એક અઠવાડિયા બાદ પણ કાટમાળ નીચેથી કેટલાક લોકો જીવતા બહાર નીકળી રહ્યા છે, કાટમાળમાંથી 77 વર્ષના વયોવૃદ્ધ જીવતા બહાર નીકળતાં ભારે આશ્ચર્ય સર્જાયું
તુર્કીયેમાં ભૂકંપના 212કલાક બાદ 77 વર્ષના વયોવૃદ્ધ કાટમાળમાંથી જીવતા બહાર નીકળ્યા
તુર્કીયે-સીરિયામાં ભૂકંપનો મૃત્યુઆંક 41,000ને પારઃ લોકો માનસિક બીમારીનો શિકાર
સાઉદીએ 10 વર્ષમાં પ્રથમ વાર કટ્ટર દુશ્મન સીરિયાને મદદ મોકલી
તુર્કીયે અને સીરિયામાં 6 ફેબ્રુઆરીના રોજ આવેલા ભૂકંપ બાદ ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળમાંથી લાશો નીકળવાનો સિલસિલો સતત ચાલુ છે. આ સાથે એવા પણ ચમત્કાર થઈ રહ્યા છે કે, એક અઠવાડિયા બાદ પણ કાટમાળ નીચેથી કેટલાક લોકો જીવતા બહાર નીકળી રહ્યા છે. મંગળવારે તુર્કીયેના અદિયામન શહેરમાં ભૂકંપના 212 કલાક બાદ એક ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળમાંથી 77 વર્ષના વયોવૃદ્ધ જીવતા બહાર નીકળતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું.
એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર મંગળવારે તુર્કીયેનાં જુદા જુદા શહેરોમાંથી કાટમાળ નીચેથી નવ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ નવે નવ લોકો એક અઠવાડિયા કરતાં વધુ સમયથી કાટમાળ નીચે હોવા છતાં પણ જીવતા બહાર નીકળ્યા હતા, જે એક પ્રકારનો ચમત્કાર જ છે.
A rescue team in Turkey’s Adiyaman pulled out a 77-year-old woman from under the rubble - 212 hours after last week's earthquakes and aftershocks ⤵️
તુર્કીયે અને સીરિયામાં ભૂકંપનો મૃત્યુઆંક 41,000ને વટાવી ચૂક્યો છે. બંને દેશોમાં કાટમાળમાંથી 41,000થી વધુ લાશોને બહાર કાઢવામાં આવી ચૂકી છે. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને જણાવ્યું હતું કે એકલા તતુર્કીયેમાં જ ભૂકંપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 35,418ને વટાવી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે. ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાંથી બે કરોડથી વધુ લોકો હિજરત કરી ચૂક્યા છે અને સેંકડો ઈમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.
અંકારામાં રાષ્ટ્રપતિ એર્દોગને એક ટીવી ભાષણમાં જણાવ્યું હતું કે, અમે અમારા દેશમાં માનવતાના ઈતિહાસમાં સૌથી મોટી કુદરતી આફતનો સામનો કરી રહ્યા છીએ. હાલ ખાસ કરીને કાતિલ ઠંડીમાં જેઓ ભોજન અને રહેણાકથી વંચિત છે તેમના પર રેસ્ક્યૂ ટીમ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જ્યારે સીરિયામાં 5,814 લોકોએ ભૂકંપમાં જીવ ગુમાવ્યા હોવાના સત્તાવાર અહેવાલ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના જણાવ્યા અનુસાર સીરિયામાં 90 લાખ લોકો ભૂકંપથી પ્રભાવિત થયા છે અને તેમને 400 મિલિયન ડોલરની સહાયની જરૂર છે.
આ દરમિયાન તુર્કીયેમાં રાહત અને બચાવ કામગીરી સાથે સંકળાયેલ ઈન્ડિયન આર્મીનાં મેજર બીના તિવારીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં ભૂકંપમાં ઘાયલ થયેલા દર્દીઓને શારીરિક ઈજાઓ જોવા મળી હતી, પરંતુ હવે આ દર્દીઓની પ્રકૃતિ બદલાઈ રહી છે. ભૂકંપ દરમિયાન આવેલા ઉપરાછાપરી આફ્ટરશોક બાદ આ દર્દીઓ હવે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી માનસિક બીમારીઓના શિકાર બની રહ્યા છે.
સાઉદીએ 10 વર્ષમાં પ્રથમ વાર કટ્ટર દુશ્મન સીરિયાને મદદ મોકલી
તુર્કીયે અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ ભયાનક ભૂકંપ આવ્યા બાદ સીરિયાના કટ્ટર દુશ્મન ગણાતા સાઉદી અરેબિયાએ10 વર્ષમાં પ્રથમ વાર સીરિયાને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. સાઉદી અરેબિયાએ રાહત સામગ્રીથી ભરેલું એક વિમાન સીરિયા મોકલ્યું છે અને 10 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, સીરિયાની સરહદમાં કોઈ સાઉદી વિમાન લેન્ડ થયું હોય. સાઉદીનું વિમાન 35 ટન ખાદ્યસામગ્રી સાથે એલેપ્પોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઊતર્યું હતું.