બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / મહાકુંભમાં આગથી અફરાતફરી, નવી મનપામાં વર્ગ 1-2ની જગ્યાઓને મંજૂરી, જુઓ 8 મોટા સમાચાર
Last Updated: 08:13 PM, 19 January 2025
GPSC મારફતે વર્ગ 1-2ની જગ્યાઓ ભરવા માટે આપી મંજૂરી
ADVERTISEMENT
રાજ્યની નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓમાં અધિકારીઓની ભરતી કરવા સરકારે લીલી ઝંડી આપી છે. વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે ત્યારે GPSC જગ્યાઓ ભરવા માટે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરશે. સરકારી વિભાગમાંથી જગ્યાઓ અંગે વિગત મળ્યા બાદ ભરતી પ્રક્રિયા શરૂ તેમ GPSCના ચેરમેન હસમુખ પટેલે જાણકારી આપી છે.
ADVERTISEMENT
IPS ડો.શમશેર સિંહની BSFમાં નિમણૂંક
ગુજરાત કેડરના IPS ડો. શમશેર સિંહની BSFમાં નિમણૂંક કરવામાં આવી છે. જેઓ 1991ની બેચના IPS અધિકારી છે. જેઓ વર્તમાનમાં એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. કેન્દ્રીય ગૃહ વિભાગે મંજૂરી આપી છે. BSFમાં ADG તરીકે ડો.શમશેર સિંહની નિમણૂંક કરવામાં આવી છે. જેમણે ACB ગુજરાતમાં ખુબ સારી કામગીરી કરી છે. સાથો સાથ તેઓ એક આગવી છાપ પણ ધરાવે છે.
કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરાયો હતો. અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને ક્રાઈમ બ્રાંચે આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા 10 દિવસના એટલે કે 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. પોલીસે 12 જેટલા કારણો રજૂ કર્યા હતા, જ્યારે રિમાન્ડ મંજૂર થતાં વિવિધ મુદ્દાઓને લઈને પૂછપરછ કરાશે. આ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ પબ્લિક પોસિક્યુટર તરીકે વિજય બારોટની નિમણુંક કરી છે. રિમાન્ડ માટેની રજૂઆત હતી કે, હોસ્પિટલના નુકશાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા તેની તપાસ, મેડિકલ કેમ્પની પરવાનગી કોણ આપતું તે બાબતની તપાસ, ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળતી તે અંગે તપાસ જરૂરી છે.
સાબરકાંઠાના તાલોદમાં અકસ્માત, ત્રણના મોત
તલોદમાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તલોદની વાવડી ચોકડી પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું. આ અકસ્માતની જાણ થતાં તલોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.. દંપતી તલોદનાં જેનપુરનું રહેવાસી હતું તેવું જાણવા મળ્યું છે. સાબરકાંઠા જિલ્લાની તાલોદની વાવડી ચોકડી પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને મોપેડ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી અને તાલોદ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આગનો ખૌફનાક માહોલ
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આગ લાગતાં ઘડીક ભર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સેક્ટર-19માં અખિલ ભારતીય ધર્મ સંઘ ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં રાંધણ ગેસના બાટલમાં બ્લાસ્ટ બાદ આગ બીજા તંબૂઓમાં ફેલાઈ હતી. આગમાં સિલિન્ડરના ફૂરચે-ફૂરેચાં ઉડી ગયા હતા અને ચૂલા અને વાસણો પણ તૂટેલા જોવા મળ્યાં હતા. પહેલા સિલિન્ડરમાં આગ લાગી અને પછી તે ફેલાઈ ગઈ. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ અલગ-અલગ ટેન્ટમાં રાખવામાં આવેલા સિલિન્ડરોમાં એક પછી એક ધડાકા થયા હતા. લગભગ આઠથી નવ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાની માહિતી સામે આવી છે. આગમાં 15 થી 18 જેટલા ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા.
PM મોદીનું ઇન્ટરનેશનલ પોડકાસ્ટ આવશે
આવતા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પહેલો આંતરરાષ્ટ્રીય પોડકાસ્ટ થશે. અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન પીએમ મોદીનો ઇન્ટરવ્યુ લેવા ભારત આવશે. આ તેમની ભારતની પહેલી મુલાકાત હશે. અગાઉ વડાપ્રધાન મોદીએ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથે તેમનો પહેલો પોડકાસ્ટ કર્યો હતો. આવતા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પહેલો આંતરરાષ્ટ્રીય પોડકાસ્ટ કરશે. પીએમ મોદી અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથે વાત કરશે. ફ્રીડમેને પોતે આ માહિતી આપી છે. ફ્રીડમેને રવિવારે ટ્વિટ કર્યું કે તેઓ ફેબ્રુઆરીના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક પોડકાસ્ટનું આયોજન કરશે. તેમણે કહ્યું કે તેઓ આ પોડકાસ્ટ વિશે ખૂબ જ ઉત્સાહિત છે. આ પોડકાસ્ટના બહાને આ તેમની ભારતની પહેલી મુલાકાત હશે. ફ્રીડમેન પણ આ વિશે ખૂબ જ ઉત્સાહિત છે.
સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મોટા સમાચાર
સૈફ અલી ખાન હુમલા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસે ઘણા કલાકોની શોધખોળ બાદ આખરે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. ધરપકડ માટે વિવિધ વિભાગોની લગભગ 30 ટીમો બનાવવામાં આવી હતી. આરોપીનું નામ મોહમ્મદ અલિયાન હોવાનું કહેવાય છે. પહેલા તેણે પોતાનું નામ વિજય દાસ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીની રવિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના થાણેના હિરાનંદાની વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે તેને પકડીને મુંબઈ લાવ્યો અને અહીં વધુ પૂછપરછ ચાલી રહી છે
ટ્રમ્પના વૈભવી ડિનરમાં મુકેશ-નીતા અંબાણી હાજર રહ્યાં
20 જાન્યુઆરી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે શપથ લઈ રહ્યાં છે. શપથવિધિ પહેલાં રવિવારે રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં વૈભવી ડિનર યોજાયું હતું જેમાં ઉદ્યોગપતિ મુકેશ અને તેમની પત્ની નીતા અંબાણીએ હાજરી આપી હતી. મુકેશ અને નીતા અંબાણીએ ડિનરમાં જોઈને પ્રેસિડન્ટ ટ્રમ્પ પણ ખુશ જોવા મળ્યાં હતા. તેમણે એક ગ્રુપ ફોટો પણ ખેંચાવ્યો હતો. ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ પ્રેસિડન્ટ પદના શપથ લઈ રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.