાજ્ય)
DGP આશિષ ભાટિયાને આપ્યું હતું એક્સટેન્શન
મહત્વનું છે કે ગુજરાતના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિનાનું એક્સેન્ટેશન આપી લંબાવાયો હતો, જે બાદ તેમનો 31 જાન્યુઆરીના રોજ એક્સેન્ટેશનનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. એ પણ જણાવી દઈએ કે, શિવાનંદ ઝાની નિવૃત્તી બાદ IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.