Team VTV11:59 PM, 24 Mar 21
| Updated: 12:39 AM, 25 Mar 21
બીલીમોરામાં ચાલુ ટ્રેનમાંથી બારીમાંથી 3 વર્ષની બાળકી પડી ગઇ હતી. ત્યારે RPFના જવાન અને પોઇન્ટ મેને બાળકીને શોધી સારવાર કરાવી છે.
RPF જવાને બચાવ્યું બાળકીનું જીવન
ચાલું ટ્રેનમાંથી પડી ગઇ હતી બાળકી
બાળકીને શોધી કરાવી સારવાર
નવસારીના બીલીમોરામાં RPF અને પોઇન્ટ મેને બાળકીનો જીવ બચાવ્યો છે. બીલીમોરામાં ચાલુ ટ્રેનમાંથી બારીમાંથી 3 વર્ષની બાળકી પડી ગઇ હતી. ત્યારે RPFના જવાન અને પોઇન્ટ મેને બાળકીને શોધી સારવાર કરાવી છે. વાપીનો પરિવાર મધ્યપ્રદેશ જઇ રહ્યો હતો તે દરમિયાન કેળાની છાલ બહાર ફેંકતા બાળકી બહાર ફંગોળાઇ હતી.
ત્યારે બાળકી બહાર ફંગોળાતા માતા-પિતાએ ચેન પુલિંગ કરી RPFને જાણ કરી હતી. અને RPF જવાન શૈલેષ અને પોઇન્ટ મેન અશોકે બાળકીને ચીમોડિયા નાકા પાસેથી શોધી અને બાળકીની સારવાર કરાવી. બાળકીને માથા અને હાથ-પગના ભાગમાં ઇજા થઇ હતી.
જાણો શું છે સમગ્ર કિસ્સો
3 વર્ષની બાળકીની માતાએ જણાવ્યું કે, તેઓ મધ્યપ્રદેશના દેવાસ તરફ ટ્રેનમાં જઈ રહ્યા હતા. અને બાળકોને ઉપરની સીટ પર બેસાડ્યા હતા. બાળકોને જે તરફ બેસાડ્યા ત્યાંની બારી ખુલી હતી. રાત્રીનો સમય અને અંધારું હોવાના કારણે માતા-પિતાની પણ ધ્યાનબહાર રહી ગયું હતું. બાળક ફ્રૂટ ખાવાની મનાઈ કર્યા બાદ માતાએ ફ્રૂટ મુકવા માટે ગયા એટલા સમયમાં 3 વર્ષની બાળકી બારીમાંથી નીચે પડી ગઈ હતી.
બાળકીના ભાઈએ માતાને કહ્યું દીદી ક્યાં ગઈ
ટ્રેનની ખુલી બારીમાંથી બાળકી પડી ગઈ હતી. ત્યારે બાળકીના ભાઈએ મમ્મીને કહ્યું કે, દીદી ક્યાં ગઈ...બાળકીને હાજર ન જોતા માતા પણ ગભરાઈ ગયા હતા. બાળકી ન મળતા માતાએ આસપાસમાં જોયું અને પછી ખુલી બારીમાંથી પડી ગઈ હોવાનો અંદાજો આવી ગયો હતો.
બાળકીની માતાએ ક્હયું કે, RPFના જવાનને ગણાવ્યા ભગવાન
બાળકી ખુલી બારીમાંથી પડી ગઈ હોવાની વાતનો અંદાજો આવી જતાં માતા-પિતાએ ટ્રેનની ચેઈન ખેંચી હતી. જે બાદ હાજર RPF અને રેલવે કર્મચારી પાસે પહોંચ્યા હતા. માતાએ કહ્યું કે, તમે કંઈપણ કરી મારી દિકરીને શોધી આપો. RPF જવાને પણ માતાના શબ્દોને સરઆંખો પર રાખી બાળકીને શોધવામાં લાગી ગયા હતા. અને અંતે બાળકી મળી આવી હતી. જે બાદ બાળકીને ડૉક્ટર પાસે સારવાર માટે લઈ જવાઈ હતી. ડૉક્ટરે CT સ્કેન કરીને બાળકી સંપૂર્ણ ઠીક હોવાનો રિપોર્ટ આપ્યો હતો.
માતાએ RPF જવાન વિશે કહ્યું કે, તેઓ ભગવાનની જેમ આવ્યા અને મારી દિકરીને શોધી લાવ્યા હતા. હું તેમનો ઉપકાર જીવનભર ભૂલીશ નહીં. 3 વર્ષની દિકરીની માતાએ કહ્યું કે, મારી બાળકી પડી ગઈ પછી મને પાછી મળવાનો વિશ્વાસ જ નહોતો. કારણ કે, આટલી ઊંચાઈથી કોઈપણ પડ્યા બાદ તેમનું શું થાય તે આપણને ખબર જ છે.