બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / 79 વર્ષના નિરુબાના આઈસક્રીમે અમદાવાદીઓને ઘેલું લગાડ્યું, આટલી ઉંમરે પણ બા જાતે બનાવે છે આઈસ્ક્રીમ
Nidhi Panchal
Last Updated: 10:34 AM, 22 November 2024
આજકાલ ઈન્સ્ટાગ્રામ પર જુદા જુદા ફૂડની, જુદી જુદી વાનગીઓની રીલ્સ ખૂબ જ વાઈરલ થાય છે. આવી જ રીતે એક દિવસ હું ઈન્સ્ટા પર રીલ્સ સ્ક્રોલ કરતી હતી, અને મને એક બાની રીલ દેખાય. જેમાં કહેવાયું હતું કે 79 વર્ષની ઉંમરના આ જાતે આઈસક્રીમ બનાવે છે, અને એ પણ એકદમ નેચરલ ફ્લેવરના.
ADVERTISEMENT
તો થયું, ચલો આઈસ્ક્રીમ ખાતા આવીએ અને આ વીડિયો કેટલો સાચો છે એ જતા આવીએ. એટલું હું તો પહોંચી ગઈ નવરંગુપરામાં સ્ટેડિયમ રોડ પર આવેલી ચૈતન્ય સોસાયટીમાં. દૂરથી જ એક ઘરની સામે કેટલાક વાહનો પાર્ક કરેલા દેખાયા, જે નિરુબાના ફેમસ આઈસક્રીના એડ્રેસની ચાડી ખાતા હતા.
ADVERTISEMENT
છતાંય, મનમાં થયું કે 79 વર્ષના બા થોડી જાતે બનાવીને વેચતા હોય, એ તો એમણે શરૂ કર્યું હશે, અત્યારે તો એમના છોકરાઓ જ ચલાવતા હશે દુકાન. પણ, જ્યારે હું છેક પહોંચી તો નિરુબા ખરેખર જાતે પોતે ત્યાં જ બેઠા હતા. મીઠો આવકાર આપીને મને કહ્યું કે બેસ, બેટા. સવાલો પછી કરજે, પહેલા લે આ આઈસક્રીમ ખા. એમણે મન એક કપ ચીકુ ફ્લેવરનો આઈસક્રીમ આપ્યો, અને આપણે ધીરે ધીરે ચાખવાની શરૂઆત કરી. પણ આઈસક્રીમ એટલો મસ્ત હતો કે થોડીક જ મિનિટોમાં હું ચટ કરી દઈ. જાણે અસ્સલ ચીકુ ખાતા હોય, એવો જ સ્વાદ હતો. તમને લાગશે કે હું આડે પાટે ચડી ગઈ. પણ ઉભા રહો, 79 વર્ષની ઉંમરેય કાર્યરત્ નિરુબા વિશે જાણવા જેવું ઘણું છે.
60 વર્ષે તો લોકો રિટાયર થઈ જાય. પ્રાઈવેટ નોકરી હોય, તો પણ બાળકોને પરણાવીને પછી ભક્તિભાવમાં જીવન વીતાવતા થઈ જાય. પરંતુ નિરુબા આજેય શરીરથી કડેધડે છે, અને પોતાના આઈસક્રીમને લઈને અતિઉત્સાહથી કાર્યરત્ છે. આજે પણ નિરુબા જાતે ઉભા રહીને આઈસક્રીમ બનાવડાવે છે. પરંતુ આી શરૂઆત થઈ હતી, 1986માં. અમદાવાદના નિરંજનબેન દેસાઈએ 30 વર્ષ પહેલા આ આઈસક્રીમ બિઝનેશની શરૂઆત કરી હતી. આજે તો નિરુબાના આઈસક્રીમને શોધતા શોધતા લોકો આવે છે, પરંતુ ત્યારે નિરંજનબેન પોતાની આવડત અને શોખ પ્રમાણે ઘરના લોકો માટે આઈસક્રીમ બનાવતા.
નિરુબા કહે છે કે તેમના પરિવારમાં બધા ઉપવાસ બહુ કરતા, એટલે ઉપવાસમાં ખવાય તેવો આઈસક્રીમ બનાવવો પડતો. આમ જ નેચરલ આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત થઈ.એક દિવસ તેમના જ પરિવારમાંથી કોઈએ કહ્યું કે, આટલો સારો આઈસક્રીમ બનાવે છે, તો ધંધો શૂર કરને. અને આ વિચારની સાથે જ આજના ફેમસ આઈસક્રીમ બિઝનેસના પાયા નખાયા.
આંખમાં ખુશીના ચમકારા સાથે નિરુબા એ દિવસોને યાદ કરતા જાણે પાછા ત્યાં જ જતા રહે છે. તેમના જ શબ્દોમાં સાંભળીએ તો,'આજે તો આઈસ્ક્રીમનું આ ફ્રિઝર 70થી 80 હજારનું આવે, પણ ત્યારે 15 હજારમાં મળતું. જો કે, આજથી 30 વર્ષ પહેલા 15 હજારેય અધધધ લાગતા. પણ કામ શરૂ કરવું હતું, એટલે બે છેડા ભેગા કરીનેય ફ્રિઝર લીધું અને કામ શરૂ કર્યું. પહેલા તો માત્ર આડોશી પાડોશી કે ઓળખીતા લોકો જ ઓર્ડર આપતા. પેકિંગ કેવી રીતે કરવું એય નહોતી ખબર એટલે અહીં જ બેસીને લોકોને ખવડાવતા. પણ કામ કરતા ગયા અને શીખતા ગયા.'
જો કે, વર્ષોના વહાણા વાતા ગયા અને નિરુબાનો આઈસક્રીમ ફેમસ થતો ગયો. આજે તો એમને ત્યાં લાઈન લાગે છે. લોકો અહીં બેસીને આઈસક્રીમ ખાવા તો આવે જ છે, પણ લગ્ન, પાર્ટી જેવા પ્રસંગો માટે જથ્થાબંધ ઓર્ડર આપી જાય છે. પછી મેં બાને કાનમાં પૂછ્યું, આ તમારા આટલા ફેમસ આઈસક્રીમની રેસિપી તો કહો. નિરુબાને ત્યાં ચીકુની સાથે સાથે નારંગી, આદુની ચા, પાન, સીતાફળ જેવા જુદી જુદી 10 નેચરલ ફ્લેવરના આઈસક્રીમ બને છે.
આમ તો, હસીને બાએ પોતાનું બિઝનેસ સિક્રેટ કહેવાનું ટાળ્યું, પણ વધારે પૂછતા કહ્યું કે,'આઇસ્ક્રીમમાં કોઈ કલર નાખવાની જરૂર નથી. તેની રીત સાવ સરળ છે. સૌ પ્રથમ દુધને ગરમ કરીને તેમાં ખાંણ નાખો, તેને ઠંડું થવા દો. તે ઠંડું થાય ત્યાં સુધી જે પણ ફળનો ફ્લેવર નાખવો હોય તે સમારીને એક મિશ્રણ તૈયાર કરી લો અને પછી દુધમાં તેને ઉમરી, ફરીથી ઉકાળીને ઠંડું થવા દો. થોડા સમય બાદ તેને ફ્રિઝરમાં મૂકી દેવું, એટલે આઇસ્ક્રીમ તૈયાર. જેથી આમાં કોઇ પણ કલર હોતો નથી અને આઇસ્ક્રીમ ખાતા પણ ફળનો સ્વાદ આવે છે.'
નિરુબાના આઈસ્ક્રીમમાં ન તો કલર હોય છે, ન તો પ્રિઝર્વેટિવઝ. એક સમયે માત્ર એક જ તપેલું ભરીને આઈસક્રીમ બનાવતા નિરુબાને આજે દરેક ફ્લેવરનો આઈસ્ક્રીમ અઠવાડિયામાં 2-3 વખત બનાવવો પડે છે. કારણ કે, લોકો તેમનો નેચરલ આઈસક્રીમ મજાથી ચટ કરી જાય છે. નિરુબાના હાથે બનેલો સીતાફળ આઈસક્રીમ અહીં આવતા લોકોની પહેલી પસંદ છે. નિરુબાની સાથે એક ભાઈ પણ તમને અહીં જોવા મળશે, નામ છે એમનું અમરતભાઈ. ટીનએજમાં રાજસ્થાનથી અહીં આવેલા અમરતભાઈએ નિરુબા સાથે સંઘર્ષના દિવસોમાં કામ કરવાની શરૂઆત કરી અને આજે 20 વર્ષના વહાણા વીત્યા, ત્યારેય અમરત ભાઈ અહીં જ કામ કરી રહ્યા છે.
તેમનેય હવે નિરુબાનો સાથ ખૂબ ફાવી ગયો છે. હવે તો અમરતભાઈ પણ આઈસક્રીમ બનાવતા શીખી ગયા છે. આટલું એ મને કહે ત્યાં જ નિરુબા હસતા હસતા વચ્ચે કહે છે,'હું હજી ઘરડી નથી થઈ, હજી તો હું મોજથી આજેય હસતા હસતા આઈસક્રીમ બનાવું છું. મને તો અહીં બધા આવે, બેસે હસી મજાક કરતા ખુશીથી આઈસક્રીમ ખાય, એટલે એમને જોઈને જ આનંદ આવે છે.'
વધુ વાંચો : માણેકચોક જૂનું થયું, આ છે અમદાવાદી યુથને આકર્ષતા અડધી રાત્રે પણ ધમધમતા ફૂડ સ્પોટ્સ
બા સાથેની વાતો હજી લાંબી ચાલી પણ આખરે બીજો એક આઈસક્રીમ ખાઈને તેનો કુદરતી સ્વાદ મોઢામાં અને મનમાં નિરુબાનો હસતો ચહેરો ચગળાવતી ચગળાવતી હું તો ફરી નીકળી. તમારા માટે આવું જ કંઈક કામનું શોધવા માટે!
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.